અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાંથી 13.9 કિલો વજનના હાથીદાંત સાથે ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી હતી, પરંતુ આ માત્ર એક તસ્કરી ન હતી, આ તસ્કરીના છેડા ઠેઠ વિરપ્પન સાથે મળે છે, જે ચંદન તસ્કર તરીકે એક જમાનામાં ભારે બદનામ હતો. તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે, પ્રકાશ જૈન નામનો આ ઇસમ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કસ્તૂરીપાર્કમાં રહે છે અને તામિલનાડુમાં પ્રાણીઓનાં અંગોની તસ્કરી માટે તે મોસ્ટ વૉન્ટેડ આરોપી છે. પોલીસે હાથ ધરેલી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, વન્ય જીવોનાં અંગોની તસ્કરીનું આ આંતરરાષ્ટ્રીય રૅકેટ છે, તેમ એક અખબારી અહેવામાં જણાવવામાં આવ્યું હતું.
પ્રકાશ જૈનને ચંદન-તસ્કર વિરપ્પન સાથે પણ સંબંધો હતા. વિરપ્પનની પત્ની મુથુલક્ષ્મી જ્યાં રહેતી હતી તે સ્થળ સાલેમ ખાતે પ્રકાશ જૈનની દરજીની દુકાન પણ હતી. જૈન તામિલનાડુના સાલેમ જિલ્લામાં તે 1996થી એક ગેંગ ચલાવે છે. તેણે પશુઓનાં અંગોના વેપાર બાબતે વિરપ્પન પાસેથી શીખી લીધું હતું. તા. 5 એપ્રિલ, 2023ના રોજ તામિલનાડુ જંગલ વિભાગે તેની ગેંગના સાત સાગરીતોને વાઘની ચામડી, બે હાથીદાંત, હરણનાં શિંગડાં તથા શિયાળની પૂંછડી સાથે ઝડપી લીધા હતા.
અમદાવાદમાં પોલીસ સમક્ષ પોતાની ઓળખ કાપડના વેપારી તરીકે આપનાર પશુ-ચામડીના તસ્કર પ્રકાશ જૈનનો કબ્જો લેવા માટે તામિલનાડુ પોલીસ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે વેરાવળના રહેવાસી શેહબાઝ અબ્દુલ કરીમને પણ હાથીદાંતના કેસમાં ઝડપી લીધો છે. કાબરાણીએ જણાવ્યું હતું કે, કોઈ માછીમાર મહિલાને દરિયામાં તરતો હાથીદાંત મળ્યો હતો. ત્યાર બાદ હાથીદાંતને લઈને એક રિક્ષા ડ્રાઇવરની મદદથી તેઓ ફતેહવાડીના રહેવાસી દાઉદ અને તેની પત્ની રાબિયાના સંપર્કમાં આવ્યા હતા. તેમની મારફતે તેઓ શિકારી ગેંગ ચલાવતા પ્રકાશ જૈનને મળ્યા હતા અને રૂપિયા 1.43 કરોડમાં આ હાથીદાંત વેચવાની તજવીત હાથ ધરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વાઘની ચામડીની કિંમત રૂપિયા 8 કરોડથી 9 કરોડ સુધી હોય છે. સિંહના બે નખની કિંમત રૂપિયા 3 લાખ હોય છે. શિયાળની પૂંછડી રૂ. ૫૦ લાખમાં વેચાય છે જ્યારે ટપકાપાળા હરણ રૂ. ૩૦ લાખમાં વેચાય છે. ગીર અભ્યારણમાં વાઘ સિવાય તમામ પ્રાણી મળી રહે છે. આ ગેંગની નજર ગીરના જંગલો અને સિંહો પર છે, તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.