બેસ્ટ દ્વારા 2100 એસી ઇલેક્ટ્રીક બસ લેવાના નિર્ણયને ટાટા મોટર્સે પડકાર્યો હતો. જોકે શુક્રવારે ટાટા મોટર્સની આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દેતાં બેસ્ટના કાફલામાં 2100 એસી એલેક્ટ્રીક બસની એન્ટ્રીનો રસ્તો હવે ખૂલી ગયો છે. જલ્દી આ બસ બેસ્ટમાં સામેલ થશે તેમ કહેવાઇ રહ્યું છે.
મુસાફરોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે બેસ્ટ દ્વારા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. વધારેમાં વધારે બસ સેવામાં આવે તેના પર બેસ્ટ ભાર આપે છે. બેસ્ટ દ્વારા 1 હજાર 400 બસ ભાડે લેવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. ઉપરાંત વધુ 700 બસ લેવા માટે પાછલાં વર્ષે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર ઓપન થયા બાદ ઓલેક્ટ્રા કંપની યોગ્ય સાબીત થઇ હતી. આ ટેન્ડર માટે ટાટા મોટર્સ દ્વારા પણ અરજી કરવામાં આવી હતી. તેથી ટાટાએ બેસ્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવી ઉચ્ચ ન્યાયાલય અને ત્યાર બાદ સર્વોચ્ચ ન્યાયાલય તરફ દોટ મૂકી હતી.
શુક્રવારે થયેલ સુનાવણીમાં નિર્ણય આપતાં ઉચ્ચ ન્યાયાલયની ફરી ટેન્ડર બહાર પાડવાની સૂચનાને બાજૂએ મૂકી બેસ્ટ દ્વારા 1400 બસ માટે નક્કી કરવામાં આવેલ કોન્ટ્રાક્ટરની નિમણૂંક પ્રક્રિયા સર્વોચ્ચ ન્યાયાલયે યોગ્ય ઠેરવી હતી. આ નિર્ણયને કારણે ઇવે ટ્રાન્સને મળેલ 2100 બસનો કરાર યોગ્ય સાબિત થતાં 2100 બસ લેવાનો બેસ્ટનો માર્ગ ખૂલ્યો છે. ત્યારે હવે થોડાં જ સમયમાં બેસ્ટના કાફલામાં આ બસ સામેલ થતાં ઇલેક્ટ્રીક બસની સંખ્યામાં વધારો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂની ડિઝલ બસ પર્યાવરણના નિયમો અનુસાર 15 વર્ષ બાદ સેવામૂક્ત કરવાની હોય છે. તેથી બેસ્ટ પાસે હાલમાં બસની ઓછી સ્ંખ્યા છે. જોકે આ નવી બસો ઉમેરતા મુસાફરો માટે તે વધુ સુવિધાજનક સાબીત થશે.