૧૦૬ વર્ષના વયોવૃદ્ધ મહિલાએ કર્યું મતદાન
બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ૨૨૪ બેઠક પરના મતદાન પૈકી સવારના સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં 37.25% મતદાન થયું છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મતદાન સહિત અન્ય ટોચના રાજકીય નેતાઓએ તેમના પરિવરજનો સાથે મતદાન કર્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું હતું કે હું છેલ્લા ૫૫ વર્ષથી મતદાન કેન્દ્ર પર મતદાન કરી રહ્યો છું. લોકોનો ઉત્સાહ જોઈને મને લાગે છે કે મારી પાર્ટી સત્તામાં આવશે અને અમે બહુમતીથી જીતીશું.
પૂર્વ સીએમ દેવેગૌડા તેમની પત્ની સાથે વોટ આપવા પહોંચ્યા હતા
ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા અને તેમના પત્ની ચેન્નમ્માએ મતદાન કર્યું હતું. દરમિયાન ભાજપ ( ભારતીય જનતા પાર્ટી)ના કર્ણાટકના હાસન મત વિસ્તારના વિધાનસભ્ય પ્રિતમ જે ગૌડાએ પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું હતું કે મારો મત સમૃદ્ધ રાજ્યના નિર્માણ માટે છે. દરેક વ્યક્તિ પોતાનો અમૂલ્ય મત આપીને કર્ણાટકના વિકાસમાં ભાગીદાર બને.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને કનકપુરાથી પાર્ટીના ઉમેદવાર ડીકે શિવકુમાર તેમના મતવિસ્તારમાં ઓટો રિક્ષા ચલાવતા જોવા મળ્યા હતા. ચન્નાગિરી તાલુક વિધાનસભા ક્ષેત્રમાં 106 વર્ષીય વૃદ્ધ મહિલા જાનકીબાઈ મતદાન કેન્દ્ર પર જઈને તેમને પોતાનો મત આપ્યો હતો, જ્યારે કર્ણાટક ચૂંટણી પંચ દ્વારા તેમની તસવીર શેર કરવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે આ વખતે કર્ણાટકમાં ૨૨૪ બેઠક પર મતદાન વચ્ચે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો મતદાન મથક પર આવી રહ્યા છે અને સેલ્ફીનો યુગ પણ ચાલી રહ્યો છે. કર્ણાટકમાં યુવા મતદારોની સંખ્યા ૧૧.૭૧ લાખ છે.