ભાજપ-કૉંગ્રેસ બંનેની કસોટી
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ઈસવી સનનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. ભારત માટે રાજકીય રીતે આ વર્ષ બહુ મહત્ત્વનું છે. આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં નરેન્દ્ર મોદી સરકારની બીજી ઈનિંગ્સના પાંચ વર્ષ પૂરાં થશે ને લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ અને ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યો છે. હવે ૨૦૨૪માં પણ જીતીને હેટ્રિક કરશે કે નહીં તેના પર સૌની નજર છે ત્યારે ૨૦૨૪માં ભાજપની જીતનો આધાર આ વરસે થનારી વિધાનસભાની ચૂંટણીઓ પર છે.
આ વરસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ તથા મિઝોરમ એમ દેશનાં ૯ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આમ તો જમ્મુ અને કાશ્મીરમાં પણ કલમ ૩૭૦ નાબૂદ કરાયા પછી વિધાનસભાની ચૂંટણી થઈ નથી. કાશ્મીરની ચૂંટણીનો સમય પણ પાકી ગયો છે તેથી કાશ્મીરને પણ ગણી લો તો ૧૦ રાજ્યો થઈ જાય. અલબત્ત કાશ્મીરમાં હજુ બધું હાલકડોલક છે. કલમ ૩૭૦ નાબૂદ તો કરી દીધી પણ આતંકવાદ પત્યો નથી તેથી મોદી સરકાર કાશ્મીરમાં ચૂંટણી કરાવવા મામલે ઢચુપચુ છે પણ બાકીનાં ૯ રાજ્યોમાં વિધાનસભાની મુદત પતે છે એટલે ચૂંટણી પાકી છે.
આ નવ રાજ્યોમાંથી ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ એ ત્રણ રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરીમાં જ છે. આ ત્રણેય રાજ્ય ટચૂકડાં છે ને લોકસભામાં બધી મળીને પાંચ બેઠકો ધરાવે છે તેથી તેનાં પરિણામોની રાષ્ટ્રીય સ્તરે બહુ અસર ના થાય પણ રાજકીય રીતે આ રાજ્યોનાં પરિણામો મહત્ત્વનાં છે કેમ કે ત્રણેય રાજ્યોમાં ભાજપ કે તેના સાથી પક્ષોની સરકાર છે. ત્રિપુરામાં પાંચ વર્ષ પહેલાં ભાજપે બે દાયકાથી જામેલા ડાબેરી મોરચાના માણિક સરકારને ઉખાડી ફેંકીને સત્તા કબજે કરેલી.
ભાજપે એ વખતે બિપ્લબ કુમાર દેબને મુખ્યમંત્રી બનાવેલા પણ દેબ પાંચ વર્ષ પૂરા કરે એ પહેલાં તેમને બદલીને કૉંગ્રેસમાંથી આવેલા માણિક સહાને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. તેના કારણે એવી છાપ પડી છે કે, ત્રિપુરામાં ભાજપ માટે બધું સમૂસૂતરું નથી. ભાજપે ગયા વરસે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલીને સત્તા બચાવવામાં સફળતા મેળવી હતી. ત્રિપુરામાં પણ ભાજપનો આ દાવ ચાલે છે કે નહીં તેની ખબર પડશે.
મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીના કોનરાડ સંગમા અને નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેઈફુ રીયો મુખ્યમંત્રી છે. નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી સરકારમાં ભાજપ ભાગીદાર છે પણ બંને પોતાની તાકાત પર સત્તામાં આવેલા છે તેથી ભાજપે ઝાઝું કરવાનું નથી. જો કે આ રાજ્યો કૉંગ્રેસ માટે મહત્વનાં છે. એક જમાનામાં આ રાજ્યોમાં કૉંગ્રેસનો દબદબો હતો પણ પ્રાદેશિક પક્ષોના પાવર સામે કૉંગ્રેસ નબળી સાબિત થઈ છે. કૉંગ્રેસ આ રાજ્યોમાં ફરી બેઠી થાય તો લોકસભાની ચૂંટણી પહેલા તેના કાર્યકરોનો આત્મવિશ્ર્વાસ વધશે.
જો કે ભાજપ અને કૉંગ્રેસ બંને માટે અસલી કસોટી બાકીનાં છ રાજ્યોની ચૂંટણીમાં છે કેમ કે આ છ રાજ્યોમાંથી પાંચ રાજ્યનાં પરિણામ લોકસભાની ચૂંટણી પર અસર પાડી શકે તેમ છે અને ચાર રાજ્યોમાં ભાજપની કૉંગ્રેસ સામે સીધી ટક્કર છે તેથી બંને માટે આબરૂનો સવાલ છે. આ ચાર રાજ્યો પૈકી કર્ણાટક અને મધ્ય પ્રદેશ એ બે રાજ્યોમાં ભાજપની સરકાર છે તો રાજસ્થાન અને છત્તીસગઢ એ બે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે. આ કારણે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ પોતપોતાની સરકારોને બચાવવા મથવાનું છે.
કૉંગ્રેસે તો ફરી બેઠા થવા પણ મથવાનું છે. કૉંગ્રેસનું સાવ નામું નંખાઈ નથી ગયું ને કૉંગ્રેસ હજુય ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે એ સાબિત કરવા કૉંગ્રેસે બે રાજ્યોમાં સત્તા જાળવવાની સાથે સાથે બે રાજ્યોમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવી જરૂરી છે. આ બંને રાજ્યોમાં છેલ્લે ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસ જ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરેલી પણ ભાજપે પૈસા અને પાવરનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધેલી. કૉંગ્રેસે આ બંને રાજ્યો ભાજપ પાસેથી આંચકીને ભાજપે ખોટું કરેલું એ સાબિત કરવું જોઈએ.
કૉંગ્રેસ અને ભાજપની ટક્કરની શરૂઆત મે મહિનામાં થનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીથી થશે. કર્ણાટક દેશનું મધ્યમ કક્ષાનું રાજ્ય છે અને લોકસભાની ચૂંટણીની રીતે બહુ મહત્ત્વનું છે કેમ કે કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકો છે. કર્ણાટકમાં ૨૦૧૮ની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી પણ કૉંગ્રેસ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા તથા તેમના દીકરા કુમારસ્વામીની પાર્ટી જેડીએસએ જોડાણ કરીને સરકાર બનાવેલી. ભાજપે તોડફોડ કરીને આ સરકારને ગબડાવીને જૂના જોગી બી.એસ. યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવેલા.
યેદુરપ્પા છાપેલું કાટલું છે ને ભ્રષ્ટાચારમાં વગોવાયેલા છે. યેદુરપ્પાનું ખાનદાન સરકારી તિજોરીને બાપનો માલ સમજીને લૂંટવામાં માને છે. યેદુરપ્પા વંશવાદી પણ છે ને પોતાના દીકરા વિજયેન્દ્રને મુખ્યમંત્રી બનાવવાનાં સપનાં જુએ છે. યેદુરપ્પા ગાદી પર બેઠા એ સાથે જ યેદુરપ્પા ખાનદાનનો જૂનો ખેલ પાછો શરૂ થઈ ગયેલો. ભાજપે પહેલાં તો આંખ આડા કાન કર્યા પણ પછી
અતિરેક થયો એટલે યેદુરપ્પાને તગેડીને બસવરાજ બોમ્માઈને ગાદી પર બેસાડ્યા છે. બોમ્માઈ સાવ મોળા છે તેથી કર્ણાટક ભાજપમાં ભારે કકળાટ છે. જેટલા નેતા એટલાં જૂથ છે ને બાર બાયા ને તેર ચોકા જેવો ઘાટ છે. બીજી તરફ ડી.કે. શિવકુમારને પ્રદેશ પ્રમુખ બનાવાયા
પછી કૉંગ્રેસ આક્રમક બની છે. શિવકુમાર ખાધેપીધે સુખી માલદાર પાર્ટી છે તેથી ગાંઠનું ગોપીચંદન કરીને પણ કૉંગ્રેસને બેઠી કરી દીધી છે. રાહુલે પણ ભારત જોડો યાત્રા કરીને કર્ણાટક કૉંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂર્યું છે તેથી કર્ણાટકમાં જોરદાર ટક્કર છે. કર્ણાટક લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૦૧૯માં ૨૪ બેઠકો જીતી હતી.
જો કે અસલી જંગ આ વરસના અંતમાં થનારી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીમાં છે. આ પાંચેય રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી છે. કૉંગ્રેસ માટે આ ચારેય રાજ્યો મહત્ત્વનાં છે. રાજસ્થાનમાં અશોક ગેહલોતે ભાજપ સામે ઝીંક ઝીલીને અને સચિન પાયલોટના બળવાને દબાવીને કૉંગ્રેસનો ગઢ સાચવ્યો છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાને કમલના રોકી નહોતા શક્યા તેથી કૉંગ્રેસે સત્તા ગુમાવી પણ રાજસ્થાનમાં કૉંગ્રેસ જોરાવર સાબિત થઈ છે. ગેહલોત ચૂંટણીમાં પણ જોરાવર સાબિત થાય છે કે નહીં તેની કસોટી છે. રાજસ્થાનમાં છેલ્લાં કેટલાંક વરસોથી પાંચ વરસે સરકાર બદલાઈ જાય છે. ગેહલોત આ પરંપરા પણ તોડે છે કે નહીં તેની પણ કસોટી છે.
છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ ધાર્યા કરતાં વધારે શક્તિશાળી સાબિત થયા છે. ગાયના ગોબરને મહત્ત્વ આપીને હિંદુત્વ કાર્ડ ખેલીને તેમણે ભાજપના પ્રભાવને ખાળ્યો છે તેથી ભાજપ પણ ચિંતામાં છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ કૉંગ્રેસને ફરી બેઠી કરવા મથ્યા કરતા હતા પણ પ્રભાવ નહોતા પાડી શકતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના કારણે કૉંગ્રેસના કાર્યકરોમાં જોશ ઉભરાયું છે. રાહુલની યાત્રામાં ઊમટતી ભીડ પ્રભાવશાળી છે પણ એ મતબૅંકમાં ફેરવાય છે કે નહીં તેની કસોટી છે.
તેલંગાણામાં કે.સી. ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ને ઉખાડવા ભાજપ ક્યારનો મથે છે પણ ફાવતો નથી. કેસીઆરની રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મહત્ત્વાકાંક્ષા સળવળતાં તેમણે પોતાની પાર્ટીને ભારત રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) કરી નાખી છે. તેલંગાણામાં કેસીઆર સરકાર બચાવવાની સાથે સાથે ભવ્ય જીત હાંસલ કરી ખુદને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે. કેસીઆરનું આ સપનું પૂરું થાય છે કે નહીં એ પણ જોવાનું છે.
આ પૈકી મિઝોરમ નાનકડું રાજ્ય છે ને રાષ્ટ્રીય રાજકારણ પર અસર પાડી શકે એવું રાજ્ય નથી પણ બાકીનાં ચાર રાજ્યો રાષ્ટ્રીય રાજકારણ પર અસર કરી શકે છે. રાજસ્થાનમાં ૨૫, મધ્ય પ્રદેશમાં ૨૯, છત્તીસગઢમાં ૧૧ અને તેલંગાણામાં ૧૭ મળીને આ ચાર રાજ્યોમાં લોકસભાની કુલ ૮૨ બેઠકો છે. ભાજપે ૨૦૧૯ની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ ૨૫, છત્તીસગઢની ૯, મધ્ય પ્રદેશની ૨૮ અને તેલંગાણાની ૪ બેઠકો મળીને ૬૬ બેઠકો જીતી હતી. મતલબ કે ભાજપની કુલ બેઠકોમાંથી ૨૦ ટકાથી વધારે બેઠકો આ ચાર રાજ્યોમાંથી જ હતી. તેમાં કર્ણાટકની ૨૪ બેઠકો ઉમેરો તો ૮૦ બેઠકો થાય. ભાજપની કુલ બેઠકોમાંથી ૨૫ ટકાથી વધારે બેઠકો પાંચ રાજ્યોમાંથી જ ભાજપે જીતેલી છે તેથી ભાજપ માટે આ રાજ્યો અત્યંત મહત્ત્વનાં છે.
આ નવ રાજ્યોની ચૂંટણી રાહુલની યાત્રાનો કેવો પ્રભાવ પડ્યો છે તેની કસોટી કરનારી છે તો મોદીનો જાદુ યથાવત છે કે નહીં તેની પણ કસોટી કરશે. જો કે આ રાજ્યોનાં પરિણામ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામ નક્કી કરશે એમ કહેવું વધારે પડતું છે કેમ કે ૨૦૧૮માં કૉંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતી હતી પણ ૨૦૧૯ની લોકસભામાં ભાજપે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનાં સૂપડા સાફ કરી નાખેલાં. આ ત્રણ રાજ્યોની ૬૫ લોકસભા બેઠકોમાંથી સત્તાધારી કૉંગ્રેસને ફાળે ગણીને ત્રણ બેઠકો ગયેલી જ્યારે ભાજપે ૬૨ બેઠકો જીતી હતી. એ રીતે જોઈએ તો પરિણામોની લોકસભા ચૂંટણી પર અસર ના પડે પણ રાજકીય પક્ષોના કાર્યકરોના મનોબળ પર ચોક્કસ અસર પડે તેથી આ ચૂંટણી મહત્ત્વની છે જ.