Homeઈન્ટરવલચૂંટણી પર્વ: લોકશાહીનું મહાપર્વ

ચૂંટણી પર્વ: લોકશાહીનું મહાપર્વ

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

ભારતને આઝાદી મળી એ પહેલા અનેક શાસન કર્તાઓ આ દેશ પર રાજ કરી ગયા.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને આઝાદી મળી,એ પહેલા ભારતનો આશરે ૭૫% ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો.જ્યારે બાકીનો ૨૫% ભાગ નાના મોટા રાજાઓ અને રજવાડાંઓના તાબામાં હતો. આ બધા રાજાઓ અને રજવાડાંઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની હકૂમત નીચે જ રાજ કરતા હતા. એમણે અંગ્રેજોની સર્વોપરીતા સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. અંગ્રેજોના સીધા તાબાવાળો પ્રદેશ ‘બ્રિટિશ ઈન્ડિયા’ તરીકે ઓળખાતો અને રાજા રજવાડાંવાળો પ્રદેશ ‘પ્રિન્સલી સ્ટેટ્સ’ તરીકે ઓળખાતો. આ સિવાય દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝ સરકારની હકૂમત હતી. પોંડીચેરીમાં ફ્રાન્સ સરકારની હકૂમત હતી. આ બધા બ્રિટિશ સરકાર સાથે કરારબદ્ધ હતા.
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની શહીદી અને લડતના પરિપાકરૂપે ભારતને આઝાદી મળી છે. તેઓના કપરા સંઘર્ષના કારણે આપણે આઝાદીનાં મીઠાં ફળ ચાખી શક્યા છીએ. આઝાદી મળ્યા પછી દેશ સ્વતંત્ર થયો. ભારત પ્રજાસત્તાક બન્યું. લોકશાહી શાસન અસ્તિત્વમાં આવ્યું.લોકશાહી દેશ તરીકે ભારત ચૂંટણીના પાયા પર બનેલું છે. આપણી સંસદ અને ધારાસભાઓ લોકોના, લોકો દ્વારા અને લોકો માટે છે. આઝાદી મળ્યા પછી આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે. મતદાન એ આપણો બંધારણીય અધિકાર છે. જે આપણને વિશેષાધિકૃત છે. બંધારણે આપણને જે ઉમેદવાર જોઈએ છે, તેને પસંદ કરવાનો અને ફેરફાર કરવાનો અધિકાર આપ્યો છે.માટે મત આપવાના આપણા અધિકારનો ઉપયોગ કરીને, આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે ભારત માટે જે કલ્પના કરી હતી, તેનું સમર્થન કરવાનું છે. ઉજ્જવળ ભારત માટે મતદાન કરીને આપણે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને પાછલી પેઢીઓના સંઘર્ષનું સન્માન કરવાનું છે.
મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે. મતનો ઉપયોગ કરવો એ આપણી નૈતિક ફરજ છે.આથી જ આપણે કોઈપણ જાતના ભય, લાલચ, દબાણ કે પક્ષપાત વગર મત આપવો જોઈએ. મુક્ત અને ન્યાયી ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે. ચૂંટણીના દિવસે સરકારી કચેરીઓ અને કારખાનાઓમાં જાહેર રજા રાખવામાં આવે છે, જેથી બધા જ કર્મચારીઓ મુકત રીતે મતદાન કરી શકે છે. ચૂંટણી તંત્ર દ્વારા જ્યારે આવી વ્યવસ્થા કરવામાં આવી હોય છે, ત્યારે દરેક નાગરિકે આળસ કર્યા વગર મતદાન કરવા જવું જોઈએ. પરિવર્તન લાવવામાં મતદાન મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જો તમે વર્તમાન સરકારથી નારાજ છો, તો તમે વધુ સારી સરકારને ચૂંટી શકો છો. મતદાન ન કરવાથી એક જ પક્ષ બીજા પાંચ વર્ષ સુધી શાસન કરી શકે છે. તેથી જ આપણે ભારતીય પરંપરા જાળવી રાખીને દેશને આગળ ધપાવવા માટે લાયક ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. લોકશાહીમાં તો ‘જે સારો ઉમેદવાર એ મારો ઉમેદવાર’ એવું હોવું જોઈએ. હકીકતમાં આજે ઊલટું થઈ ગયું છે. ‘મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર.’ આથી મતદારે ખૂબ જ જાગૃતિ દાખવવાની જરૂર છે. ચૂંટણીઓ આવે એટલે જ્ઞાતિવાદ પણ વકરતો હોય છે. માગણીઓ બુલંદ બનતી હોય છે. અમારી વસ્તી વધારે એટલે અમને વધારે ટિકિટ મળવી જોઈએ. જવાબદારી બધાની સરખી અને હક વધારે! આ કેવું? જ્ઞાતિનું આ રાજકારણ દેશને ખોખલો બનાવે છે. આજે ભારતમાં પારસીઓની વસ્તી જૂજ પ્રમાણમાં છે. તેમ છતાં આ જ્ઞાતિનું સમાજમાં યોગદાન કેટલું છે. પારસીઓની વસ્તી અલ્પ સંખ્યક હોવા છતાં તેમણે ક્યારેય કોઈપણ જાતના સૂત્રોચાર કે માગણીઓ દોહરાવ્યા વગર વિશ્ર્વને કેટલી ભેટ આપી છે. જો લાયક ઉમેદવાર કે પક્ષ સત્તા પર ન આવે અને નબળી સરકાર આવે તો ગરીબોનો ઉદ્ધાર, વૃદ્ધોની સુખાકારી, શિક્ષણ, પાણી, રસ્તા, પર્યાવરણની જાળવણી અને શહેરી વિકાસ જેવી બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.ટૂંકમાં આવી સરકાર અને ઉમેદવાર સર્વોદય કરવાને બદલે સ્વ ઉદય કરવા માટે કામે લાગી જાય છે! ‘મારા મતથી કોઈ ફરક પડતો નથી.’ એવી માન્યતા ભૂલ ભરેલી છે. દરેક મતની કિંમત છે. જો દરેક મતદાર આવું જ વિચારે તો મતદાન ખૂબ જ ઓછું થાય છે.પરિણામે નબળો ઉમેદવાર કે પક્ષ ફાવી જતા હોય છે. આથી જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ મતદાન અચૂક કરવું જોઈએ.
ચૂંટણી પંચે મતદારો માટે જોગવાઈ કરી છે કે,જો મતદાર કોઈપણ ઉમેદવારથી ખુશ ન હોય તો પણ તેઓ તેમના મતનો ઉપયોગ કરી શકે છે. ગઘઝઅ નામના બટનનો ઉપયોગ કરી શકે છે. ગઘઝઅ નામના બટનનો એવો અર્થ થાય છે કે, ઉપરોક્ત ઉમેદવારમાંથી કોઈપણ ઉમેદવારને હું મત આપવા માગતો નથી/માગતી નથી. ગઘઝઅનું વોટિંગ વ્યક્ત કરે છે કે, કોઈ પણ ઉમેદવાર પૂરતા સારા નથી. ગઘઝઅ મતોની પણ ગણતરી થાય છે.
હવે તો ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો અને વડીલો માટે પણ ઘર આંગણે મતદાન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરી આપી છે.દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે ટપાલ મતપત્રથી મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મતદાન માટે લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી આવા અશક્ત વૃદ્ધોને ઘેર જઈને મતદાન કરાવી રહ્યા છે.ગુપ્તતા જાળવવા માટેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. મતદારના ઘર પર જ મતદાન કુટિરની કામ ચલાઉ વ્યવસ્થા કરવામાં આવે છે. મતદારને બધી પ્રક્રિયા કર્મચારી દ્વારા સમજાવવામાં આવે છે. મતદાર પોતાનો મત આપીને પોતાની જાતે જ પરબીડિયામાં નાખીને કર્મચારીને આપે છે.જે તે કર્મચારી ગુપ્તતા જળવાય એ રીતે ઘટતી તમામ કાર્યવાહી કરે છે. ગુજરાતમાં ૧૦,૩૫૭ શતાયુ મતદાર છે. સૌથી વધુ મતદાર અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ અને સૌથી ઓછા મતદાર ડાંગ જિલ્લામાં આઠ છે.પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં ૫,૧૧૫ આવા શતાયુ મતદારો છે. જ્યારે બીજા તબક્કાની ૯૩ બેઠકોમાં ૫૨૪૨ આવા શતાયુ મતદારો છે.
ચૂંટણીમાં કયા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે, તે અંગે જાગૃત રહેવાની જવાબદારી દરેક નાગરિકની છે. પોતપોતાના મતવિસ્તારમાં મતદાન મથક ક્યાં આવેલું છે, તે જાણવાની જવાબદારી પણ નાગરિકની છે. ઉમેદવારોના નામ સંબંધિત રાજ્યોની માતૃભાષામાં મૂળાક્ષરોના ક્રમમાં સૂચિબદ્ધ કરવામાં આવે છે.આથી મતદાર જો અંગ્રેજી ભાષા જ જાણતો હોય, તો તેમણે ઉમેદવારનાં ચિહ્નોથી પરિચિત થવું પડશે.મતદારે પોતાના ઈચ્છિત ઉમેદવારના નામ અને પ્રતીકની બાજુમાં આવેલું વાદળી બટન દબાવવાનું હોય છે.મતદારને મત આપ્યા પછી મતદારની આંગળી પર અવિલોપ્ય શાહીનું નિશાન કરવામાં આવે છે, જે દર્શાવે છે કે મતદારે મત આપી દીધો છે.
ઘણી વખત પરિણામ જાહેર થયા પછી બહુમતી સાબિત કરવા માટે વિરોધ પક્ષ કે અપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્યોને લાલચ આપીને પક્ષ પલટો કરાવવામાં આવતો હોય છે. સમયાંતરે આવી ખાલી પડેલી ધારાસભ્યની સીટ માટે ફરી વખત પેટા ચૂંટણી કરવાની નોબત આવતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી યોજવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. જે પ્રજાના શીરે આવતો હોય છે. આથી એવું ન થઈ શકે કે, જે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે તેની ખાલી જગ્યાની પેટા ચૂંટણી કરવાને બદલે જે તે રાજીનામું આપનાર ધારાસભ્યનો તરતજનો પ્રતિસ્પર્ધી ઉમેદવાર હોય તેમને ચૂંટાયેલો જાહેર કરવો જોઈએ. આમ પેટા ચૂંટણી ટાળવી જોઈએ. પણ, આ તો લોક્શાહી છે! આવા સારા અને રચનાત્મક નિર્ણયો થાય તો કેવું રુડું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -