ઇલેકશન કમિશનર અરુણ ગોયલની નિમણૂકના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચને ફાઈલ સોંપી છે. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી અરુણ ગોયલની ચૂંટણી કમિશનર પદ પર નિમણૂક સંબંધિત મૂળ ફાઇલને મંગાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું, અમે જોવા માંગીએ છીએ કે ગોયલની નિમણૂકમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું. શું આમાં કંઈ ખોટું થયું છે? કોર્ટે આજે ગુરુવારે ફાઈલ રજૂ કરવા જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કેએમ જોસેફની પાંચ સભ્યોની બંધારણીય બેંચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણને કહ્યું કે અમે જોવા માંગીએ છીએ કે નિમણૂક કેવી રીતે થઈ. કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. કંઇ ગડબડ તો નથી થઇને કેમેકે ગોયલે તાજેતરમાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. જો નિમણૂક કાયદેસર છે, તો ગભરાવાની જરૂર નથી.
કોર્ટે કહ્યું કે આ કોઈ વિરોધનું પગલું નથી, અમે તેને ફક્ત રેકોર્ડ પર રાખીશું. અમે જાણવા માગીએ છીએ કે તમારો દાવો સાચો છે કે નહીં. અમે 17મી નવેમ્બરથી સુનાવણી કરી રહ્યાં હોવાથી, 19મી નવેમ્બરે નિમણૂક કરવામાં આવી હતી. જો આ સમયગાળા દરમિયાન નિમણૂક ન થઈ હોત તો તે યોગ્ય હતું.
બંધારણીય બેન્ચે કહ્યું કે એવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે, જે વડા પ્રધાનની સામે આરોપો હોય તો તેમની સામે પણ પગલાં લઈ શકે. કેન્દ્રમાં કોઈપણ શાસક પક્ષ કે જે પોતાને સત્તામાં જાળવી રાખવા માંગે છે તે વર્તમાન સિસ્ટમ હેઠળ આ પદ પર ‘યસ મેન’ની નિમણૂક કરી શકે છે.
અરુણ ગોયલ 1985 બેચના IAS અધિકારી છે. તેઓ 31 ડિસેમ્બર, 2022ના રોજ 60 વર્ષની વયે નિવૃત્ત થવાના હતા, પરંતુ એક મહિના પહેલા તેમણે 18 નવેમ્બરે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બીજા દિવસે 19મી નવેમ્બરે તેમની ઇલેકશન કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.