નવી દિલ્હીઃ શિવસેનામાં પડેલાં ભંગાણ બાદ હવે ધનુષ્યબાણ એ ચિહ્ન માટે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગ્રુપ વચ્ચે વિવાદ થયો હતો. આ સંદર્ભે કેન્દ્રના ચુંટણી પંચ સામે આજે અંતિમ સુનાવણી કરવામાં આવી હતી. આ વખતે બધા દસ્તાવેજોની તપાસણી કરવામાં આવી હતી અને બધી ટેક્નિકલ્સ મેટરની ચકાસણી કરીને શિવસેનાનું ચિહ્ન ધનુષ્યબાણ કયા જૂથને આપવામાં આવશે એનો નિર્ણય હજી પણ અધ્યાહાર જ છે, કારણ કે સુનાવણી શુક્રવાર સુધી મોકુફ રાખવામાં આવી છે.
એકનાથ શિંદેએ 40 વિધાનસભ્યોને લઈને બળવો પોકારીને પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો. આ જ કારણસર વિધાનસભામાં સંખ્યાબળ ઓછું થઈ જતાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ. આને કારણે શિવસેનામાં ઉદ્વવ ઠાકરે અને એકનાથ શિંદે જુથ એમ બે અલગ અલગ જુથ બની ગયા. પણ અંધેરી પૂર્વ પેટા ચૂંટણી માટે આ બંને જુથમાં ચિહ્નને લઈને પાછો વિવાદ થયો.
ત્યાર બાદ ચૂંટણી પંચે આ બંને જૂથ માટે તાત્પુરતા ચૂંટણી ચિહ્ન નક્કી કરી આપ્યા અને બંને જૂથને અલગ અલગ નામ પણ આપ્યા. આ અનુસાર ઉદ્વવ ઠાકરે જુથનું નામ શિવસેના ઉદ્વવ બાળાસાહેબ ઠાકરે અને મશાલનું ચિહ્ન આપ્યું તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જુથને બાળાસાહેબાચી શિવસેના એવું નામ આપ્યું અને ઢાલ-તલવાનું ચિહ્ન આપવામાં આવ્યું.