હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. સામાન્ય રીતે પરિણામ બાદ હારનાર પક્ષ દ્વારા EVM અથવા ચૂંટણી પ્રક્રિયા પર સવાલ કરાતા હોય છે. ત્યારે ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ બંને રાજ્યોની મળીને તમામ 250 વિધાનસભા બેઠકોની મતગણતરી દરમિયાન, EVM વિશે કોઈ ફરિયાદ મળી નથી, ન તો પુનઃ મતદાન થયું હતું કે ન તો પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ મળી છે. જો કે આ વખતે ચૂંટણી પંચ શહેરી મતદારોની ઉદાસીનતાથી વધુ ચિંતિત છે.
ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કુલ 59,723 મતદાન મથકોમાંથી કોઈ પર પણ પુનઃ મતદાન થયું નથી. ગેરવહીવટ અથવા કોઈપણ પ્રકારની અરાજકતાની કોઈ ઘટના જોવા મળી નથી. કોઈપણ તબક્કે ઈવીએમમાં ખરાબી અંગે કોઈ ફરિયાદ મળી નથી. વધુ મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણી પરિણામમાં 1000 મતોની માર્જિનનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે અને કોઈ ફરિયાદ મળી નથી.
હિમાચલ પ્રદેશમાં પાંચ બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન 500થી ઓછું રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભોરંજ મતવિસ્તારમાં માત્ર 60 અને શ્રી નૈનાદેવીજી બેઠક માટે 171 વોટનું માર્જીન રહ્યું હતું. તેવી જ રીતે ગુજરાતની બે બેઠકો રાપર અને સોમનાથ પર અનુક્રમે 577 અને 922 વોટનો તફાવત રહ્યો.
ચૂંટણી અધિકારીએ કહ્યું, “ચૂંટણીની સત્યનિષ્ઠા વિશ્વાસ છે. કોઈપણ પક્ષ કે ઉમેદવારે પરિણામો પર સવાલ ઉઠાવ્યા નથી કે પુન:ગણતરી માટે કહ્યું નથી,”.