કલ્યાણથી ટિટવાડા જઇ રહેલી લોકલ ટ્રેનના Luggage ડબ્બામાંથી પ્રવાસ કરી રહેલા બબન હાંડે દેશમુખ નામના જેષ્ઠ નાગરીકની ચાલુ ટ્રેનમાં હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરુવારે કલ્યાણ-આંબિવલી સ્ટેશન દરમિયાન બની હતી. આ ઘટના સંદર્ભે રેલ્વે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તીની ધરપકડ કરી છે. આ અંગે એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આંબિવલીમાં રહેનારા બબન દેશમુખ (65) નિવૃત્ત જીવન જીવતા હતા. કોઇ કામ સંદર્ભે તેઓ કલ્યાણ ગયા હતા. સાંજે આશરે 7 વાગે તેઓ કામ પૂરું કરી લોકલ ટ્રેનથી ઘરે જવા નિકળ્યા હતા. ટિટવાળા તરફના Luggage ડબ્બામાંથી મુસાફરી કરી રહેલા બબન દેશમુખનો એ જ ડબ્બામાંથી પ્રવાસ કરી રહેલા અન્ય મુસાફર સાથે વિવાદ થયો હતો. એ મુસાફરે બબન દેશમુખને લાતો અને મુક્કા વડે બેરહેમીથી માર મારતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ડબ્બામાંથી મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો એ આ ઘટનાની જાણ આંબિવલી સ્ટેશનના આરપીએફ કર્મચારીને આપી હતી. બનાવની જાણ થતાં રેલવે પોલીસે તરત તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત એક શંકાસ્પદ વ્યક્તીની ધરપકડ કરી રેલવે પોલીસે બનાવની સઘન તપાસ શરુ કરી છે.