અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં 69 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 73 વર્ષના દાદાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતાં સરખેજ પોલીસે આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના કોર્પોરેટ રોડ નજીક મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા નામના બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી, જ્યાં એપાર્ટમેન્ટના બી બ્લોકના સાતમા માળે રહેતાં કિરણભાઈ અને તેમનાં પત્ની ઉષાબેન લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં.
પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એ સંદર્ભે તપાસ કરતાં ઉષાબેન કિરણભાઈ (ઉં.વ.69)નું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ તેમના પતિ કિરણભાઈ ગંભીર રીતે ઘાયલ હતા, તેમને સારવાર અર્થે એસજી હાઇવેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે બંનેએ પોતાના ભત્રીજાને એક મેસેજ કરીને પોતે સુસાઇડ કરતા હોય એવી જાણ કરી હતી. હાલ આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.