મહારાષ્ટ્ર અને ગુજરાત જુલાઈ અને ઓગસ્ટની વચ્ચે વરસાદ પડશે
નવી દિલ્હીઃ આ વર્ષે ફેબ્રુઆરીમા તાપમાનમાં વધારો અને માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થયું છે, જ્યારે આગામી ખરીફ સીઝનમાં પણ પડકારજનક માહોલનું નિર્માણ થશે. અલ નીનોને કારણે ચોમાસુ નબળું રહેશે. હવામાન ખાતાની જાણીતી એજન્સીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે મોન્સૂન સામાન્યથી ઓછું રહી શકે છે.
સ્કાયમેટે પોતાના વેધર રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષે મોન્સૂન સરેરાશ 94 ટકા વરસાદ પડવાનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ભારતમાં આ વર્ષે ઓછો વરસાદ પડી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ (એમપી)માં જુલાઈ અને ઓગસ્ટની વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે, એવી સ્કાયમેટે આગાહી વ્યક્ત કરી હતી. સ્કાયમેટના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે. આ મુદ્દે સ્કાયમેટના અધિકારીએ કહ્યું હતું કે અલ નીનોને કારણે ચોમાસું નબળું પડશે, તેથી જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. નબળા ચોમાસાને કારણે ખરીફ પાકની વાવણી પર અસર થઈ શકે છે. આ ઉપરાંત, નબળા ચોમાસાને કારણે સૌથી મહત્ત્વપૂર્ણ ખરીફ પાક ડાંગરની ખેતી પર પણ પડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે અલી નીનોને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેથી અનાજના ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. અગાઉ નેશનલ ઓસનિક એન્ડ એટમોસફેરિક એડમિનિસ્ટ્રેશન (એમઓએએ)એ જૂનથી ડિસેમ્બર, 2023ની વચ્ચે અલ નીનો આવવાની શક્યતા વ્યક્ત કરી હતી, તેથી તેની અસર ભારત પર થઈ શકે છે.
અહીં એ જણાવવાનું કે આરબીઆઈની મોનિટરી પોલિસીમાં મોંઘવારી દર 5.20 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી, જે ફેબ્રુઆરી 2023માં 6.44 ટકા હતો. આગામી દિવસોમાં મોંઘવારીમાં ઘટાડો થવાની આરબીઆઈએ અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ આ એજન્સીના અહેવાલ પ્રમાણે મોંઘવારીમાં વધારો થયો તો આગામી દિવસોમાં કેન્દ્રીય બેંક વધુ આક્રમક પગલાં ભરી શકે છે.