(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર પર સતત થઈ રહેલા હુમલાથી વ્યથિત થયેલા મુખ્ય પ્રધાને શુક્રવારે વિપક્ષને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે તમારામાં હિંમત હોય તો અમારી સરકારને ગબડાવીને દેખાડો.
વિપક્ષો બે દિવસથી સરકાર અને મુખ્ય પ્રધાનની ટીકા કરી રહ્યા હતા. વિપક્ષો દ્વારા સરકાર તૂટી પડવાની જે વાતો કરવામાં આવી રહી છે તેની સામે મુખ્ય પ્રધાને શુક્રવારે મોરચો ખોલ્યો હતો. બે દિવસથી રાજ્યના રાજકારણ પર જ્યોતિષ શાસ્ત્રને લઈને વિપક્ષો ટીકા કરી રહ્યા છે. તેમાં પાછું મુખ્ય પ્રધાન પોતાના સહકારીઓ સાથે ફરી એક વખત ગુવાહાટીની મુલાકાતે જવાના છે એવા અહેવાલોને કારણે વિપક્ષને મોકો મળી ગયો હતો.
આત્મવિશ્ર્વાસ ઓછો હોવાથી જ મુખ્ય પ્રધાન જ્યોતિષ અને કર્મકાંડને મહત્ત્વ આપી રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ કરી રહ્યો છે. આ સરકાર મંત્ર-તંત્ર પર આધાર રાખી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યા બાદ મુખ્ય પ્રધાન આક્રમક થયા હતા.
બાળ ઠાકરેના નેતૃત્વમાં તૈયાર થયેલા મોટા મોટા શિવસૈનિકો અત્યારે અમારી સાથે છે. ગજાનન કીર્તિકર, રામદાસ કદમ અને આનંદરાવ અડસુળ જેવા સિનિયર નેતાઓ અમારા પર વિશ્ર્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઠાકરે જૂથે હવે આત્મપરીક્ષણ અને આત્મચિંતન કરવાની આવશ્યકતા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.