મુખ્યપ્રધાન એકનાથ શિંદે અયોધ્યાની મુલાકાત લેવાના હોવાની વાત જાણવા મળી છે. એકનાથ શિંદે એપ્રિલના પહેલા સપ્તાહમાં અયોધ્યા જશે. રસપ્રદ વાત એ છે કે એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો-સાંસદોને પણ અયોધ્યા પ્રવાસે લઇ જશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કહ્યું હતું કે, અયોધ્યાના મહંતે તેમને આમંત્રણ આપ્યું છે અને તેઓ આમંત્રણનું સન્માન કરશે. એકનાથ શિંદેની આ મુલાકાત મહત્વની છે. શિંદેની અયોધ્યા મુલાકાત દરમિયાન ખરેખર શું થાય છે તે જોવું અગત્યનું રહેશે.
“મહંત અયોધ્યાથી આવ્યા હતા. તેમણે આમંત્રણ આપ્યું છે. તે આમંત્રણને માન આપીને અમે ટૂંક સમયમાં અયોધ્યા જઈશું. અયોધ્યા આપણી આસ્થા અને ઓળખનો મુદ્દો છે. તેથી અમે ચોક્કસપણે અયોધ્યા જઈશું,” એમ એકનાથ શિંદેએ કહ્યું. બીજી તરફ, શિંદે જૂથના નેતાઓ નરેશ મ્સ્કે, ભાઉ ચૌધરી, સુશાંત શેલાર હાલમાં અયોધ્યાની મુલાકાતે ગયા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે મહાવિકાસ આઘાડીની સરકાર પડી ત્યારે એકનાથ શિંદે તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે ગુવાહાટી ગયા હતા. તે સમયે તમામ ધારાસભ્યોએ ગુવાહાટીમાં પ્રસિદ્ધ કામાખ્યા દેવીના મંદિરની મુલાકાત લીધી હતી. તમામ ધારાસભ્યોએ કામાખ્યા દેવીના દર્શન કર્યા. તેમણે એવી પ્રતિજ્ઞા પણ લીધી છે કે જો નવી સરકાર બનશે તો તેઓ ફરી દર્શન માટે આવશે. તે મુજબ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ શિંદે જૂથના ધારાસભ્યો ફરી ગુવાહાટી ગયા હતા અને કામાખ્યા દેવીના દર્શન કર્યા હતા.
દરમિયાન, ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે પણ મુખ્ય પ્રધાન બન્યા બાદ અયોધ્યાની મુલાકાતે ગયા હતા, પરંતુ શિવસેનાના ઘણા ધારાસભ્યો-સાંસદો આ પ્રવાસમાં હાજર રહી શક્યા ન હતા. રસપ્રદ વાત એ છે કે કેટલાક ધારાસભ્યોને એરપોર્ટ પરથી ઘરે પાછા જવું પડ્યું હતું. તેથી એકનાથ શિંદે આ વખતે તમામ ધારાસભ્યો-સાંસદોને સાથે લઇને અયોધ્યા જવાના છે. શિંદે તેમના પક્ષના નેતાઓને એવો સંદેશ આપવા માંગે છે કે તમામ ધારાસભ્યો સમાન છે.