પહેલી રાષ્ટ્રીય કારોબારીમાં લેવાયો નિર્ણય: પક્ષ પ્રમુખનો હોદ્દો ખાલી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના પક્ષ અને ધનુષ્ય-બાણ ચિહ્ન શિંદે જૂથને મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં મંગળવારે શિવસેનાની પહેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પક્ષના મુખ્ય નેતા જાહેર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં શિવસેનાના મુખ્ય નેતા પદે એકનાથ શિંદેની નિયુક્તિ કરવામાં આવી છે. પક્ષના અધ્યક્ષપદે કોઈ નિયુક્તિ કરવામાં આવી નથી. અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે છે.
આ બેઠકમાં આગામી દિવસોમાં પાર્ટીના બધા જ અધિકાર એકનાથ શિંદેને આપવામાં આવ્યા છે.
આ બેઠકમાં ચર્ચગેટ રેલવે સ્ટેશનને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિંતામણરાવ દેશમુખનું નામ આપવાનો, રાજ્યમાં ભૂમિપુત્રોને નોકરીમાં ૮૦ ટકા આરક્ષણ આપવાનો, બધા જ પ્રોજેક્ટમાં ભૂમિપુત્રોને પ્રાધાન્ય આપવાનો, મરાઠી ભાષાને ક્લાસિક લેન્ગ્વેજ તરીકેનો દરજ્જો મેળવી આપવાનો.
યુપીએસસી અને એમપીએસસીની પરીક્ષા માટે મરાઠી બાળકોને મદદરૂપ થવાનો. સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારત રત્ન આપવા માટે પ્રયત્નો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે સંસદસભ્ય રાહુલ શેવાળેએ આ બાબતે લોકસભામાં માગણી કરી હતી.
શિવસેના નામ મળ્યા બાદ એકનાથ શિંદે એક્શન મોડમાં આવી ગયા છે. રાષ્ટ્રીય કારોબારીની પહેલી બેઠક મુંબઈમાં યોજાઈ હતી. આ બેઠકમાં શિવસેનાની આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.
રાષ્ટ્રીય કારોબારીની બેઠક આગળ મુખ્યપ્રધાન શિંદેએ મીડીયાને વિનંતી કરી હતી કે હવે તેમના પક્ષને શિંદે જૂથ તરીકે નહીં પણ શિવસેના તરીકે ઓળખવામાં આવે.