* શિવસેના જૂથે દાવાને ફગાવ્યો * આદિત્ય ઠાકરે બાલિશ છે: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દે એવો દાવો શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે કર્યો હતો. એકનાથ શિંદેએ શિવસેના સાથે બળવો કર્યો એ પહેલાં અમારા ઘરે આવીને રડ્યા હતા અને કહ્યું હતું કે જો તેઓ ભાજપમાં નહીં જોડાય તો તેમને જેલની સજા થઇ શકે છે. જોકે આદિત્ય ઠાકરેને દાવા સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આદિત્ય ઠાકરે તો બાલિશ છે. બીજી બાજુ આદિત્ય ઠાકરેએ કરેલા દાવા અને ત્યાર બાદ એકનાથ શિંદેએ આપેલી પ્રતિક્રિયાના મહારાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે જોરદાર પડઘા પડ્યા હતા.
આ અંગે શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગરે આદિત્ય ઠાકરેના દાવાને વખોડ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ તરફથી આવી કોઇ ધમકી મળી નહોતી. શિવસેના સાથે બળવો કરવાનું ખરું કારણ એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા એ હતું.
કેન્દ્રીયપ્રધાન રામદાસ આઠવલેએ પણ ઠાકરેના દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શિંદે એક મજબૂત અને સક્ષમ નેતા છે. એ ક્યારે પણ રડી શકે એમ નથી. શિંદે જૂથના પ્રવક્ત નરેશ મ્હેસ્કે આદિત્ય ઠાકરેના દાવાને જૂઠો તો ગણાવ્યો જ હતો અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે હકીકત તો એ છે કે અમે જ્યારે બળવો કરીને ગુવાહાટી ગયા ત્યારે ઉદ્ધવ ઠાકરે જ તણાવમાં હતા અને તેમણે શિંદેને ફોન પણ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ તો તેમને એમ પણ કહ્યું હતું કે તેનું મુખ્ય પ્રધાનનું પદ જોખમમાં મુકાઈ જશે. મુખ્ય પ્રધાન એક સામાન્ય માણસ છે અને તેઓ રાજ્યના દરેકેદરેક નાગરિકની હંમેશાં કાળજી લેતા હોય છે.
વિશાખાપટ્ટનમ યુનિવર્સિટીની મુલાકાતે ગયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ એવો પણ આરોપ કર્યો હતો કે શિંદેના જૂથમાં જોડાયેલા વિધાનસભ્યો પોતાની સીટ અને પૈસા માટે ગયા હતા. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે એકનાથ શિંદે અમારા ઘરે આવ્યા હતા અને રડ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો તેઓ ભાજપમાં નહીં જોડાય તો કેન્દ્રીય એજન્સી દ્વારા તેમની ધરપકડ થઇ શકે એમ છે.
કોંગ્રેસ અને એનસીપી સાથે યુતિ કર્યા હોવાની વાતનો બચાવ કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેમણે તેમના દાદા પાસેથી જે શીખ્યું તેના કરતાં વધારે ‘ભાજપની વ્હોટ્સએપ યુનિવર્સિર્ટી’ પાસેથી ઘણું શીખવા મળ્યું છે.
કોંગ્રેસ અને એનસીપી સાથે યુતિ અંગે બચાવ કરતાં આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે પોતાના દાદા બાળ ઠાકરેના કોંગ્રેસ સાથે અને ગાંધી પરિવાર સાથે સારા સંબંધ હોવાનું પણ જણાવ્યું હતું. ભાજપે રાષ્ટ્રપતિપદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ત્યારે પણ તેમણે પ્રણવ મુખરજી અને પ્રતિભા પાટીલ (બંને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)ને જાહેરમાં ટેકો આપ્યો હતો. બીજી બાજુ ભાજપે આતંકવાદીઓને ટેકો આપનારા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે યુતિ કરી હતી.
——–
શરીર વાઘનું અને ચામડી ઉંદરની: સંજય રાઉત
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઠાકરે પરિવારના ઘરે જઇને રડ્યા હતા એવા આદિત્ય ઠાકરેએ કરેલા દાવાને સત્ય ગણાવતાં સંજય રાઉતે એકનાથ શિંદેની જબરદસ્ત ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે શિંદે મારા ભાંડુપના ઘરે આવ્યા હતા અને મને પણ તેમણે એવું જ કહ્યું હતું કે તેઓ જો ભાજપમાં નહીં જોડાય તો તેમને જેલ થઇ જશે. શિંદેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેમનું શરીર તો વાઘનું છે પણ ચામડી ઉંદરની છે. એ સમયે તમે તો ગભરાયા હતા અને સાથે સાથે અન્યોને પણ ગભરાવી દીધા હતા, એવું પણ તેમણે કહ્યું હતું. મેં તેમને એ સમયે કહ્યું હતું કે જ્યારે આપણને પક્ષ તક આપતો હોય છે તો આપણે ગભરાવાની જરૂર શી છે. મારી ધરપકડ થઇ તો પણ હું ક્યાં ગભરાયો? હાલમાં એનસીપીના નેતાઓ પર આવા જ પ્રકારનું દબાણ લાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં તેઓ મક્કમ છે.