વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૩૬)
મૌૈલવી સૈયદ અહદમ, અમીર દોસ્ત મોહમ્મદ ખાન, સુલતાન મોહમ્મદ ખાન અને ચાંદ મોહમ્મદ ખાન એકદમ ગેંગઅપ થઈ ગયા મહારાજા રણજીતસિંહ વિરુદ્ધ. આ લોકોએ ધર્મને નામે પંતજારમાં ઉશ્કેરણી કરીને પઠાણોની મોટી ભીડ ભેગી કરી લીધી.
આ લોકોએ સૌ પ્રથમ સરદાર હરિસિંહ નલવાએ અટકની સામે પશ્ર્ચિમ તટ પર બાંધેલા ખૈરાબાદના કિલ્લાને નિશાન બનાવવાનું વિચાર્યું. પઠાણી સૈનિકોના ટોળેટોળાં ખૈરાબાદના કિલ્લા નજીક ઉમટવા માંડ્યા. યુદ્ધ ગમે તે ઘડી ફાટી નીકળવાની ઊંધી ગણતરી પઠાણો ગણવા માંડ્યા હતા.
પરંતુ એ સમયે સરદાર નલવા આઠેક હજાર સૈનિકોને લઈને એ વિસ્તારના ક્ષેમકુશળ જાણવા નીકળ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમને પઠાણોના તોળાતા હુમલાના વાવડ મળી ગયા. એક પળનો ય વિચાર કર્યા વગર નલવા પહોંચી ગયા ખૈરાબાદ. એ દિવસ હતો ગુરુવારનો.
બીજા દિવસે પઠાણો ખુલ્લલામાં શુક્રવારની નમાજ પતાવીને રવાના થયા કે તરત જ નલવાની સેનાએ ઓચિંતુ આક્રમણ કરી દીધું. એક બાબત બહુ મહત્ત્વની છે અને નોંધવી જ પડે કે પઠાણા સૈનિકોની સંખ્યા પોતાના જવાનો કરતા વીસેક ગણી વધુ હોવા છતાં નલવાએ ન જીવનો વિચાર કર્યો, ન હારની ફિકર કરી કે પરિણામની ચિંતા કરી.
દુશ્મનો પર ચીલઝડપ કરીને ચોંકાવી દીધા બાદ એમને પોતાના બાહુબળ, બુદ્ધિબળ અને સાથીબળ પર ગળા સુધીનો વિશ્ર્વાસ હતો.
આવો ગજબનાક વિશ્ર્વાસ યુદ્ધના મેદાનમાં રંગ બતાવ્યા વગર થોડી રહે? જીવસટોસટની લડાઈ જામી. પઠાણો જોશપૂર્વક સામનો કરતા રહ્યાં, છતાં ખાલસા એના સામે ઝાઝુ ઉકાળી શકતા નહોતા.
હિન્દુ સૈનિકોની તલવારની ધાર, ચમક અને ચપળતા પઠાણોના માથાં, હાથ, પગ અને સામે જે આવ્યા એ અંગ વાઢતી- કાપતી રહી. ઠેરઠેર પઠાણો મરેલા કે ઘાયલ અવસ્થામાં અધમુઆ પડ્યા હતા. મેદાન આખું લોહીથી લાલચોળ થઈ ગયું હતું. ઘાયલ પઠાણોની યાતનાભરી ચીસો રોકાવાનું નામ લેતી નહોતી. આઠ હજારની નલવા સેના સામે દોઢ લાખ પઠાણો વામણા સાબીત થઈ રહ્યાં હતાં.
હજી સાંજ પડે એ અગાઉ એકાએક ભારે વાદળો ધસી આવ્યા. અચાનક અંધારાનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યું. આ તકનો લાભ લઈને બરેલીવાળો સૈયદ અહમદ જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગ્યો. પરંતુ એના પલાયન થવાની માહિતી આવવાની સાથે નલવાએ છ હજાર સૈનિકોને લઈને એનો પીછો શરૂ કરી દીધો. લુંદખૂબડમાં સંતાયેલા સૈયદને આની ખબર મળતા એ ત્યાંથી ય રફુચક્કર થઈ ગયો. પણ નલવાએ એનો કેડો ન જ મુક્યો.
સરદાર હરિસિંહ મારતે ઘોડે આગળ ધસી રહ્યાં હતાં. ત્યાં રસ્તામાં નવી મુસીબતે માથું ઉંચક્યું. તુલાંદા ગામ પાસે ૧૪ હજાર પઠાણો ધર્મયુદ્ધ માટે તૈયાર ઊભા હતા. સમય ઓછો હતો અને શત્રુઓ વધુ હતા. આ ગાઝીઓ મરવા- મારવા તત્પર હતા પણ સૈયદ અહમદ તો વધુ આગળ ભાગીને છેક પંતજારની પર્વતમાળામાં સંતાઈ ગયો છતાં મનમાંથી હજી ફફડાટ હટતો નહોતો.
તુલાદાંમાં સામે આવેલી આફતને પહોંચી વળવા માટે નલવાએ વ્યૂહ બદલાવ્યો. કટોકટીના સમયે યોગ્ય વિચાર અને યોગ્ય પગલાંથી ઘણાં યુદ્ધના પરિણામ બદલાઈ જતા હોય છે. સરદાર હરિસિંહ જાણતા હતા કે પઠાણો ભાલા-યુદ્ધથી ખૂબ ડરતા હોય છે. તેમણે પોતાના લશ્કરની બે ટુકડીને ભાલાથી સજ્જ કરીને તૂટી પડવાનો આદેશ આપ્યો.
દૂરથી ભાલાની અણીની ચમક જોઈને જ પઠાણો શિયાંવિયાં થવા માંડ્યા. ભાલાસવારોને નજીક આવતા જોઈને પઠાણો જીવ બચાવવા પીછેહઠ કરવા માંડ્યા. ન કોઈએ લાંબુ વિચાર્યું કે ન કોઈએ સાથીદારનો વિચાર કર્યો. જે દિશા મળી ત્યાં દોડાદોડ શરૂ કરી દીધી.
આ લોકોનો પીછો કરતાં કરતા નલવા સૈનિકો સાથે પંતજાર પહોંચી ગયા. ડરપોક સૈયદ તો ત્યાંથી પોબારા ગણી ગયો હતો. એના થોડા સાથીઓ લડ્યા પણ થોડા સમયમાં માર્યા ગયા. સૈયદ અહમદની અવળચંડાઈને પ્રતાપે ખાલસા સેનાએ પંતજાર પણ મહારાજા રણજીતસિંહની આણ સ્થાપી દીધી. રાબેત મુજબ કોઈ ગુમાન કર્યા કે અત્યાચાર આચર્યા વગર એ પ્રાંતમાં બધી વ્યવસ્થા કરીને એકાદ મહિના બાદ સરદાર હરિસિંહ નલવા ફરીથી હઝારા જવા માટે નીકળી ગયા.
સરદાર હરિસિંહ નલવા વિશે વાંચતા, અભ્યાસ કરતા અને સંશોધન કરતા એક બાબતનું સતત આશ્ર્ચર્ય રહે જ કે આ ભડવીર શારીરિક અને માનસિક રીતે કેટલો બધો સજ્જ હશે? એની મહારાજ રણજીતસિંહ પ્રત્યેની વફાદારી અને ખાલસા રાજ માટે નિષ્ઠા કેવી ભક્તિ જેવા ઉચ્ચત્તમ સ્તરે હશે. સતત પોતાના રાજા અને રાજ્ય માટે લડતા રહેવું, જીવને જોખમમાં મૂકતાં રહેવું અને લેશમાત્ર અભિમાન કે લાલચના ભાવ વગર તટસ્થ, પારદર્શક અને મહત્ત્વાકાંક્ષાહીન રહેવું એને કેવું વિશેષણ આપીશું? માત્ર રાજ્ય અને ફરજને જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી અને ગમે તેવા પડકારમાં મોખરે રહીને પોતાના
સ્વામીનો જયજયકાર બોલાવવો એવી ટેકવાળા વીરલા ઈતિહાસમાં ઝાઝા નહીં મળે અને એ યાદીમાં ય ટોચ પર સરદાર હરિસિંહ નલવા. (ક્રમશ:)