15 ફૂટ ઊંડા બોરવેલમાં પડતા સાગરનું કમનસીબ મોત
કર્જત તાલુકાના કોપર્ડીમાં શેરડીના કામદારનો પાંચ વર્ષનો પુત્ર ખેતરમાં બોરવેલમાં પડી જતા તેનું મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. સોમવારે સાંજે 6 વાગ્યે આ ઘટના બન્યા બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો અને તુરંત જ આ બાળકને બચાવવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આઠ કલાકની ભારે જહેમત બાદ પણ બાળકને બચાવી શકાયો નહોતો અને તેનું મૃત્યુ થયું હતું.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કોપર્ડીના સંદીપ સુદ્રિકના શેરડીના ખેતરમાં શેરડી કાપતા મજૂરનો પાંચ વર્ષનો પુત્ર સાગર રમતા રમતા અચાનક બોરવેલમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ નાસભાગ મચી ગઇ હતી. સાગર બોરવેલમાં 15 ફૂટની ઊંડાઈએ ફસાયો હતો. બાળકને બચાવવા માટે બે જેસીબીની મદદથી સમાંતર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુલધરન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉપજિલ્લા હોસ્પિટલની ટીમે પણ કરજત નગર પંચાયત ફાયર બ્રિગેડ સાથે સ્થળ પર પડાવ નાખ્યો હતો. આ સમયે NDRFની પાંચ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાળકને બચાવવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. છોકરો સાંજે 6 વાગ્યાની આસપાસ બોરવેલમાં પડ્યો હતો. જે બાદ રાત્રે 11 વાગ્યા સુધી તેને બચાવવાના પ્રયાસો ચાલુ હતા. તાલુકા વહીવટી તંત્ર પણ આ તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું હતું. NDRFના અથાક બચાવ પ્રયાસોને કારણે રાત્રે લગભગ અઢી વાગ્યાના સુમારે 5 વર્ષના સાગરને 15 ફૂટના બોરવેલમાંથી બહાર તો કાઢવામાં આવ્યો હતો, પરંતુ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. બાળકના મૃત્યુને કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છે.