મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
બધા જ સમાજો પોતપોતાના ઉત્સવો પોતપોતાની રીતે ઉજવતા હોય છે. અનેક બિન-મુસ્લિમ સમાજો એવા હોય છે કે જેમનામાં તેમના ઉત્સવ ઉજવણી દરમિયાન સારી એવી સમાનતા જોવા મળતી હોય છે, જેવી ઈસ્લામ મઝહબમાં હોય છે.
* ઈસ્લામ એક એવો દીન (ધર્મ) છે કે એના અનેક ફિરકાઓમાં ભલે ધાર્મિક ક્રિયાઓમાં તફાવત હશે, પણ ઈદ થયા પછી બધા જ એકમેકને ‘ઈદ મુબારક’ કહેતા થઈ જાય છે.
તહેવારો સૌ કોઈને ગમતા હોય છે, બધા જ ધર્મોને જેમ ગમતાં હોય છે. ઘણાં સમજદાર દૌલતમંદ એવા હોય છે કે જેઓ ગરીબોની ઈદ વિશે ખ્યાલ રાખતા હોય છે અને પોતપોતાની રીતે ગરીબો સુધી કપડાં – લતા કે મીઠાઈઓ પહોંચાડે છે.
* ગરીબોને તો ખબર હોતી નથી કે તેઓ પોતાનો હાથ લંબાવી સવાલ કરશે ત્યારે સામેવાળો તેમને કંઈ આપશે કે નહીં, પરંતુ ઝૂંપડપટ્ટીઓ સુધી જઈને તહેવારને દિવસે ગરીબોને પણ ઉત્સવમાં શામિલ કરનારા સખીદિલ ઈન્સાનો બહુ ઓછા જોવા મળતા હોય છે.
આ તો મુસ્લિમ સમાજના ફિરકાઓનું એક ઉપરછલ્લું ચિત્ર છે.
* કુરાનમાં અલ્લાહે ખાસ હિદાયત (ધર્મજ્ઞાન) કરી છે કે તમારા હાજતમંદ (પછી તે કોઈપણ કોમ, જ્ઞાતિનો કેમ ન હોય) ભાઈઓને હંમેશાં યાદ કરતા રહેજો.
* અવસરમાં જેઓ એવા જરૂરતમંદોને સહાય પહોંચાડતા હોય છે તેઓ જ સાચેસાચ સવાબ (ભલાઈ)ના હકદાર હોય છે, પુણ્યના અધિકારી હોય છે.
ઈદને દિવસે આપણે ખુશાલીની વાતો જરૂર કરવી જોઈએ. આ કોલમના વાચકો માટે એવી થોડીક શેરો-શાયરી અત્રે રજૂ કરીએ છીએ જેથી કટાર વાચકને ઈદ ઉજવવાનો આનંદ પ્રાપ્ત થઈ શકે.
ઈદના અવસર પર ઘણાં કુટુંબના લાડીલાઓ, માતાપિતાના સંતાનો નોકરી અંગે પરદેશ ખાતે પણ હોય છે.
* તો કેટલાક તાજાં આદરાયેલાં કે હજી જેમનું સગપણ થયું છે, પણ લગ્ન નથી થયા એવા યુવક – યુવતીઓ પણ એકમેકથી જ્યારે વિખૂટા હોય છે ત્યારે ઈદના દિવસે કાગળોમાં – મોબાઈલ પર જે શાયરીઓની પરસ્પર આપલે થતી હોય છે તેના નમૂના અત્રે એકત્ર કર્યાં છે.
* વાચકો પોતપોતાની મનપસંદ રીતે પોતપોતાના પ્રિય પાત્રોમાં તેનો ઉપયોગ કરી શકે એ હેતુએ આપેલી થોડીક શાયરી પ્રસંગોચિત લેખાશે:
* એક શે’ર (કવિતા) છે, જેમાં ઈદની તકનો લાભ લઈને એક ચાહક પોતાની પ્રેમિકાને સંબોધીને એક દલીલ કરે છે:
ઈદ કા દિન હે,
ગલે આજ તો મિલ લો સાહબ;
રસ્મે દુનિયા ભી હે,
મોકા ભી હે, દસ્તુર ભી હે…!
* પરદેશથી એક ચાહક દેશના પોતાના પ્રિય પાત્રને લખે છે કે-
તુમ નહીં પેશે નઝર
તો દસગુણા ગમ હો ગયા,
હમ કો માહે ઈદ ભી,
માહે મોહર્રમ હો ગયા!
(‘માહ’ના બે અર્થ થાય છે ચંદ્ર પણ અને મહિનો પણ)
ઉપરોકત શે’રનો ભાવાનુવાદ એવો છે કે-
* તમે જ્યારે મારા નયન સમક્ષ નથી તો આ ખુશાલીનો મહિનો, ઈદનો અવસર જાણે મોહર્રમ મહિના જેવો લાગે છે, તમારી ગેરહાજરી આવા શુભ અવસરે એટલી બધી ગમગીની કરી નાખે છે.
* એવા જ પ્રકારનો બીજો એક શે’ર છે જેમાં એક ચાહક પોતાના પ્રિયપાત્રના વિરહમાં રોદણાં રડતાં લખે છે કે –
ઈદ કે દિન સબ મિલેંગે
અપને અપને યારસે,
હમ ગલે મિલમિલ કે
રોએંગે દરો-દીવાર સે…!
ઈદને દિવસે બધા જ પોતાના પ્રિય પાત્રો સાથે ગળે ભેટીને મળશે, પણ અમારું શું – તહેવારના દિવસે તમારાથી એટલે દૂર કોની સાથે ભેટીશું? ઘરના બારી-બારણાં સાથે જ અમારે તો માથાં અફળાવવાના!
ઈદ એવો તહેવાર છે કે જેને બધાં જ ઉજવતા હોય છે. એ શબ્દનો અર્થ થાય છે ખુશાલી. જોકે ઈસ્લામની મઝહબી દૃષ્ટિએ એમ કહેવાયું છે કે, જેઓએ પવિત્ર રમઝાન મહિનો ઈબાદત – તિલાવતમાં (પૂજાપાઠ – પ્રાર્થનામાં), અલ્લાહની બંદગીમાં વિતાવ્યો હોય તેમને જ ઈદ ઉજવવાનો અધિકાર હોય છે.
મહા કવિ મિર્ઝા ગાલિબ સા’બ વિશેનો એક કિસ્સો જાણીતો છે. એ માણતા પૂર્વે તેમની ગઝલનો એક ‘મકતા’ (ગઝલની છેલ્લી પંક્તિ – જેમાં શાયર, કવિનું નામ પણ હોય છે) સમજીએ:
યે મસાઈલે તસવ્વુફ,
યે તેરા બયાન ‘ગાલિબ’
તુઝે હમ વલી સમઝતે,
જો ન બાદા ખાર હોતા.
* ગાલિબ મહાવિદ્વાન, મહાફિલસૂફ હતા.
* નિખાલસ એવા કે પોતાની ખામીઓનો સ્વીકાર કરવામાં જરાય ખચકાટ અનુભવતા નહીં.
* તેઓએ કહ્યું છે કે જો તેઓ છાંટોપાણી લેતાં નહીં હોત, તો તેઓ પણ એક મહાન વલી શખસ, મોટા અવલિયાઓમાંના એક હોત!
* તેમનું જીવન દર્શન અનોખું હતું અને
* તેમના જીવન સંજોગો અનોખા હતા.
– એક વખતે બહાદુશાહ ‘ઝફર’ અંતિમ મોગલ બાદશાહ, જેમના દરબારમાં તેઓ એક કવિ તરીકે જાણીતા હતા, તેમને (ગાલિબ સા’બને) ઈદને દિવસે જ બાદશાહે સવાલ કર્યો કે – ‘જનાબ! રમઝાનમેં રોઝે કિતને રખ્ખે…!’
મહાજ્ઞાનિ ગાલિબ સા’બ માત્ર એક કવિ જ નહોતા, નિખાલસ – નેકદિલ હસ્તિ પણ હતા.
* તેઓ અલ્લાહ સિવાય કોઈથી ડરતા – કરગરતા નહીં હતા.
* જુઠ્ઠું બોલવામાં પણ માનતા નહીં હતા.
* તેમનો સુંદર અને વાસ્તવિક જવાબ કેવો હતો, જુઓ:
* ગાલિબ સા’બે જવાબ આપ્યો:
* હુઝૂર! એક નહીં રખ્ખા!
* બાદશાહ ઝફર સમજ્યા કે ગાલિબ સાહેબે આખા રમઝાન મહિનાના રોઝામાંથી એક રોઝો રાખવાનું ચૂકી ગયા.
* પર કદાચ હકીકત જુદી જ હતી. એમનો દ્વિઅર્થી જવાબ શાયરીનો એક અદ્ભુત નમૂનો હતો.
છેલ્લે હિન્દુ-મુસ્લિમ સૌ વાચકોમાં લોકપ્રિય એવી આ કોલમના પ્રિય વાચક મિત્રોને ઈદ મુબારક કહેતા કહીશું કે-
‘જબ ગલે હમતુમ મિલ સબ ગીલે જાતે રહે!’
(અહીં ‘ગીલે’ શબ્દનો અર્થ થાય છે – ફરિયાદ).
* ઈદના દિવસે આપણે પરસ્પર ગળે મળીએ એટલે બધી જ ફરિયાદો ખતમ. – સલિમ – સુલેમાન
***
આજનો સંદેશ
અલ્લાહની મરજી પર ખુશ થનારા આત્મસંતોષ મેળવે છે. – હઝરત અલી (અ.સ.)