રશિયા-યુક્રેનના યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. યુરોપ અને અમેરિકાની હાલત કફોડી થઇ રહી છે. અમેરિકા, યુરોપ, જાપાન અને ચીનની અર્થવ્યવસ્થા નીચે આવી રહી છે. આ સ્થિતિ આગામી મહિનાઓમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને મંદી તરફ લઈ જઈ શકે છે. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે વિશ્વ અને ભારત પર મંદીની અસર વિશે તાજેતરમાં વાત કરી છે. વિશ્વની મંદીમાં જવાની વધતી જતી આશંકાઓ અંગે રાજીવ કુમારે કહ્યું છે કે ભારત પર વૈશ્વિક મંદીની અસર નહી જોવા મળે. અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓથી ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થઈ શકે છે, પરંતુ 2023-24માં ભારતીય અર્થતંત્ર છથી સાત ટકાના દરે વૃદ્ધિ પામશે, એમ તેમણે જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “સારી વાત એ છે કે ભારતમાં મંદીનો આવો કોઈ ભય નથી, કારણ કે ભલે વૈશ્વિક પરિસ્થિતિઓથી આપણા વિકાસ પર નકારાત્મક અસર પડી શકે, તેમ છતાં આપણે 2023-24માં 6-7 ટકાનો વૃદ્ધિ દર નોંધાવી શકીએ છીએ.
રૂપિયો નબળો પડવાથી સામાન્ય માણસ પર કેવી અસર થશે? એમ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ભારતીય મોટી સંખ્યામાં આયાતી વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરતા નથી.
નોંધનીય છે કે શુક્રવારે રૂપિયો છ પૈસાના નુકસાન સાથે 81.74 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ભારતની વધતી જતી વેપાર ખાધ અંગે તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં નિકાસ વૃદ્ધિ નકારાત્મક રહી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે દેશે આ ક્ષેત્રમાં નીતિગત ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને માલ અને સેવાઓ બંનેની નિકાસ વધારી શકાય.
નોંધનીય છે કે 6 ઓક્ટોબરે બગડતી આંતરરાષ્ટ્રીય સ્થિતિને ટાંકીને વિશ્વ બેંકે 2022-23 માટે ભારતીય અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.5 ટકા કરી દીધું છે. જૂન 2022માં તેમણે ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.