સીએમ બિરેન સિંહે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે રાજ્યમાં ચાલી રહેલી હિંસાના પગલે બોલાવેલી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોંગ્રેસ, NPF, NPP, CPI (M), આમ આદમી પાર્ટી અને શિવસેના સહિતના રાજકીય પક્ષોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જા અંગેના કોર્ટના આદેશને લઈને આદિવાસીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ દરમિયાન 3 મેના રોજ અથડામણો ફાટી નીકળ્યા પછી સ્થિતિ સતત તંગ બની રહી છે. 3 મેના રોજ વિરોધ પ્રદર્શન કરનારા ટોળાં દ્વારા વાહનો, મકાનો, શાળાઓ, ચર્ચો અને વ્યાપારી મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જેને કારણે રાજ્યભરમાં નવેસરથી તણાવ સર્જાયો હતો.
મણિપુર ડીજીપીએ માહિતી આપતા કહ્યું હતું કે સુરક્ષા દળોના હસ્તક્ષેપ બાદ રાજ્યમાં સ્થિતિ સુધરી છે. મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં 54 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા ‘ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ’ છે. સરકાર તમામ સંભવિત અને જરૂરી પગલાં લઈ રહી છે. રજા પર ગયેલા CRPF CoBRA કમાન્ડોની મણિપુરમાં તેના ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
કોન્સ્ટેબલ ચોંખોલેન હાઓકીપની હત્યાના પગલે, CRPF એ શુક્રવારે મણિપુરના રહેવાસી અને તેમના ગૃહ રાજ્યમાં રજા પર ગયેલા તેના કર્મચારીઓને પરિવારના સભ્યો સાથે તેમના નજીકના સુરક્ષા બેઝ પર “તત્કાલ” જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુલ 13,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મણિપુરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રએ હિંસાગ્રસ્ત રાજ્યમાં શાંતિ જાળવવા માટે વધારાના સુરક્ષા દળો અને તોફાનો વિરોધી વાહનો મોકલ્યા છે. હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.