(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ “ચાઇનીઝ-નિયંત્રિત નાણા ધીરતી મોબાઇલ એપ્લિકેશન સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે ગુજરાતમાં સ્થિત કેટલીક કંપનીઓ પર દરોડા પાડ્યા પછી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને રૂ.૨૫ લાખ રોકડા, હીરા અને રૂ.૧૦ કરોડનું સોનું જપ્ત કર્યું હતું.
એજન્સીએ જણાવ્યું હતું કે સાગર ડાયમંડ લિમિટેડ, આરએચસી ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડ, તેમના ડિરેક્ટર વૈભવ દિપક શાહ અને સુરત એસઇઝેડ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન), અમદાવાદ અને મુંબઈમાં આવેલા તેમના સહયોગીઓની ૧૪ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તપાસ પાવર બેંક એપ (મોબાઇલ એપ્લિકેશન) સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરાયેલા ફોજદારી કેસ સાથે સંબંધિત છે જેણે “હજારો લોકો” સાથે છેતરપિંડી કરી હોવાનો
આરોપ છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ મની લેન્ડિંગ એપ ચીની નાગરિકો ભારતમાં તેમના સહયોગીઓ જેમાં વૈભવ દિપક શાહ અને સાગર ડાયમંડ લિમિટેડ સાથે મળીને મેનેજ કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે એપ દ્વારા આચરવામાં આવેલી કથિત છેતરપિંડીના ગુનાની રકમ સાગર ડાયમંડ્સ, બીએસઈ-લિસ્ટેડ કંપની અને અન્યોના કબજામાં હતી.
સુરત એસઇઝેડ ખાતેની સંસ્થાઓના સંખ્યાબંધ ઉત્પાદન એકમો હીરા, રત્ન પત્થરો અને અન્ય કિંમતી ધાતુઓની આયાત-નિકાસનું વધુ પડતું મૂલ્યાંકન અને બોગસ આયાતની આડમાં વિદેશમાં ભંડોળની ઉચાપતમાં સામેલ હોવાનું જણાયું હતું.
ઇડીએ એવું પણ જણાવ્યું હતું કે રૂ.૨૫ લાખની રોકડ, સોનું, હીરા અને રૂ.૧૦ કરોડની અન્ય કીંમતી ચીજવસ્તુઓ, ડિજિટલ ઉપકરણો, બોગસ આયાત-નિકાસ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય કેટલાક આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.