નવી દિલ્હી/પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ શુક્રવારે નોકરી માટે જમીન કૌભાંડના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મુંબઈ સહિત ૨૪ સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવની ત્રણ પુત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતાઓના નિવાસસ્થાન કે ઑફિસ સહિત બિહારના અનેક શહેરો અને અન્ય સ્થળોએ દરોડા પાડયા હતા.
દક્ષિણ દિલ્હીમાં લાલુના પુત્ર અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવના ઘરને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યું હતું. જો કે તેજસ્વી યાદવ ત્યાં હાજર હતા કે કેમ તે સ્પષ્ટ થયું નહોતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલુપ્રસાદની પુત્રીઓ રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવના
નિવાસસ્થાન કે ઑફિસ ઉપરાંત પટના, ફુલવારી શરીફ, દિલ્હી-એનસીઆર, રાંચી અને મુંબઈમાં આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અબુ દોજાના સાથે જોડાયેલા લોકાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સુરક્ષા દળોના એસ્કોર્ટ સાથે લગભગ બે ડઝન સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ મામલો યાદવ પરિવાર અને તેના સહયોગીઓને સસ્તા દરે ગિફ્ટ અથવા વેચવામાં આવેલા જમીનના બદલામાં રેલવેમાં કથિત રીતે નોકરી અપાવવાના કૌભાંડનો છે.
સીબીઆઈએ આ કેસમાં લાલુપ્રસાદ, તેની પત્ની રાબડીદેવી અને અન્ય ૧૪ જણ સામે ગુનાઇત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે અને તમામ આરોપીઓને ૧૫ માર્ચે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
પીએમએલ એક્ટની ફોજદારી કલમો હેઠળ દાખલ કરાયેલ ઇડીનો આ કેસ, સીબીઆઈ ફરિયાદ પરથી દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઇના તહોમતનામામાં એવો આરોપ કરાયો છે કે લાલુપ્રસાદના ૨૦૦૪થી ૨૦૦૯ સુધીના રેલવે પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ભારતીય રેલવેના નિયમો અને ભરતી માટેની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને મધ્ય રેલવેમાં બાર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.
નિમણૂક માટે કોઈ જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી ન હતી, પરંતુ પટનાના કેટલાક રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાઝીપુર ખાતે વિવિધ ઝોનલ રેલવેમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ ઉમેદવારોએ સીધા અથવા તેમના નજીકના પરિવારના સભ્યો દ્વારા, કથિત રીતે લાલુપ્રસાદનાં પરિવારના સભ્યોને નોકરીના બદલામાં પ્રવર્તમાન બજાર ભાવના એક ચતુર્થાંશથી એક પંચમાંશ કે સાવ નજીવા ભાવે પોતાની જમીન વેચી હતી.
એકંદરે, લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોએ પટનામાં આવેલી ૧,૦૫,૨૯૨ ચોરસ ફૂટ જમીન સાત ડીડ (પાંચ વેચાણ ડીડ અને બે ગિફ્ટ ડીડ) દ્વારા બાર ખાનગી વ્યક્તિ પાસેથી મામૂલી કિંમતે હસ્તગત કરી હતી અને એમને રેલવેમાં ગ્રૂપ ડીની નોકરીઓ આપવામાં આવી હતી.
લાલુએ કથિત રીતે તેમને લાંચ તરીકે મેળવેલ જમીનના સાત ટુકડા માટે ₹. ૩ લાખથી ₹.૧૩ લાખ સુધીની રકમ ચૂકવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ સમગ્ર જમીનની વર્તમાન કિંમત ₹. ૪.૩૯ કરોડ જેટલી છે.
એજન્સીએ ઑક્ટોબર ૨૦૨૨માં લાલુ યાદવ, રાબડીદેવી અને મીસા ભારતી સહિત ૧૬ જણ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
તાજેતરમાં આ કેસમાં લાલુપ્રસાદ અને રાબડીદેવી બંનેની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
તેજસ્વી યાદવે તાજેતરમાં સીબીઆઈ દ્વારા પોતાના માતા-પિતાની ઇડી દ્વારા કરાયેલી પૂછપરછ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પાસે તરફેણના બદલામાં નોકરી આપવાની કોઈ સત્તા નહોતી.
આરજેડીના નેતા મનોજ ઝાએ એવો આક્ષેપ કર્યો હતો કે સીબીઆઈ અને ઈડી વિપક્ષી નેતાઓને કોઇના ઇશારે આ દરોડા પાડી રહી છે. તેમની પાર્ટીના નેતાઓ સામે ઈડીના દરોડા ગયા વર્ષે ઑગસ્ટમાં બિહારમાં સરકારમાં પરિવર્તનની પ્રતિક્રિયાનું પરિણામ છે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લાલુ યાદવ અને પરિવારના સમર્થનમાં નિવેદનો આપ્યા હતા. (એજન્સી)