ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસ પર જોર લગાવી રહી છે સરકાર
સ્પેશિયલ -જયેશ ચિતલિયા
કેન્દ્ર સરકારે એક સત્ય બહુ જલદી સમજી લીધું છે, એ છે ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસ વિના અર્થતંત્રનો વિકાસ સંભવ નથી. જો કે તેના અમલમાં કયાંક વિલંબ થયો છે, જેમાં વળી કોવિડ દુકાળમાં અધિક માસ નહીં, બલકે અધિક ૩૬ માસની ભૂમિકા ભજવી છે. હવે સરકારે ફરી દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગ સેકટર પર જોર આપવાનું શરૂ કર્યું છે, અર્થાત્ સરકાર ખાનગી ક્ષેત્ર બંને મોટેપાયે મૂડી રોકાણ કે મૂડીખર્ચ કરવા સજજ થયા છે, જેમાં વિદેશી કંપનીઓ પણ આવશે એવી આશા ચોકકસ રાખી શકાય. જેની અસર ઓવરઓલ ઈકોનોમી પર અવશ્ય પડશે. વર્લ્ડ બૅંક પણ આ વાત પર ભાર મૂકે છે અને કહે છે કે ભારતે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર જબ્બર ખર્ચ કરવાની જરૂર છે.
તાજેતરમાં વર્લ્ડ બૅંકે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતે તેની શહેરી પાયાની-મહત્ત્વની સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે અને એ માટે તેણે આગામી ૧૫ વર્ષમાં ૮૪૦ અબજ ડોલર (મતલબ, દર વર્ષે લગભગ ૫૫ અબજ ડોલર)નું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ભારતના શહેરોમાં વસ્તી તેજ ગતિએ વધી રહી છે, તેથી તેની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે ભારતે મોટા ઈન્વેસ્ટમેન્ટ કરવા પડશે.
શું કરવું જોઈશે?
ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો માટે અને વ્યાપારી ધિરાણ માટેની મર્યાદાઓ અને નીતિવિષયક કાર્યવાહીની સંભાવનાઓ એવા શીર્ષક હેઠળ વિશ્ર્વ બૅંકના અહેવાલમાં અનેક નીતિવિષયક કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે, જેમ કે, શહેરી સ્થાનિક શાસકીય સંસ્થાઓ માટે રાજ્ય અને કેન્દ્રીય, બંને સ્તરે મૂડીખર્ચ વધારવાની જરૂર રહેશે. સ્થિર, ફોર્મ્યુલા-આધારિત અને બિનશરતી ધિરાણ હસ્તાંતરણ વ્યવસ્થા લાગુ કરવી જોઈશે તેમ જ સિટીઝ ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ યુનિટ જેવી કોઈક સમર્પિત સંસ્થાનું નિર્માણ કરવું જોઈશે, આવું યુનિટ નિયમનકારી સુધારા, સોદાના પ્રબંધ તેમ જ ખાનગી ધિરાણ (ઋણ અને ખાનગી-જાહેર ભાગીદારીના સોદાઓ સહિત)ના અમલીકરણ જેવી બાબતોને ધ્યાનમાં લઈને સંબંધિત રાજ્યો અને શહેરોને સહાયરૂપ થવા માટે આધારભૂત ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
લેટેસ્ટ અહેવાલ મુજબ સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને તેમ જ મેન્યુફેકચરિંગ સેકટરને બુસ્ટ આપવા મોટેપાયે મૂડીખર્ચની યોજનાને અમલમાં મૂકવા જઈ રહી છે, આ સાથે વિદેશી રોકાણ ભંડોળ પણ આ સેકટરમાં આવવાની શકયતા છે, આ બે મુખ્ય પરિબળ ઈકોનોમીને વેગ આપવામાં જબ્બર ભૂમિકા ભજવશે. ઓવરઓલ ચીનના વિપરીત સંજોગોનો લાભ ઉઠાવવા સ્થાનિક કંપનીઓ પણ મૂડીરોકાણ માટે સજજ અને સક્રિય થઈ રહી હોવાથી તેનો મહત્તમ લાભ કેપિટલ ગુડઝ ઉદ્યોગને મળશે.
ધિરાણના માર્ગો સુધારવાનું સૂચન
વિશ્ર્વ બૅંકના અહેવાલમાં ભારતની શહેરી સ્થાનિક પ્રશાસકીય સંસ્થાઓ માટે ધિરાણના માર્ગો સુધારવા, યોજના અમલીકરણમાં ખાનગી ક્ષેત્રને વધારે સારી રીતે સહભાગી બનાવવા અને વધારે ખાનગી અને વ્યાપારી મૂડીરોકાણો પ્રાપ્ત કરીને આવકના સાધનો સુધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે હાલને તબક્કે ભારતના શહેરોની માત્ર પાંચ ટકા આધારભૂત સુવિધાઓની જરૂરિયાતો માટે જ ખાનગી સાધનો મારફત ધિરાણ મેળવવામાં આવે છે. ૨૦૧૮માં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારના વાર્ષિક મૂડીરોકાણનો આંકડો માત્ર ૧૬ અબજ ડૉલર હતો. આ દર્શાવે છે કે ખાનગી ધિરાણ ઘણું વધારવાની જરૂર છે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૭૫ ટકાથી વધારે ધિરાણ પૂરું પાડે છે જ્યારે શહેરી સ્થાનિક સંસ્થાઓ એમની પોતાની અતિરિક્ત આવકમાંથી ૧૫ ટકા ધિરાણ પૂરું પાડે છે.
ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવી જોઈએ
ભારતના શહેરોમાં ગ્રીનરી વધારવા, તેમજ સ્માર્ટ, વ્યાપક સ્તરીય અને લાંબા સમય સુધી ટકે એવા શહેરીકરણ માટે મોટી રકમના ધિરાણની જરૂર છે. શહેરીજનોનું જીવનધોરણ સુધારી શકાય એટલા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે ખાનગી સાધનો પાસેથી વધારે ઋણ મેળવવું શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે મહત્ત્વનું બની રહેશે, એમ વર્લ્ડ ઈન્ડિયાના ક્ધટ્રી ડાયરેક્ટરનું કહેવું છે.
૨૦૩૬ની સાલ સુધીમાં ભારતમાં ૬૦ કરોડ જેટલા લોકો શહેરોમાં વસતા થઈ જશે,જે દેશની કુલ વસ્તીનો એ ૪૦ ટકા હિસ્સો હશે. એને કારણે શહેરોમાં અત્યારે જ તાણ અનુભવતી શહેરી માળખાંકીય સુવિધાઓ તથા સેવાઓ પર અધિક દબાણ ઊભું થવાની સંભાવના પાક્કી રહેશે એટલું જ નહીં, તે વધુ તાણ અને સમસ્યા પણ ઊભી કરી શકે. ભારતભરમાં શહેરી માળખાકીય સુવિધાઓ અને સેવાઓના ક્ષેત્રમાં મૂડીરોકાણ આવશ્યક્તા કરતાં આજે પણ ઓછું રહ્યું છે. તેમજ ઋણ અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મારફત ખાનગી ભંડોળની પ્રાપ્તિ અપેક્ષિત સ્તર કે કદની ક્યાંય નજીકમાં પણ નથી.
નીતિ સુધારાની જરૂરિયાત પર ભાર
વર્લ્ડ બૅંકના અહેવાલમાં શ્રેણીબદ્ધ માળખાકીય સુધારાઓનું સૂચન કરવામાં આવ્યું છે. જેમ કે, મધ્યમ સમયગાળા માટે કરવેરાની નીતિ તથા નાણાકીય હસ્તાંતરણ પ્રણાલીમાં સુધારાનો સમાવેશ થાય છે, જે દ્વારા શહેરોને ખાનગી ક્ષેત્ર પાસેથી વધારે ધિરાણનો લાભ મેળવવાની છૂટ આપી શકાય. જ્યારે ટૂંકા સમયગાળા માટે, અહેવાલે ઉચ્ચ સંભાવના ધરાવતા કેટલાક શહેરોને અલગ તારવ્યા છે, જેમનામાં ખાનગી ધિરાણનું કદ વધારવાની ક્ષમતા રહેલી છે.
બચતનો પ્રવાહ રોકાણ સાધનો તરફ
સારા અને સકારાત્મક અહેવાલ અનુસાર છેલ્લા એક દાયકામાં જે નોંધપાત્ર બન્યું છે તેમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો ફિઝિકલ એસેટસથી ફાઈનાન્સિયલ એસેટસ તરફ વળવાનો શરૂ થયો છે. વરસ ૨૦૨૦-૨૧ આમાં સીમાચિહ્ન રહ્યું આ વરસમાં રૂ. ૪૪ લાખ કરોડના હાઉસહોલ્ડ સેવિંગ્સમાંથી બાવન ટકા સેવિંગ ફાઈનાન્સિયલ સેવિંગ્સમાં ગયું છે. લૉકડાઉને પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ મામલે પણ ઈક્વિટીની બોલબાલા વધી રહી છે અને હજી વધશે એ નિશ્ર્ચિંત મનાય છે. ઈકિવટીમાં સીધું રોકાણ તો વધવા લાગ્યું છે, પણ સાથે-સાથે ઈપીએફ, એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ), મ્યુચ્યુઅલ ફંડસ, ઈન્સ્યોરન્સ યોજનાઓ મારફત પણ ઈકિવટીમાં રોકાણ પ્રવાહ વધવા લાગ્યો છે. આવી રહેલા આઈપીઓ પણ મૂડીસર્જનનો માર્ગ સક્રિય બન્યો હોવાનું દર્શાવે છે. આ ખર્ચ અને રોકાણનું વધતું પ્રમાણ રોજગાર વધારવામાં પણ સહાયરૂપ થશે, જે આવક વધારશે, ડિમાંડ વધારશે અને સપ્લાય વધારીને અર્થતંત્રને વેગ આપશે એવું ચોકકસ માની શકાય.