એક જ ઝાટકે 70 લાખથી વધુ લોકો થઈ શકે બેકાર
વોશિંગ્ટનઃ દુનિયાની આર્થિક મહાસત્તા અમેરિકાના દરેક જગ્યાથી નકારાત્મક સમાચારો મળી રહ્યા છે, તેનાથી મહાસત્તા ડિફોલ્ટ થવાની નજીકમાં હોવાનું જણાવાયું હતું. તાજેતરમાં અમેરિકાની બે બેંક ડૂબી ગઈ છે, જ્યારે તેની સાથે અન્ય બેંકો પર સંકટ તોળાઈ રહ્યું છે. બેંકોની નાણાકીય હાલત વધારે કફોડી બની છે, જ્યારે તેની સાથે અમેરિકન ડોલર પમ નબળો પડ્યો છે.
અમેરિકન ડોલરના બદલે અન્ય કરન્સી ટ્રેન્ડમાં આવી રહી છે ત્યારે તેની સાથે ડેબ્ટ ટૂ જીડીપી રેશિયો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, તેથી ડીફોલ્ટ થવાનું સંકટ વધી ગયું છે. જુલાઈ મહિના સુધી પણ ડેટ સીલિંગ વધારવામાં આવશે નહીં તો આર્થિક/નાણાકીય સંકટ વધશે. એટલું જ નહીં, અમેરિકા નાદાર થાય તો 70 લાખથી વધુ લોકો બેકાર થશે. એક જ ઝાટકામાં 70 લાખ લોકો નોકરી ગુમાવશે અને જીડીપીમાં પાંચ ટકાનો ઘટાડો થશે. જો એમ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર થશે અને તેનાથી ભારત પણ બાકાત રહી શકશે નહીં.
જાન્યુઆરીમાં અમેરિકાના નાણા પ્રધાન જેનેય યેલેને ચેતવણી આપી હતી કે યુએસ જૂન મહિના સુધીમાં દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ શકે છે. હાલમાં અમેરિકા ડેટ લિમિટ ક્રોસ કરી ચૂક્યું છે, તેથી અગાઉ પણ તેમણે ડેટ લિમિટ વધારવાની અપીલ કરી હતી. યુએસ દેવાની ચૂકવણીમાં જો ડિફોલ્ટ કરે છે, તો તે યુએસ અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડશે, તેનાથી લોકોનું જીવન જીવવાનું વધુ મુશ્કેલ બનશે અને વૈશ્વિક નાણાકીય સ્થિરતા પર ભારે અસર કરશે. ડેટ લિમિટ (ઋણ મર્યાદા) એ મર્યાદા છે, જે એક મર્યાદા સુધી સરકાર ઋણ લઈ શકે છે. 1960માં આ લિમિટને 78 વખત વધારી ચૂક્યું છે. ડિસેમ્બર 2021માં એની લિમિટ વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરી હતી, પરંતુ એ હાલમાં તેની મર્યાદા પાર કરી ગઈ છે.
જો અમેરિકા ડિફોલ્ટ થશે તો તેની સૌથી પહેલા અસર અર્થતંત્ર પર પડશે, ત્યારબાદ ડોલરનું પ્રભુત્વ ઘટશે. અમેરિકન ડોલર લગભગ આઠ દાયકાથી દુનિયાના અર્થતંત્રોમાં રાજ કર્યું હતું, જે દુનિયાના સૌથી સુરક્ષિત ચલણ અને એસેટમાં એક છે. આમ છતાં હાલમાં ડિફોલ્ટ થવાના વધતા જોખમ વચ્ચે ડોલરના અસ્તિત્વ મુદ્દે અનેક સવાલ ઊભા થયા છે. ચીને પણ સઉદી અરેબિયા, ફ્રાન્સ, રશિયા અને બ્રાઝિલની સાથે પોતાના ચલણમાં સોદા કર્યા છે. આ ઉપરાંત, બ્રિક્સ રાષ્ટ્ર (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)એ એક નવી કરન્સી વિકસાવવાની જાહેરાત કરી છે.