Homeઉત્સવહિંદુસ્તાનની આર્થિક ગતિ અને શક્તિ સંભાવના અને સક્ષમતા

હિંદુસ્તાનની આર્થિક ગતિ અને શક્તિ સંભાવના અને સક્ષમતા

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ગયા વખતે આપણે બજેટની આશાઓની વાત કરી, કિંતુ આ વખતે તાજેતરનાં એક વૈશ્ર્વિક રિસર્ચ એજન્સીના અહેવાલની વાત કરીએ. જેમાં ભારત માટે લાંબા ગાળાનું વિઝન જોવા મળશે. આ દસકો ભારત માટે બહુ જ મહત્ત્વનો છે, આશાસ્પદ છે, કઈ રીતે? કોણ કહે છે, માને છે? એની ઝલક જોઈએ
ગ્લોબલ સંસ્થા અર્નેસ્ટ એન્ડ યંગ (ઈ એન્ડ વાય) ના અહેવાલમાં સૌપ્રથમ તાતા સન્સના એક્ઝિકયુટિવ ચેરમેન એન. ચંદ્રશેકરનને કરેલા નિવેદનને સમજીએ, તેઓ કહે છે, ભારતે છેલ્લા દસ વરસમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. હિંદુસ્તાન વિશાળ અર્થતંત્રની યાદીમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયું છે. આજે ભારતની ઈકોનોમી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બની ગઈ છે. હવે તે ત્રીજી લાર્જેસ્ટ ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. જગતના નાના -મોટા તમામ દેશોમાં એક યા બીજી આર્થિક-સામાજિક સમસ્યા પ્રવર્તી રહી છે, જ્યારે ભારત એક માત્ર દેશ છે, જે સતત પ્રગતિની રાહ પર ચાલી રહ્યો છે. અમારું (લેખકનું) કહેવું છે કે આમાં અનેક લોકોને વાંધાવચકા હોઈ શકે, ઘણાને અનેક ખોટા દાવા લાગી શકે. ટીકા કરનારા પણ ઘણા હોઈ શકે, કિંતુ હકીકતનો ઈનકાર થઈ શકે એમ નથી, કારણ કે આ વાત સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓ તેમ જ ગ્લોબલ નિષ્ણાંતો પણ કહી રહ્યા છે. આઈએમએફ અને વિશ્ર્વ બેંક જેવી મહાકાય સંસ્થાઓ પણ કહી રહી છે.
મહિલા વર્ગની અહમ ભૂમિકા
અર્નેસ્ટ એન્ડ યંગ નામની ગ્લોબલ રિસર્ચ સંસ્થા તેના અભ્યાસપૂર્ણ અહેવાલમાં ભારત આઝાદીના ૧૦૦મા વરસે કર્યો પહોંચ્યું હશે તેનો અંદાજ મૂકતા જણાવે છે કે ૧૦૦મા વરસે ભારત ૨૬ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બની જવાની સંભાવનાના પથ પર હાલ ચાલી રહ્યું છે.
ભારતની ડેમોગ્રાફિક સ્થિતિ, વપરાશ, યંગ જનરેશન અને વિવિધ આર્થિક સુધારા ભારતને આ માર્ગે આગળ લઈ જશે એવી ભરપુર આશા છે. ૧૦૦મા વરસે ભારતનો પર કેપિટા (વ્યક્તિદીઠ) જીડીપી ૧૫૦૦૦ ડૉલર થઈ જવાનો અંદાજ છે. તાતા સન્સના ચંદ્રશેકરનના મતે તો ૨૦૩૦ સુધીમાં ભારત જપાન અને જર્મનીથી આગળ નીકળી યુએસએ અને ચીન બાદનું ત્રીજું વિશાળ અર્થતંત્ર બની ગયું હશે. આ બધી સફળતા કે વિકાસમાં ટૅક્નોલૉજીનો નોંધનીય-સિંહ ફાળો હશે. ઉત્પાદન, સ્થાનિક વપરાશની ક્ષમતા, રોકાણની સંભાવના, હેલ્થકેર અને એજયુકેશન માટેની નવી-નવી પહેલ અને પગલાં ભારતની ગતિને મહાગતિ આપશે. હાલમાં ગતશક્તિ નામે ચાલી રહેલો પ્રોજેક્ટ આના પુરાવા સમાન છે. મહિલા વર્ગની પણ આ વિકાસમાં મહત્ત્વની ભૂમિકા હશે, અર્થાત્, મહિલાઓની કામગીરી આ વિકાસમાં અહમ રહેશે. આ આખી પ્રોસેસ દરમ્યાન ભારતની બેરોજગારી સમસ્યા પણ ઉકેલાતી જશે એવી આશા રાખવામાં આવી છે.
ગ્લોબલ સ્થાન-માન પામવાની તક
ભારતના વિકાસની ગાડી માત્ર સ્થાનિક મર્યાદામાં જ નહીં રહે, તે ભારતની સીમાની બહાર નીકળી ગ્લોબલ હબ બનવા તરફ પણ આગળ વધતી જશે. ખાસ કરીને ચોક્કસ સેક્ટર્સમાં, જેમાં ટૅકનોલૉજી અગ્રક્રમે હશે. કારણ કે ભારત ટૅક્નોલૉજીને સામાન્ય માનવી સુધી લઈ જઈ રહ્યું છે.
ડિજિટલ રૂપી આ સોનામાં સુગંધ બનીને ભળશે એવું માનવામાં અતિશયોક્તિ નથી. જોકે આ સમગ્ર પડકાર સહેલાઈથી પાર પડી જશે એવું માનવામાં ભૂલ થઈ શકે અને આવો વધુ પડતો આત્મવિશ્ર્વાસ અભિમાન બનીને કામ કરવા માંડે તો પણ જોખમ બની શકે.
ભારતના તમામ વર્ગે તેમાં ફાળો આપવાનો રહેશે. ભારત માટે આ દાયકો સૌથી મહત્ત્વનો એ દૃષ્ટિએ છે કે તેનાથી ભારતની લાંબા ગાળાની યાત્રાનો પથ વધુ મજબૂત-નક્કર બનશે. ભારતમાં તેમ જ વિશ્ર્વમાં આર્થિક અસમાનતાની વાતો સતત ચાલી રહી છે. કિંતુ ભારત વિકાસનો મહત્તમ ભાર સર્વસમાવેશ (ઈન્કલુઝિવનેસ) પર મૂકે એ જરૂરી છે. સાર્થક વિકાસ માટે આ પરિબળ આવશ્યક છે.
ભારત ઓફિસ ઓફ વર્લ્ડ બનવા સક્ષમ
ભારત વિશ્ર્વ માટે ઓફિસ (ઓફિસ ઓફ વર્લ્ડ) બનવાની તક ધરાવે છે. વિશ્ર્વના તમામ મોટા કોર્પોરેશન-કંપનીઓ ભારતમાં હાજરી ઈચ્છે છે, તે પણ મોટી માત્રામાં. અનેક ફોરેન કંપનીઓ પોતાનો ઉત્પાદનનો બેઝ ચીનથી ધીમે-ધીમે ભારત તરફ વાળવા ઉત્સુક છે.
ભારતમાં તેમને સસ્તું લેબર મળવા ઉપરાંત ટેલેન્ટ અને ટૅક્નોલૉજી પણ મળે છે. અલબત્ત, ભારતે આમાં ઉતાવળે પોતાને મહાન માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં, બલકે પોતાના માળખાંને, સુવિધાઓને, સર્વિસીસને, સરળતા અને પારદર્શકતાને મજબૂત પાયા પર મૂકવા જોઈશે. ખાસ કરીને પોતાની ઉત્પાદન ક્ષમતા જોરપૂર્વક વધારવી જોઈશે. વધુને વધુ કામ મળે ખરું, કિંતુ તેને પહોંચી વળવાની ક્ષમતા પણ જોઈશે.
વિદેશી જાયન્ટ કંપનીઓ ભારતની ટેલેન્ટને ત્યાં બોલાવીને તેનો ઉપયોગ કરે છે અને અહીં રાખીને પણ તેનો ઉપયોગ કરી જાણે છે. આ મામલે ભારત વિન-વિન સિચ્યુએશનમાં કહી શકાય. વર્તમાનમાં ભારતમાં ૧૫૦૦ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે, જે ફોરેન કંપનીઓને મેનપાવર-સર્વિસીસ પૂરી પાડે છે અને એમ કરવા માટે સક્ષમ છે.
ડિજિટાઈઝેશનની શક્તિ
ભારતમાં આજે ૧.૨ અબજ ટેલિકોમ સબ્સક્રાઈબર્સ છે, જે સૌથી વિશાળ સંખ્યા છે, જ્યારે ૮૩ કરોડ જેટલા ઈન્ટરનેટ યુઝર્સ છે. આ ક્ષમતા બહુ મોટો ડિજિટાઈઝેશન ફોર્સ ગણાય. ડિજિટાઈઝેશનનો ભારતમાં ઝડપથી થઈ રહેલો સ્વીકાર તેની અનોખી સ્પર્ધાત્મક શક્તિ સાબિત થઈ રહી છે. આ બાબત બિઝનેસ કરવાની પ્રોસેસને સરળ બનાવવા ઉપરાંત નવી વેપાર તકો ઊભી કરવા ઉપરાંત ફાઈનાન્સિયલ ઈન્કલુઝન ઊભું કરી રહી છે.
૧૪૦ કરોડ આસપાસ વસ્તી ધરાવતા આ વિશાળ અને વૈવિધ્યસભર રાષ્ટ્રમાં આકાર લઈ રહેલું પરિવર્તન ઈન્ડિયા બદલ રહા હૈ ને સાર્થક ઠેરવશે એવી ઉમ્મીદ રાખી શકાય. જે ભારતીયને ભારતમાં રહેલી આ વિકાસની સંભાવના અને હકીકતમાં વિશ્ર્વાસ હોય તેઓ ભારતની લોંગટર્મ ગ્રોથ સ્ટોરીમાં ભાગ લેવા સક્રિય બને, જેમાં તેમનું અને દેશનું પણ હિત છે.
આટલું યાદ રાખજો
હિંદુસ્તાનના આ વિકાસ સામે અવરોધ ઊભા કરવા આપણા જ દેશનો ચોક્કસ વર્ગ, સ્થાનિક અને ગ્લોબલ સ્થાપિત હિતો પણ સક્રિય રહી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યા કરશે. તમામ રાજકીય તત્ત્વો પણ પ્રજાને સત્યથી દૂર રાખવાના કાર્યમાં સતત વ્યસ્ત રહેશે. પ્રજા તરીકે દરેક વ્યકિતએ પોતાના વિવેકને સાથે રાખી વિચારવાનો અભિગમ રાખવો જોઈશે. કોઈની પણ વાતોમાં દોરવાઈ જવા કરતા વાતોની ગહનતાને સમજવાનો પ્રયાસ કરવો બહેતર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -