Homeઉત્સવફોરેન બિઝનેસમેન-ઈન્વેસ્ટર્સમાં ભારત પ્રત્યે વધતા આકર્ષણના કારણ અને અસર સમજવામાં શાણપણ

ફોરેન બિઝનેસમેન-ઈન્વેસ્ટર્સમાં ભારત પ્રત્યે વધતા આકર્ષણના કારણ અને અસર સમજવામાં શાણપણ

ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા

અગાઉ ઘણા દેશો ભારતમાં વેપાર કરવા આવતા હતા, ત્યારની વાત અને ઉદેશ અલગ હોઈ શકે, કારણ કે એ સમયમાં જ બ્રિટનના અંગ્રેજો પણ ભારતમાં આવતા અને પછી તેઓ આપણા દેશ પર રાજ કરવા લાગ્યા. આશરે પોણાબસો વરસ તેમણે હિંદુસ્તાન પર રાજ કર્યું. સમય બદલાયો છે, આપણા દેશની આઝાદીને ૭૫ વરસ થઈ ગયા, પરંતુ હવે નવા ઉદેશ સાથે વિવિધ દેશોના લોકો ભારતમાં વેપાર વધારવા અહીં આવતા જાય છે, એટલું જ નહીં, અહીં બિઝનેસ વિસ્તારવા પણ ઉત્સુક બન્યા છે. અનેક ગ્લોબલ કંપનીઓ ભારતમાં પોતાના બિઝનેસને વધારવા સક્રિય બની રહી છે, ભારત પ્રત્યેનું આકર્ષણ વધવા લાગ્યું છે. આ સત્યને ધ્યાનમાં રાખી ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, તેમાં હજી કેવા પરિવર્તન આવી શકે છે, વિદેશીઓના અહીં બિઝનેસ પ્રસારને કારણે કોના પર કેવી અસર થઈ શકે છે એ વિષયને સમજવો જરૂરી છે.
કેવા ચાલે છે ધંધાપાણી? આવા સંવાદ આપણે વેપારીઓ વચ્ચે સાંભળતા હોઈએ છીએ. તેમાં વળી કોઈ તેજીમાં હોય તો કોઈ મંદીમાં. કોઈ રાજી, કોઈ ફરિયાદી. આ જ સવાલને આપણે એક કલ્પનાના આધારે ગ્લોબલ લેવલે મુકીને જોઈએ તો વિવિધ દેશોની જાયન્ટ કંપનીઓ એકબીજાને પૂછે કે કેવો ચાલે છે બિઝનેસ? કયાં વધુ ચાલે છે? તો આમાંથી મોટાભાગની વિદેશી-ગ્લોબલ કંપનીઓ એક અવાજે કહેશે સારો ચાલે છે, પણ મોટેભાગે ભારતમાં. ભારતમાં વિદેશી કંપનીઓના બિઝનેસ તેજીમાં છે. એપલથી લઈ માઈક્રોસોફટ, યુનિલીવરથી લઈ કોકા કોલા, બધાંને ભારતીય માર્કેટમાંથી ડિમાંડ મળે છે, વેચાણ મળે છે, આવક મળે છે, તેથી આવા બધાં ગ્લોબલ ખેલાડીઓ ભારતમાં પોતાના પગ વધુ પ્રસારી રહ્યા છે. અહેવાલો અને આંકડાઓમાં આ હકીકત બોલે છે.
બ્રાન્ડસના બિઝનેસ
એક તરફ શેરબજારમાં હાલ વિવિધ કારણોસર તેજીનો અંડરકરન્ટ જોવા મળે છે. જેમાં ભારતીય કંપનીઓનાં કવાર્ટરલી પરિણામોની સકારાત્મક અસર તો છે જ, કિંતુ ગ્લોબલ કંપનીઓના ભારતમાં થતા બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ રહી હોવાનું નોંધવું પડે. જેને પગલે એપલ, યુનિલીવર, કોકો કોલા, માસ્ટરકાર્ડ, સ્કેચર્સ, ક્રોકસ અને વ્હર્લપુલ, વગેરે જેવાં બ્રાન્ડેડ નામોના બિઝનેસ પણ ધુમ ચાલી રહ્યા છે, તેમને હાલમાં ભારતીય માર્કેટ મહત્તમ પ્રોમિસિંગ અને ગ્રોથલક્ષી જણાય છે. આવી બધી કંપનીઓના વડા જાહેરમાં કહે છે કે તેઓ ભારતમાં રોકાણ કરવાનું કે બિઝનેસ વિસ્તારવાનું ચાલુ રાખશે. એપલે ભારતમાં માર્ચ કવાર્ટરમાં તેની રેવન્યૂમાં રેકોર્ડ હાંસલ કર્યો છે. આ ક્ધઝયુમર કંપનીઓને ભારતની માર્કેટ વિશાળ અને મજબૂત લાગે છે. અહીં વપરાશનો દર ઝડપી છે. ભારતનો વિશાળ મિડલ કલાસ આ કંપનીઓ માટે સૌથી મોટું આકર્ષણ છે. ભારતનો જીડીપી દર ભલે ધીમી ગતિએ વધી રહ્યો હોય, આ ગ્લોબલ કંપનીઓને તેમાં સ્લો ડાઉનના દર્શન થતા નથી. ખાસ કરીને ચીન કરતાં પણ આગળ નીકળી ગયેલી ભારતની વસ્તી ગ્લોબલ-વિદેશી કંપનીઓ માટે વિશેષ બજાર બનતી જાય છે. આ વર્ગને તેમના પોતાના દેશ કરતાં ભારતમાં મોટી માર્કેટનો આશાવાદ છે. આ બાબત લાંબા ગાળે ભારતીય ઈકોનોમીની ગતિ વધારશે એ નકકી છે. અલબત્ત, ૨૦૨૪નું ચૂંટણીનું વરસ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. હાલ તો જિઓપોલિટિકલ સિચ્યુએશનમાં ભારત બહેતર અને સ્ટેબલ છે.
ગ્લોબલ રોકાણકારો-બિઝનેસમેનને ભારતમાં કેમ રસ પડે છે એવા સવાલનો જવાબ ધીમે-ધીમે સરળ બનતો જાય છે. કોવિડ-૧૯ દરમ્યાન ભારતનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, એ સમયમાં ચાલેલી માર્કેટ, વધતો રહેલો રોકાણ પ્રવાહ, બિઝનેસ, ઈકોનોમીની ગતિ, પડકારોનો સામનો કરવા સજજ અને સક્ષમ બનેલું ભારત, પોલિટિકલ સ્ટેબિલિટી, ભારતની વિશ્ર્વના તખ્તા પર બદલાયેલી ઈમેજ, વધેલો વિશ્ર્વાસ, સતત ઈકોનોમિક રિફોર્મ્સ, વિકાસલક્ષી પગલાં અને દરેક બજેટમાં અથવા એ વિના પણ પોલિસીમાં રહેલું સાતત્ય તેમ જ સૌથી ઝડપી વિકસતું બનેલું ભારતીય અર્થતંત્ર અને ગ્લોબલ સ્તરે વધતી રહેલી અનિશ્ર્ચિતતા જેવાં અનેક કારણો ભારત તરફ વિદેશી રોકાણને આકર્ષતા રહ્યા છે.
પ્રોત્સાહનનું પરિબળ
બીજીબાજુ ભારતીય ખાનગી ક્ષેત્રના મોટા ખેલાડીઓ તરફથી હાથ ધરાઈ રહેલા જંગી પ્રોજેકટસ, જાહેર ક્ષેત્ર તરફથી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારવાનું સરકારનું લક્ષ્ય, ડિજિટલ ઈન્ડિયાનો તીવ્ર ગતિએ વિકાસ, વધતી જતી પારદર્શકતા અને બિઝનેસ અંગેના નીતિ-નિયમો સરળ બનવાનું કારણ પણ આમાં ભળ્યું છે. જોકે આમ બધા ક્ષેત્રમાં થયું નથી તેનો રંજ ખરો. અગાઉ આપણે ચર્ચા કરી હતી એ જીએસટી હજી પણ બહુ મોટી અને ગૂંચવણભરી સમસ્યા છે. તેનું કલેકશન વધે એ જુદી વાત છે, કિંતુ તેનું હેરેસમેન્ટ પણ ગણતરીમાં લેવું રહ્યું. આ બધાં વચ્ચે સ્ટાર્ટઅપ્સનો જુવાળ, સફળ યા નિષ્ફળ, કિતું આ પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. લઘુ, મધ્યમ એકમોની સુધરતી કામગીરી, તેમને અપાયેલાં રાહતો-પ્રોત્સાહનો, ઉત્પાદન સાથે સાંકળીને અપાયેલા ઈન્સેન્ટિવ્ઝથી ઉત્પાદન એકમોને મળતું જોમ. સીધા વિદેશી રોકાણ અંગે ઉદાર બનાવાયેલી નીતિ, વગેરે જેવાં કારણો પણ ભળતાં ગયાં છે.
ભારત તરફ આકર્ષણના કારણ
ભારત તરફ વિદેશી રોકાણકારોના આકર્ષણનું કારણ અહીં સતત નિયંત્રણમાં રહેલો ફુગાવો, ડેફિસિટ અને ગ્રોથલક્ષી અભિગમ. ઉદ્યોગોને અપાતી રાહતો પણ આકર્ષણને વધારે છે. અલબત્ત, હજી પણ ભારતમાં ઘણી બાબતોમાં અમલદારશાહી અને રુશ્વતખોરી ભરપૂર ચાલુ છે, તેમ છતાં એકંદર સંજોગો બદલાયા છે, તેથી ભારત ઈન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક ડેસ્ટિનેશન બનતું રહ્યું છે. ભારતમા સીધું વિદેશી રોકાણ કરવામાં અગ્રક્રમે સિંગાપોર, યુએસએ, યુએઈ, મોરેશિયસ, નેધરલેન્ડ, જપાન આવે છે. ભારતમાં કયા સેકટરમાં સૌથી વધુ રોકાણ આવે છે યા વિદેશીઓને આકર્ષે છે? આના જવાબમાં હેલ્થકેર, ઈન્સ્યુરન્સ, રિન્યુએબલ એનર્જી,
આઈટી, રિઅલ એસ્ટેટ, ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડઝ અને ઓટો સેકટરના નામ આવે છે, જેમાં ભવિષ્યમાં સ્કોપ વધવાનો છે એવા સેકટરમાં ઉપર્યુકત સેકટર્સનો જ મુખ્ય સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રીન એનર્જીનું ચલણ પણ વધશે, બાકી બેન્કિંગ અને હાઉસિંગ કાયમી બુલિશ રહેવાના એવું કહેવાય છે. આગામી પાંચેક વરસમાં જેના ઝડપી વિકાસનો અંદાજ મુકાય છે તેમાં ફાઇવ જી સિકયુરિટી, વર્ચ્યુઅલ ગેમિંગ, ડિજિટલ એજયુકેશન, સોલાર એનર્જી, ઈ-કોમર્સ લોજિસ્ટિકસ વગેરે સમાવેશ પામે છે. ભારતમાં બિઝનેસ કરવા કે વધારવાનાં કારણોમાં એક કારણ ભારત માટે વધી રહેલા વિશ્ર્વાસનું પણ નોંધવું આવશ્યક છે. આ વિશ્ર્વાસને ટકાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની તેમ જ અમલદારશાહીની, પોલિસી મેકર્સની અને ભારતીય બિઝનેસમેન વર્ગની પણ રહેશે. આ ઉપરાંત ભારતે આત્મનિર્ભરતા માટે સતત પ્રયાસશીલ રહેવા સાથે પોતાની નિકાસને પણ વિકાસનો મજબૂત પાયો બનાવવો જોઈશે.

પરિવર્તનની ઝડપ: નવી તકો-નવા પડકાર
આગામી વરસો માટે સામાન્ય પ્રજાથી માંડી બિઝનેસમેન-સાહસિક વર્ગે એક સત્ય ધ્યાનમાં રાખીને ચાલવું પડશે, જે એ કે ટેકનોલોજીના ઝડપી પરિવર્તન નવી તકો ઊભી કરશે એવું બની શકે છે. આ સાથે ચાલુ બિઝનેસની સામે નવા પડકારો ઊભા કરી શકે એવું પણ બની શકે. આજે જે બિઝનેસ બુલિશ લાગશે તે પાંચ વરસ પછી અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો જોવા મળી શકે. બદલાતો સમય અને ટેકનોલોજી લોકોના માઈન્ડસેટ બહુ ઝડપથી બદલતા રહેશે. લાઈફ સ્ટાઈલ પણ બદલાતી રહેશે. આમ તો પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, કિંતુ હવે પછી આવા નિયમોના બદલાવની સ્પિડ બહુ ઝડપી હશે, અગાઉ જે પરિવર્તન પચાસ વરસે આવતાં હતાં, તે હવે પાંચ વરસે યા પાંચ મહિને પણ આવી શકે. હરીફાઈ રાજ કરશે, સ્ટાર્ટઅપ્સની કતાર રહેશે. જોખમોના સ્તર ઊંચા જશે. રોકાણ પ્રવાહ પણ ઝડપી રહેશે, જેની સાથે ફિટેસ્ટ વિલ સર્વાઈવનો રૂલ પણ લાગુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -