Homeતરો તાજાઆ ઋતુમાં ટીંડોળાનું સેવન આરોગ્ય માટે ઘણું ફાયદાકારક

આ ઋતુમાં ટીંડોળાનું સેવન આરોગ્ય માટે ઘણું ફાયદાકારક

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

ઉનાળો શરૂ થાય તેની સાથે શાકભાજીની વિવિધતામાં થોડો ઘટાડો થતો હોય છે. ઉનાળામાં શું શાક બનાવવું ? પ્રત્યેક ગૃહિણીને સતાવતો એક સામાન્ય પ્રશ્ર્ન છે. આજે આપણે ઉનાળામાં સરળતાથી ઉપલબ્ધ તેવાં ગજબના સ્વાસ્થ્યવર્ધક લાભ ધરાવતાં એક શાક વિશે વાત કરીશું. જેનું નામ છે ‘ટીંડોળા’ આ શાક અનેક વ્યક્તિને માટે અત્યંત ભાવતું શાક ગણાય છે. તો વળી કેટલાંક લોકોને આ શાક ભાવતું નથી. ગુજરાતીમાં તેને ટીંડોળા કે ઘિલોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મરાઠીમાં તેને ટેંડલી તો હિન્દીમાં કુંદરૂ તરીકે જાણીતું છે.
અંગ્રેજીમાં તેને આવી કોકિનિયા કૉર્ડિફોનિયા તરીકે ઓળખવામાં આવે છે. ટીંડોળા વેલ ઉપર ઊગે છે. વેલની લંબાઈ ૩-૫ મીટર લાંબી થતી હોય છે. કોઈ મોટા વૃક્ષ કે દીવાલ ઉપર તે ઝડપથી ફેલાતી હોય છે. તેના ફૂલનો રંગ સફેદ હોય છે. સૌ પ્રથમ તેની ખેતી એશિયા તથા આફ્રિકાના કેટલાક દેશોમાં થતી જોવા મળતી હતી. હાલમાં તો ભારત-પાકિસ્તાનમાં તેની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.
થાઈલૅન્ડ, મલેશિયા તથા ઈન્ડોનેશિયામાં પણ મોટા પ્રમાણમાં ટીંડોળાનો પાક લેવામાં આવે છે. ધીમે ધીમે તેનો સ્વાદ લોકોને પસંદ પડતાં હવે તો દુનિયાના લગભગ બધા જ દેશોમાં ટીંડોળા સરળતાથી મળવા લાગ્યા છે. પૌષ્ટિક ગુણોથી સમૃદ્ધ હોવાને કારણે તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ થવા લાગ્યો છે.
બજારમાં સરળતાથી મળી રહેતાં નાના અમથાં લીલાછમ ટીંડોળામાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણોે સમાયેલાં છે. સૌરાષ્ટ્રમાં તો લગ્ન ગાળો ચાલતો હોય ત્યારે સંભારા કે શાક તરીકે ટીંડોળાનો ઉપયોગ અચૂક થતો જોવા મળે છે. વળી એ શાક કે સંભારો પણ એટલો ચટાકેદાર હોય છે. જેઓ ટીંડોળાના શાકને જોઈને ભમ્મર ચઢાવતાં હોય તેઓ પણ આ સ્વાદિષ્ટ શાકને માણવાનું ચૂકતાં નથી.
ટીંડોળામાંથી બનાવી શકાય તેવી વાનગીમાં જોઈએ તો તેનું એકલું શાક, સંભારો, ટીંડોળા-કાજુનું શાક, ટીંડોળા-બટાકાનું શાક, ભરેલાં ટીંડોળા ટેંડલી-મસાલા ભાત, ટેંડલી-મટકીનું રસાવાળું શાક, ગોવા સ્ટાઈલનું ટીંડોળાનું શાક, ટીંડોળાને વિવિધ રીતે સમારીને ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે લાંબી ચીરી, ગોળ પતીકા અથવા તો વચ્ચેથી કાપ મૂકીને મસાલો ભરીને.
બેંગલુરૂ સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન હેલ્થ ઍન્ડ રિસર્ચ દ્વારા ટીંડોળાના શાક ઉપર ૩ માસ સુધી સંશોધન કરવામાં આવ્યા હતું. અભ્યાસ બાદ તેઓને જાણવા મળ્યું હતું કે ટીંડોલાનો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં, ડાયાબિટિસના દર્દીને માટે અત્યંત ગુણકારી શાક ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં કેલ્શ્યિમ તથા વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળી હતી. ટીંડોળા ખરીદી કરતી વખતે નાના-કૂણા તથા લીલા રંગના પાતળા ખરીદવા. પાકી ગયેલાં કે લાલ ટીંડોળાનો ઉપયોગ કરવો નહીં.
—————————
ડાયાબિટીસની વ્યાધિમાં ગુણકારી
ટીંડોળામાં ઍન્ટિ-હાઈપરગ્લાઈસેમિક પ્રભાવ સમાયેલો હોય છે. જે લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના રોગામાં ટીંડોળાનો ઉપયોગ અતિ ગુણકારી ગણાય છે.
———————-
ઍન્ટિ-ઓક્સિડન્ટના
ગુણો ધરાવે છે :
ટીંડોળામાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સારા પ્રમાણમાં સમાયેલાં જોવા મળે છે. જે ફ્રી રેડિકલ્સની સામે લડવામાં મદદ કરે છે. શરીરમાં જોવા મળતાં ઑક્સિડેટિવ તાણને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે.
એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે
ફ્રી રેડિકલ્સ આપણાં શરીરમાં કૅન્સર,
હૃદય રોગ, અને ન્યૂરોડીજનરેટિવ ને રોગો
જેવી જૂની બીમારીને દૂર કરવામાં મદદ
કરે છે.
————————–
કૅન્સરથી બચવામાં ગુણકારી
કૅન્સર જેવા રોગથી બચવું હોય તો પાણી પહેલાં પાળ બાંધવી આવશ્યક ગણાય છે. આથી જ તાજા લીલા શાકભાજીનો ઉપયોગ આહારમાં પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ ગણાય છે. ટિંડોળામાં ઍન્ટિ-કૅન્સર ગુણો સમાયેલાં છે. આથી તેનું સેવન કરવાથી ગંભીર બીમારીથી બચી શકવામાં મદદ મળે છે.
——————–
થાક ઘટાડવામાં ગુણકારી :
ટીંડોળામાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. આયર્નથી ભરપૂર આહાર લેવાથી વારંવાર થોડું કામ ર્ક્યા બાદ લાગતાં થાકને ઘટાડવામાં મદદ કરે છે.
—————-
ત્વચાની તંદુરસ્તી માટે ઉપયોગી :
ટીંડોળામાં ત્વચાને માટે ઉપયોગી ગુણો જોવા મળે છે. વિટામિન સીનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું જોવા મળે છે. જે કૉલેજનના ઉત્પાદન માટે આવશ્યક છે. ટિંડોળામાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલું જોવા મળે છે. ઍન્ટિ ઓક્સિડન્ટ મુક્ત કણોને કારણે ત્વચાને પહોંચતી ક્ષતિથી લડવાની મદદ મળે છે. આમ ટીંડોળાનું સેવન કરવાથી ચમકદાર તથા સ્વસ્થ ત્વચા મળે છે.
—————–
કિડની સ્ટૉન દૂર કરવામાં મદદરૂપ :
કિડની સ્ટૉન દૂર કરવામાં ટીંડોળાનો ઉપયોગ કરી શકાય છે. ટિંડોળામાં કૅલ્શ્યિમની માત્રા સમાયેલી છે. કૅલ્શિયમ પાચનતંત્રમાં સ્ટૉન બનવાની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને પૂરતી જાણકારી સાથે સેવન કરવું આવશ્યક છે. ટીંડોળામાં ઍન્ટિ બૈક્ટેરિયલ તથા ઍન્ટિમાઈક્રોબિયલ ગુણો સમાયેલાં હોય છે. જે કોઈપણ પ્રકારના સંક્રમણથી શરીરને રક્ષે છે. બિટા કેરોટીનની સાથે વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં હોવાથી આંખોની તંદુરસ્તી માટે પણ તેનો ઉપયોગ કરવો યોગ્ય છે. વિટામિન સીના ગુણો શરદી-ખાંસી કે ફ્લૂ જેવી બીમારીથી બચવામાં મદદ કરે છે. પ્રોટીન તથા ફાઈબરના ગુણો ધરાવતાં લીલા લીલા નાના અમથાં ટીંડોળાનો ઉપયોગ આહારમાં કરવા જેવો છે.
—————
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી
ટીંડોળામાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેને કારણે શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. શરીરમાં નબળાઈ વધતી જાય તો અનેક રોગ ધીમે પગલે પેસારો કરી દેતાં હોય છે. આથી ટીંડોળા ઉપયોગ આહારમાં કરવો ગુણકારી છે.
——————
વજન ઉતારવામાં ઉપયોગી:
ટીંડોળા ઓછી કૅલરી ધરાવતું શાક છે. જેથી વજન નિયંત્રણમાં રાખવામાં અત્યંત ગુણકારી ગણાય છે. ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને કારણે વારંવાર ખાતા રહેવાની આદતથી બચી શકાય છે. જે ધીમે ધીમે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ : ટીંડોળાને પાચન ગુણો ધરાવતાં શાક તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયની ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. લાંબા સમયથી ચાલી આવતી કબજિયાતની તકલીફમાં રાહત આપે છે. ટિંડોળામાં ફાઈબર હોવાને કારણે લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસના દર્દીને માટે ઘણા ગુણકારી ગણાય છે.
——————–
ટીંડોળાના સંભારિયા
સામગ્રી : ૨૫૦ ગ્રામ ટીંડોળા વચ્ચેથી કાપેલાં, ૧ ચમચી શેકલો ચણાનો લોટ. ૧ નાની વાટકી સિંગદાણાનો ભૂકો, ૨ ચમચી તલ, ૨ ચમચી સૂકાં કોપરાનું છીણ, ૧ નાની ચમચી વરિયાળી, ૧ નાની ચમચી આખા ધાણાને અધકચરાં કરીને લેવા,૧ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી લીંબુનો રસ, ૨ ચમચી ફુદીનાના પાન, ૨ મોટી ચમચી કોથમીર, ૧ ચમચી અખરોટનો ભૂકો, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, ચપટી હળદર, ચપટી હિંગ, ૧ નાની ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું તથા જરૂર મુજબ તેલ. ટીંડોળાને વચ્ચેથી કાપીને કોથમીર, ફુદીનો બાજુ ઉપર રાખીને અન્ય સામગ્રી એકત્રિત કરીને ટીંડોળામાં ભરી લેવી. થોડો મસાલો બાજુ ઉપર રાખવો.
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં હિંગ નાખીને ટીંડોળાને ગોઠવવાં. ટીંડોળા થોડા ચડી જાય એટલે તેમાં અઅખરોટનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, કોપરુ, તલ વગેરે ભેળવીને બનાવેલો મસાલો ભભરાવવો અથવા ટીંડોળાને વચ્ચેથી કાપીને તેમાં ભરી લેવો. ધીમી આંચ ધીમી રાખવી. શાક બરાબર થઈ ગયેલું લાગે એટલે લીંબુનો રસ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. ફુદીનાના પાનને ઝીણા સમારીને તથા કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -