(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: એક તરફ ન્યુઝ ચેનલો પર તુર્કી અને સીરિયાના વિનાશક ભૂકંપ તેમજ ઓમાનમાં ગઈકાલે આવેલા ૪.૧ની તીવ્રતાના ધરતીકંપના સતત આવી રહેલા
અહેવાલો વચ્ચે ભૂકંપગ્રસ્ત કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાએ દહેશત ફેલાવી છે.
સોમવારે સવારે ૧૧ અને ૪૧ મિનિટે ભચાઉથી ૧૮ કિલોમીટર દૂર દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા રિક્ટર સ્કેલ પર ૩.૨ની તીવ્રતાના ધરતીકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત ગુજરાતમાં ફેબ્રુઆરીના ૨૧ દિવસમાં ભૂકંપના કુલ્લે ૧૦થી વધુ નાના-મોટા આંચકાઓ નોંધાઈ ચુક્યા છે.
કચ્છ આમ પણ ભૂકંપગ્રસ્ત ઝોન-૫માં આવે છે અને ૧૮૧૯,૧૯૫૬ અને ૨૦૦૧ના વિનાશક ભૂકંપનો અનુભવ કરી ચૂક્યું છે તે જોતાં લોકોમાં ભય ફેલાવો સ્વાભાવિક છે. ભારતના સૌથી વધુ ભૂકંપની શક્યતા ધરાવતા ૩૨ શહેરોમાં ભુજનો સમાવેશ પણ થાય છે તે વાત પણ ચિંતા ઉપજાવે તેવી છે.
ધરતીકંપ ફરી વખત એક સંવેદનશીલ અને ચિંતાનો મુદ્દો બન્યો છે. કચ્છમાં પણ ફરી ભૂકંપ આવશે, તેવી વાતોથી ડર લાગી રહ્યો હોવાનું ધરતીકંપમાં પોતાના માતા ગુમાવનારા નયનાબેન દર્શકભાઈ અંજારિયાએ જણાવ્યું હતું.