મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજકારણની જેમ સોશિયલ મીડિયા પર પણ ખાસ્સા એવા એક્ટિવ હોય છે અને આજે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો એક પર્સનલ અનુભવ શેર કરીને કઈ રીતે તેમને દિવ્યાંગ વૃદ્ધ દંપતિની મદદ કરવાનો લહાવો મળ્યો એ જણાવ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 31મી જાન્યુઆરી, 2023ના મંત્રિમંડળની બેઠક પૂરી થયા બાદ એક દિવ્યાંગ દંપતિ મને મળવા આવ્યું અને એ દાદીએ મને માત્ર એટલું જ કહ્યું કે પેન્શન મળતું નથી. હવે પેન્શન શેનું એ પણ જાણ નહોતી. તેમની સાથે પ્રજ્ઞાચક્ષુ દાદાજી પણ હતા એમના ખિસ્સામાં ફોન હતો, પણ તેઓ મને નંબર પણ સરખી રીતે જણાવી શકતા નહોતા. દાદાજીએ કહ્યું કે આજ સુધી અનેત મુખ્ય પ્રધાન અને નેતાઓને મળ્યા પણ કોઈ અમારું કામ કરતું નથી. 10 મિનિટના આ સંવાદ બાદ આજે સદ્ભાગ્યે તેમની અરજી મળી ગઈ.
ટ્વીટમાં આગળ ફડણવીસે જણાવ્યું હતું કે સુનિતા આષ્ટુક એવું દાદીનુંનામ છે અને તેઓ પુણેના કુંજીરવાડી ખાતે રહે છે. મેં આ અરજી તાત્કાલિક પુણેના જિલ્લાધિકારીને મોકલાવી દીધી. તેમણે આ અરજી પર ફાસ્ટ ટ્રેક એક્શન લઈને કાર્યવાહી કરીને આખરે આ દંપતિને સંજય ગાંધી નિરાધાj યોજનાની પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ફડણવીસે આ અનુભવ બાદ જણાવ્યું હતું કે મને આનંદ છે કે મને એક દિવ્યાંગ વૃદ્ધ દંપતિની મદદ કરવાનો મોકો મળ્યો. છેલ્લામાં છેલ્લા માણસના વિકાસનું ધ્યાન રાખીને રાજકારણમાં કામ કરવું પડે છે.