૨૦૧૪-૧૫ પછી માથાદીઠ આવક બમણી થઈ
નવી દિલ્હી: વર્ષ ૨૦૧૪-૧૫ પછી ભારતની માથાદીઠ આવક બમણી થઇને રૂ. ૧,૭૨,૦૦૦ થઇ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં દેશની માથાદીઠ આવક રૂ. ૮૬,૬૪૭ હતી જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૭૨,૦૦૦ થઇ હતી. નેશનલ સ્ટેટિસટિક્લ ઑફિસ (એનએસઓ) એ જાહેર કરેલી વિગતો પ્રમાણે કોવિડ મહામારીના સમયગાળામાં આવક વૃદ્ધિ ઘટી હતી, પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ફરી વધી હતી.
અગ્રણી ઇકોનોમિક રિસર્ચ સંસ્થા ધ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પૉલિસી (એનઆઇપીએફપી)ના ભૂતપૂર્વ ડિરેક્ટર પિનાકી ચક્રબર્તીએ કહ્યું કે વર્લ્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિકેટર ડેટા બેઝ પ્રમાણે ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ભારતની માથાદીઠ આવકમાં સરેરાશ વૃદ્ધિ પ્રતિ વર્ષ ૫.૬ ટકા હતી. ચક્રબર્તીએ કહ્યું કે આ વૃદ્ધિ મહત્ત્વની છે. આરોગ્ય, શિક્ષણ, આર્થિક, સામાજિક ક્ષેત્રમાં સુધારાઓ નોંધાયા છે. કોવિડ મહામારી દરમિયાન
આવક ઘટી હતી પણ તે પછીના બે વર્ષમાં નોંધપાત્ર રિક્વરી જોવા મળી હતી.
ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટડીઝ ઇન ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ (આઇએસઆઇડી)ના ડિરેક્ટર નાગેશ કુમારે કહ્યું કે માથાદીઠ આવક નહીં હોવાથી સમૃદ્ધિ વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતીયોની આ સરેરાશ આવક છે. જોકે ભારતીયોની આવક વચ્ચે અસમાનતા છે. વસ્તીના ૧૦ ટકામાં થયેલી આવકવૃદ્ધિનું અને અન્યોની આવકવૃદ્ધિમાં અસમાનતા છે. જાણીતા અર્થશાસ્ત્રી જયતી ઘોષે કહ્યું કે વસતિના ટોચના ૧૦ ટકામાં આવકવૃદ્ધિ થઇ છે, પણ મીડિયન વેજિસ (પગાર) ઘટી રહ્યાં છે, તે પણ ધ્યાનમાં રાખવું જોઇએ. જયતી ઘોષે વધુમાં કહ્યું કે જો ફુગાવા (મોંઘવારી)ની વૃદ્ધિને ધ્યાનમાં લઇએ તો માથાદીઠ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ નથી.
નાગેશ કુમારે કહ્યું કે વૈશ્ર્વિક અર્થતંત્રમાં ભારત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. યુક્રેન યુદ્ધ, અન્ય દેશોમાં મંદી વિગેરે પરિબળોના પગલે ભારતનો વૃદ્ધિ દર સામે પડકારો ઊભા થઇ શકે છે, પણ વર્તમાનમાં મોટા અર્થતંત્રોમાં ભારત સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે.
આઇ.એમ.એફ. પ્રમાણે ભારત વિશ્ર્વનું પાંચમું મોટું અર્થતંત્ર બન્યું છે. વિશ્ર્વના ટોચના પાંચ અર્થતંત્રમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી ભારતનો ક્રમ છે. યુનાઇટેડ કિંગડમ છઠ્ઠા ક્રમે છે. એક દશક અગાઉ યુકે પાંચમાં ક્રમે હતું, જ્યારે ભારત ૧૧માં ક્રમે હતું.