ભાવનગર ના બહુચર્ચિત ડમીકાંડ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલ શખ્સો માં એક પોલીસ કોન્સ્ટેબલ અને બીજો તેનો ભાઈ છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર એસ.ઓ.જી.પોલીસે આજે વધુ બે આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિનેશ બટુકરાય પંડયા અને તેનો ભાઈ ભદ્રેશકુમાર બટુકભાઇ પંડયા ને ઝડપી લીધા છે.
ઝડપાયેલ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડ્યા એ તેના ભાઈ ભદ્રેશ ના ડમી તરીકે સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા આપી હતી. ડમીકાંડમાં આ બંને વિરુદ્ધ ફરિયાદ થઈ હતી પરંતુ હજુ સુધી આ બંને ફરાર હતા. ઉલ્લેખનીય છે કે ડમીકાંડ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી 36 આરોપીને ઝડપી લીધા છે જે તમામ જેલ હવાલે છે. આજે વધુ બે ઝડપાતા અત્યાર સુધી ઝડપાયેલા આરોપી ની સંખ્યા 38 ની થવા પામી છે. હજુ પણ આ ડમીકાંડ પ્રકરણમાં 21 આરોપીઓ પકડાયા નથી.
ભાવનાગરના ચકચારી ડમીકાંડ બે દિશામાં ફંટાઈ ગયો છે. એક તો પરીક્ષા આપવા બેઠેલા ડમી વિદ્યાર્થીઓનું અને તેમને આમ કરવા દેનારા વગદારોનું મસમોટું નેટવર્ક ક્રેક કરવાનું અને બીજું ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થીનેતા યુવરાજ સિંહ જાડેજાની તોડકાંડમાં તપાસ કરવાનું ચાલી રહ્યું છે.