Homeલાડકીજેના થકી સહકુટુંબની સેલ્ફી સૌંદર્યવાન ભાસે છે...!

જેના થકી સહકુટુંબની સેલ્ફી સૌંદર્યવાન ભાસે છે…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

જેના થકી સહકુટુંબની સેલ્ફી સૌંદર્યવાન ભાસે છે…!
તમારા ઘરમાં એવી કઈ વ્યક્તિ જે સમગ્ર પરિવારને જોડીને રાખે છે? એવું કોણ પોતાના ગમા અણગમાને સાઈડમાં રાખી આખાય ઘરને એક તાંતણે બાંધીને રાખે છે? તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ એવું કોઈ ખરું જે ઑફિસ કે કામના સ્થળે પરિવાર જેવું વાતાવરણ ક્રિએટ કરતી હોય? આપણે બધા જ આપણાં દરેક કામો ધાર્યા સમય મુજબ કરી શકીએ છીએ કારણ કે આપણી પાછળ એકાદ વ્યક્તિ એવી હોય છે જેનું સાયલન્ટ પીઠબળ કાયમ મળતું રહે છે. આપણી જાણ બહાર, ઇનડાયરેકટલી એ માણસ આપણા કામમાં મહત્ત્વનો રોલ ભજવી જાય છે. એ છે તો આપણું સ્ટેટસ છે, એ છે તો આપણી ડિમાન્ડ છે, એ છે તો આપણું અસ્તિત્વ છે. એની હાજરી છે એટલે આપણે સાંજનું ડિનર બધા ભેગા મળીને લઈ શકીએ છીએ. એ છે તો આપણી કામની દાઝ એના પર કાઢી શકીએ છીએ. એ છે તો આપણે એલાર્મ વગર ઊઠી શકીએ છીએ. ડૉ. નિમિત્ત ઓઝા પોતાના લેખમાં આવી વ્યક્તિની એટલે કે ‘એન્કર પર્સન’ ની વાત કરે છે જેની હયાતી જ આપણામાં અનોખી ઊર્જાનો સંચાર કરે છે. જેના થકી આખોય પરિવાર ઉજળો દીસે છે. જેના થકી સહકુટુંબની સેલ્ફી સૌંદર્યવાન ભાસે છે. જેના થકી કુટુંબ કબીલાનું કાર્ય કુનેહપૂર્વક થાય છે. જેના થકી આપણું ફસ્ટ્રેશન નીકળી જાય છે.
આવી વ્યક્તિ કોઈપણ હોય શકે છે. એ મમ્મી, પપ્પા, મોટાભાઈ, બહેન કે પુત્રવધૂ કે પછી ઘરનો મોભી જેની ભૂમિકા જ બધાય જોડીને રાખવાની છે. એ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ જ કદાચ નથી જાણતી. જાણે છે તો માત્ર બીજાઓને રાજી કેમ રાખવા…! બીજાઓની ઈચ્છાઓ કેમ પૂરી કરવી…! દરેક સભ્યોની ખામીઓ જાણે સમજે છે છતાંય દેખાવા ન દે એ છે આવી વ્યક્તિ…! ઘરના તમામ વ્યવહારો સાચવવાથી લઈને તમામ પરિસ્થિતિમાં એકસરખું કેમ રહેવું એ કળા જાણે એણે હસ્તગત કરેલી હોય છે. એક એવું માસ્ટર માઈન્ડ જે એની બુદ્ધિનો ઉપયોગ પોતાના ઘરના સભ્યોને જોડી રાખવા માટે ઘસીને કરે છે. જેના મોં પર ઓલવેઇઝ સ્માઈલના લીસોટા રેળાયેલાં રહે છે. કોઈપણ વ્યક્તિના એક સાદથી એ અલ્લાદીનના જિનની જેમ પ્રગટીને એની ઈચ્છા પૂરી કરવા મંડી પડે છે. એ થાકતી નથી કે કંટાળતી નથી. એના સુખનું સરનામું જ એના સ્નેહીજનો હોય છે. આમ કરતી વખતે એ વ્યક્તિ નથી જોતી સમય કે નથી જોતી પોતાની હાલત જે ૧૦૨ ડિગ્રીમાં તપે છે. બસ જુએ છે
માત્ર જે પોતાના છે એની આશાઓ તથા ઇચ્છાઓની પૂર્તિ…
એકબીજાથી રિસાયેલી બે વ્યક્તિને મનાવવાથી લઈને એ જ બેય વ્યક્તિએ એકબીજા માટે બોલેલ શબ્દો ગળીને પેટમાં પચાવી લ્યે છે. લાડકા દીકરાની પહેલી ડેટ હોય કે પછી લાઈટબિલની લાસ્ટ ડેટ એ યાદ રાખવાનું કે યાદ અપાવવાનું કામ માત્ર એ જ કરે છે. કેલેન્ડરમાં તરીખોના ખાના પણ નાના પડે એટલી ઝીણી ઝીણી નોંધો લખેલી હોય છે જે માત્ર એ જ ઉકેલી શકે. બાળકોની ટેક્સ્ટબુકમાં ક્યાં પેજ પર કઈ વિગત છે એની એને ખબર હોય છે. અરે કોઈના પગલાંના અવાજ માત્રથી એનો મૂડ પારખી લે છે અને એ મૂડ મુજબ સાંજનું મેનૂ ગોઠવાઈ જાય છે. વિમાની તારીખો અને લોનના હપ્તા યાદ દેવડાવવાનું કામ એના માથે જ સમજી લ્યો. ઘરનો એવો આધાર કે એની વગર લાખો કરોડોનું ઘર પણ ડગમગી ઊઠે. અરે જેની બે દિવસની ગેરહાજરી પણ ઘરને અસ્તવ્યસ્ત કરી નાખે.
આપણા કામના સ્થળે પણ આવી વ્યક્તિ હોય શકે જે ફાયર બ્રિગેડનું કામ કરતી હોય. ઑફિસ અવરનો થાક અને બોસના ગુસ્સામાંથી બે ઘડી ગમ્મત તરફ લઈ જતી હોય છે. કોઈપણ ક્લીગ્સની ગેરહાજરીમાં એનું કામ વગર કહ્યે કરી નાખે છે. માલિકથી લઈને નાના મજૂરના જીવનની નાની મોટી ઘટનાઓનું ધ્યાન રાખી સૌને એ યાદ અપાવે છે. આમ કરીને સરવાળે સૌનું હિત વિચારનાર એ સમગ્ર સ્ટાફને જોડતી કડી ક્યારે બની જાય એની ખબરેય પડતી નથી. આવું વ્યક્તિ પોતાનું કાર્યસ્થળ બદલે છે ત્યારે ખબર પડે છે કે એ વ્યક્તિએ ક્યારેય પોતાનું વિચાર્યું જ નહોતું…! એ તો કંપની, ઑફિસ કે સંસ્થાની થઈને જ રહી હતી…!
સૂતરનો પાતળો દોરો જેમ મોતીને બાંધીને રાખી માળાને ટકાવી રાખે છે. એવું જ કંઈક આ અતિ મહત્ત્વની વ્યક્તિનું છે. આપણા બધાનું ધ્યાન ચળકતા મોતીઓ તરફ જરૂરથી જાય પણ એને એક તાંતણે બાંધીને રાખતાં એ દોરા તરફ આપણી નજર નથી પડતી. આપણને મોતીની માફક ચકચકિત રાખનાર ઘરની એ વ્યક્તિ પણ દોરાની જેમ ઘસાતી જાય છે ને આખરે એક દિવસ એ તૂટી પડતાં દરેક મોતી વેરણ છેરણ થઈ જાય છે. આવી વ્યક્તિની હયાતીમાં આપણને એના મૂલ્યનો, એના કામનો, એના અસ્તિત્વનો અહેસાસ કદાચ નથી થતો. પરંતુ એના ગયા પછી એના વગરનો ખાલીપો ખટક્યા કરે છે. ઘરનું વાતાવરણ જાણે એની ગેરહાજરીમાં ડહોળાયેલું લાગે છે. એક એવી ભેદી શાંતિ જે ક્યારેય હવે ખતમ નહિ થાય એવું લાગ્યા કરે છે.
આવા એન્કર પર્સન માત્ર જીવતા જ નથી હોતા, પણ એનાથી એની આસપાસના લોકો જીવંત રહેતાં હોય છે. આપણા માટે તો આપણે ઘણુંય કરીએ છીએ પણ જે આપણા માટે કંઈક કરે છે, આપણા મોં પર સ્માઈલ જોવા મથે છે, આપણાં એક આંસુથી નાસીપાસ થઈ જાય છે, આપણા મૌનથી વ્યગ્ર થઈ જાય છે, આપણા ગુસ્સાથી ભયભીત થઈ જાય છે એના માટે અત્યાર સુધીમાં આપણે શું કરી શક્યા? આ સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ. એના મૃત્યુ પછી આંસુઓ સારીને કે સભાઓ યોજીને કે પછી દાન પુણ્યનાં કામો કરીને શું એને રાહત મળશે? અરે એ એન્કર પર્સન માટે જો કંઈક કરવું જ છે તો એની હયાતીમાં જ કરી લેવું જોઈએ.
આપણી આસપાસ રહેલી આ વ્યક્તિને વહેલી તકે ઓળખીને એના મૂલ્યવાન કાર્યનો પરિચય કરાવવો જોઈએ. એના કાર્યની કદર થવી જોઈએ. એનો હાથ આપણા હાથમાં લઈને કહેવું જોઈએ કે, ‘યાર, તારી કોઈ ઈચ્છા તો જણાવ જે હું પૂરી કરી શકું’ આપણા ઇગોને સાઈડ પર રાખી એ પ્રિયજનની આંખોમાં આંખ નાખીને પૂછવું જોઈએ કે, ‘તું માણસ છે કે અમારા માટે ઈશ્ર્વરે મોકલેલ કોઈ ફરિશ્તા?’ હવે એની આંખોમાં રહેલી ચમક જોવા જેવી હશે. માત્ર વ્હાલભર્યો સ્પર્શ અને મીઠાં શબ્દોથી વિશેષ એ કાંઈ નથી ઈચ્છતી. અને આના માટે એ પૂરો જન્મારો વેડફી નાખે છે તો આપણે એના માટે થઈને આટલું તો કરી જ શકીએ ને…!
ક્લાઈમેક્સ:
દરેકના અસ્તિત્વનો આસ્વાદ કરાવતા કરાવતા પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખતું એ માણસ આપણને મળેલી કુદરતી બક્ષિસ છે. એનું અસ્તિત્વ ઓગળી જાય એ પહેલા એને સાચવી લેજો…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -