ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર 17 બેઠક પર જ જીત મેળવી શકી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી નબળુ પ્રદર્શન હતું. હારના કારણો શોધી કાઢવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરી. સમિતિના રીપોર્ટમાં કોંગ્રેસની હારના અનેક કારણો બહાર આવ્યા છે.
નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો સમાવેશ કરાયો હતો. ફેક્ટ ફાઇડીંગ સમિતિની અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠકો યોજવામાં આવી હતી. સમિતિએ તૈયાર કરેલો રીપોર્ટ દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખથી લઈ સ્થાનિક નેતાઓ ચૂંટણીમાં હાર માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમજ પ્રદેશ પ્રભારીથી લઈ સહપ્રભારી પણ શંકાના દાયરામાં આવી ગયા છે
સમિતિના રીપોર્ટમાં અનેક મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમકે વિધાનસભા ચૂંટણીમાં એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ રહ્યો હતો. આ સાથે ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ રહ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ રહ્યો હતો.
સમિતિએ ચૂંટણીમાં હાર માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ જવાબદાર ગણાવી તેમજ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કોંગ્રેસને નુકસાન થયુ છે. ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોચ્યા હતા. એઆઈસીસી દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જ ફંડ મળ્યું હતું.
સમિતિની પૂછપરછ દરમિયાન ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય ન પહોચ્યુ તે ફરિયાદ ઉઠી હતી. ગુજરાતને સ્ટાર પ્રચારકો ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બૂથ સમિતિઓ માત્ર કાગળ પર રહી હતી.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી સમયમાં કોંગ્રસ પક્ષમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.