થોડા દિવસો પહેલા જ રાજકોટમાં એક નેપાળી બાપની અંધશ્રદ્ધાને કારણે દીકરીનો જીવ જવાની ઘટના બની હતી ત્યારે ફરી સૌરષ્ટ્રના કેશોદ તાલુકાના પીપળી ગામમાં આવી ઘટના ઘટી છે. શિક્ષણની વાત કરતા આપણે સૌ કેટલી હદે હજુ ચમત્કારો અને ભૂતપ્રેતમાં માનીએ છીએ તેનું આ ઉદાહરણ છે. અહીં બાપે દીકરીઓમાં ભૂત પ્રવેશ્યું છે તેમ કહી સાચુ શું છે તે બહાર લાવવા દીકરીઓને ભૂખી રાખી, હવનમાં હાથ નંખાવ્યા અને અંગારા પર ખુલ્લા પગે ચલાવી હતી. દીકરીની માતાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે તેને અને દીકરીઓને ઢોરમાર મારવામાં આવ્યો હતો. મહિલા બાળ કલ્યાણ ખાતાએ આ ઘટનાની તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
ઘટના અનુસાર ત્રણ દીકરીઓની માતા પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અલગ રહેતી હતી. બન્ને વચ્ચે સમાધાન કરવા એક હવન રાખવામાં આવ્યો છે તેમ કહી બન્ને દીકરીને સાસરિયા આગલે દિવસે પોતાની સાથે લઈ ગયા હતા. બીજા દિવસે ત્રીજી દીકરી સાથે માતા જયારે સાસરિયામા ગઈ ત્યારે તેને ખબર પડી કે બન્ને દીકરીઓમાં ભૂત પ્રવેશ્યું છે તેમ કહી પિતાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને સતના પારખા કરવાના બહાને સળગતા અંગારા પર ચલાવી હતી તેમ જ તેમને ભૂખી રાખી હતી. માતાએ આ મામલે વિરોધ કરતા તેને માર મારવામાં આવ્યો હતો. આ આખી ઘટના બહાર આવ્યા બાદ પોલીસ અને મહિલા અને બાળ વિકાસ ખાતું હરકતમાં આવ્યું હતું અને તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.