ગિરનારમાં રોપવેને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો રોપ-વેનો લાભ લેવા પહોંચે એવી શક્યતા છે પરંતુ રાજ્યના વાતવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સામાન્ય કરતા ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. રસ્તાઓ પર અને ખુલ્લા મેદાનોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. પવનની ગતિ વધુ હોવાથી જુનાગઢમાં રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ જુનાગઢ વીસ્તારમાં અંદાજીત 60-70 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, એવામાં જાન-માલનું નુકસાન ના થાય તે માટે તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. જ્યારે પવનની ગતિ સામાન્ય થશે ત્યારે ફરી એકવાર રોપ-વેની સેવા કાર્યરત કરવામાં આવશે.
હવામાન વિભાગે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.