કવર સ્ટોરી -વિજય વ્યાસ
ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે એવું યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી દેવાયું. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનપીએફએ) દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચીનની વસતી ૧૪૨.૫૭ કરોડ છે જ્યારે ભારતની વસતી ૧૪૨.૮૬ કરોડ છે તેથી ભારત સત્તાવાર રીતે દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે. અત્યારે ચીન કરતાં ભારતની વસતી ૨૯ લાખ વધારે છે અને ચીનમાં છેલ્લાં બે વર્ષથી વસતીમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેથી ભારત લાંબા સમય સુધી વિશ્ર્વમાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ રહેશે એ સ્પષ્ટ છે.
આપણે ત્યાં આઝાદી પછી બેફામ વસતી વધારો થયો છે અને લગભગ તમામ દાયકામાં વસતી વધારાનો દર ૨૦ ટકાથી વધારે રહ્યો છે. દુનિયાના દેશો નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ નોંધાવી રહ્યા છે ત્યારે આપણી વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે એ જોતાં ગમે ત્યારે આપણે દુનિયામાં નંબર વન દેશ બની જઈશું એ નક્કી જ હતું.
ભારતમાં વસતી ગણતરીના આધારભૂત આંકડા ૧૮૨૦થી ઉપલબ્ધ છે કેમ કે ત્યાં સુધીમાં ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબા હેઠળ આવી ગયું હતું. ૧૮૨૦માં ભારતની વસતી ૨૦ કરોડની આસપાસ હતી. હાલનાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ ત્રણેય દેશોના વિસ્તાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબા હેઠળ આવી ગયેલા તેથી ૨૦ કરોડની વસતી ત્રણ રાષ્ટ્રોની હતી.
ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે ૧૮૫૭માં બળવો થયો બ્રિટનની સરકારે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ લઈ લીધો. એ પછી ૧૮૮૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે બ્રિટિશ ઈન્ડિયાની વસતી ૨૫ કરોડ હતી. ૧૯૦૧માં વસતી ૨૯ કરોડ અને ૧૯૧૧માં ૩૧.૫૦ કરોડ હતી. ૧૯૩૧માં બ્રિટિશ ઈન્ડિયાની વસતી ૩૫ કરોડ અને ૧૯૪૧માં ૩૯ કરોડ હતી.
ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થતાં પાકિસ્તાન અલગ થયું ત્યારે બ્રિટિશ ઈન્ડિયાનાં ૩૯ કરોડ લોકોમાંથી ૮ કરોડ લોકો પાકિસ્તાનમાં ગયાં તેથી ભારતમાં ૩૧ કરોડ લોકો રહ્યાં. આઝાદીનાં ઘણાં વરસો સુધી લોકો ભારતથી પાકિસ્તાન ને પાકિસ્તાનથી ભારત આવતાં રહ્યાં તેથી આઝાદી પછી ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યાં સુધીમાં ભારતમાં વસતી સ્થિર નહોતી થઈ. એ વખતે ભારતની વસતી ૩૬ કરોડ હતી.
એક દાયકા પછી ભાગલાની અસર સમાપ્ત થઈ ગઈ ત્યારે ૧૯૬૧માં કરાયેલી વસતી ગણતરી વખતે ભારતની વસતી ૮ કરોડ વધીને ૪૪ કરોડ થઈ હતી. ૧૯૭૧માં ૨૫ ટકા વધીને ૫૫ કરોડ થઈ અને ૧૯૮૧માં ૨૪ ટકા વધીને ૬૮ કરોડ થઈ. ૧૯૯૧માં ફરી ૨૫ ટકા વધીને ૮૫ કરોડ થઈ અને ૨૦૦૧માં ૨૦ ટકા વધીને ૧૦૨ કરોડ થઈ. છેલ્લે ૨૦૧૧માં વસતી ગણતરી કરાઈ ત્યારે વસતી ૧૯ કરોડ વધીને ૧૨૧ કરોડ થઈ હતી. ભારતમાં ૨૦૧૧ના દાયકાને બાદ કરતાં વસતી વધારાનો દર ૨૦ ટકાથી વધારે રહ્યો છે.
ભારતમાં વસતી વધારો બહુ મોટી સમસ્યા છે. તેના કારણે ગરીબી, બેરોજગારી વગેરે સમસ્યાઓ વકરી છે. કુદરતી સ્રોત સમાપ્ત થઈ રહ્યા છે તેથી ભવિષ્યની પેઢીના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે એ પણ સમસ્યા છે. અતિશય વસતીના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાયું તેના કારણે આરોગ્યની ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ છે. આ બધી સમસ્યાઓ વિશે બધાં વાત કરે છે પણ આ વસતી વિસ્ફોટના કારણે પેદા થયેલી એક બહુ મોટી સમસ્યાની કોઈ વાત કરતું નથી.
આ સમસ્યા દેશમાં વધી રહેલી કટ્ટરતાની છે અને અત્યારના સંજોગોમાં આ વાત કરવી અત્યંત જરૂરી છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમ બે સૌથી મોટા વર્ગ છે. હિંદુવાદીઓનો એક વર્ગ સતત એક વાત કહ્યા કરે છે કે, ભારતમાં મુસ્લિમોની સતત વધી રહેલી વસતી જોતાં એક દિવસ આ દેશ મુસ્લિમોનો થઈ જશે ને હિંદુઓ પર મુસ્લિમો રાજ કરતા હશે.
હિંદુવાદી નેતા કહ્યા જ કરે છે કે, હિંદુઓએ વધારે છોકરાં પેદા કરવાં જોઈએ. નહિંતર મુસ્લિમોની વધતી વસતી જોતાં ભવિષ્યમાં આ દેશ પર મુસ્લિમો હાવી થઈ જશે, આપણને ગુલામ બનાવી દેશે. હિંદુ એકલા કુટુંબ નિયોજન અપનાવશે તો હિંદુઓ લઘુમતીમાં આવી જશે. હિંદુવાદી સંગઠનોની ધર્મ સંસદોમાં તો એવો સૂર વ્યક્ત થાય છે કે, ૨૦૨૯માં ભારતના વડાપ્રધાનપદે એક મુસ્લિમ હશે. ભારતમાં મુસ્લિમો વધી રહ્યા છે અને હિન્દુ ઘટી રહ્યા છે તે જોતાં ભવિષ્યમાં દેશના રસ્તા પર મુસ્લિમો સિવાય બીજું કોઈ દેખાશે જ નહીં. હિંદુઓને મુસ્લિમો સામે હથિયારો ઉઠાવવાની ને મુસ્લિમોનો ખાતમો બોલાવવાની વાતો પણ થઈ રહી છે. હિંદુ ધર્મના રક્ષણ માટે કોઈ મુસલમાનને વડા પ્રધાન ન બનવા દેવાની અને મુસલમાનોની વસતી ન વધવા દેવાની પ્રતિજ્ઞા લેવાના હાકલાપડકારા થઈ રહ્યા છે.
ઘણા બધા હિંદુઓના ગળે આ વાત ઉતરી રહી છે. તેનું કારણ એ છે કે, હિંદુઓના પ્રમાણમાં મુસ્લિમોનો વસતી વધારાનો દર બહુ ઊંચો છે જ. આ બંને વર્ગની વસતી વધારાના દર પર નજર નાખશો તો સમજાશે કે, ભારતની વસતી વધારવામાં હિંદુઓ કરતાં મુસ્લિમોનું યોગદાન વધારે છે.
છેલ્લા બે દાયકાની વસતી
ગણતરીના આંકડા પર નજર નાખશો તો પણ સમજાશે કે, હિંદુઓની સરખામણીમાં મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે. અથવા બહારથી આવી રહેલા મુસ્લિમોના કારણે પણ તેમની વસતી વધી રહી છે. ૧૯૯૧-૨૦૦૧ના દાયકામાં હિન્દુઓની વસતી ૧૯.૯૨ ટકા વધી પણ સામે મુસ્લિમોમાં વસતી વધારાનો ૨૯.૫૨ ટકા હતો. ૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં હિન્દુઓમાં વસતી વધારાનો દર ૧૮.૬૦ ટકા હતો જ્યારે મુસ્લિમોમાં વસતી વધારાનો દર ૨૪.૬૦ ટકા હતો.
આઝાદી પછીની પહેલી વસતી ગણતરી વખતે દેશમાં મુસ્લિમોની વસતી લગભગ ૩.૫૦ કરોડ હતી જે પાંચ ગણી વધીને ૧૭.૨ કરોડ થઈ ગઈ છે. ભાગ્યે જ કોઈ એવો દાયકો ગયો છે કે જ્યારે મુસ્લિમોની વસતીમાં ૩૦ ટકાથી ઓછો ઘટાડો નોંધાયો હોય. આ ઊંચા વસતી વધારા દરના કારણે દેશની વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦૦૧માં દેશની વસતીમાં ૧૩.૪ ટકા મુસ્લિમો હતા. ૨૦૧૧માં આ પ્રમાણ વધીને ૧૪.૨ ટકા થયું. તેની સામે હિંદુઓ આઝાદી વખતે ૯૦ ટકાથી વધારે હતા અને હવે ૭૯ ટકા પર આવી ગયા છે.
મુસ્લિમોની વધતી વસતીના કારણે હિંદુઓના એક વર્ગને લાગે છે કે, મુસ્લિમોને છોકરાં પેદા કરીને ભારત પર કબજો કરવામાં ને હિંદુઓ પર રાજ કરવામાં રસ છે. આ માન્યતાના કારણે મુસ્લિમો તરફ અણગમો વધ્યો છે. કમનસીબે મુસ્લિમો વસતી વધારાને રોકવાની વાતમાં રસ બતાવતા જ નથી. તેના કારણે આ માન્યતા વધારે ને વધારે પ્રબળ બનતી જાય છે. મોટા ભાગના મુસ્લિમ આગેવાનો કે ધર્મગુરૂઓ વસતી વધારાની સમસ્યા મુદ્દે ચૂપ થઈ જાય છે. વસતી વધારાની સમસ્યા મુસ્લિમોની પણ સમસ્યા છે, તેના ઉકેલ માટે મુસ્લિમોએ પ્રયત્ન કરવા જોઈએ એટલી સાવ સાદી વાત કહેવા પણ મુસ્લિમ આગેવાનો ને ધર્મગુરૂઓ તૈયાર નથી.
ભારતમાં હિંદુવાદી કટ્ટરતાને રોકવી હોય તો મુસ્લિમોએ વસતી વધારાની સમસ્યાના ઉકેલમાં ખરા દિલથી જોડાવું પડે. મુસ્લિમો વસતી વધારાના દરને નીચો લાવે તો દેશમાં મુસ્લિમોનું પ્રમાણ હિંદુઓથી વધી જશે એ વાતનો આપોઆપ છેદ જ ઊડી જાય. હિંદુવાદી આગેવાનો પાસે કહેવા જેવું કંઈ બચે નહીં ને દેશમાં કટ્ટરવાદનો વધતો પ્રભાવ અટકી જાય.
વસતી વધારાને કારણે પેદા થતી બેરોજગારી, ગરીબી વગેરે સમસ્યાઓ ગંભીર છે પણ તેના કારણે પેદા થયેલી કટ્ટરતા અને હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની સમસ્યા વધારે ગંભીર છે. બંને સમુદાય વસતી વધારો રોકવા માટે પ્રયત્ન કરે તો બીજી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જશે. અત્યારે સ્થિતિ એ છે કે, હિંદુઓ એવું કહે છે કે, મુસ્લિમો વધારે છોકરાં જણ્યા કરે છે ને અમે એકલા કુટુંબ નિયોજન અપનાવીશું તો દેશમાં મુસ્લિમોની વસતી વધી જશે ને હિંદુઓ ગુલામ બની જશે. મોટા ભાગના મુસ્લિમો છોકરાં ઉપરવાળાની દેન છે એમ કહીને કુટુંબ નિયોજન અંગે ગંભીર નથી. તેના કારણે દેશની સૌથી મોટી સમસ્યા હિંદુ વર્સીસ મુસ્લિમ મુદ્દો બનીને રહી ગઈ છે.
આ સમસ્યાનો ઉકેલ નથી એવું નથી પણ રાજકીય કારણોસર ઉકેલ લાવવા પ્રયત્ન જ કરાતો નથી. વસતી વિસ્ફોટને કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવીને રોકી શકે, વાસ્તવમાં ભારતમાં ૧૧ રાજ્યોમાં તો વસતી વધારાને રોકવા માટેના કાયદા છે જ પણ આ કાયદાનો કડકાઈથી અમલ થતો નથી. કેન્દ્ર સરકાર આવો કાયદો બનાવીને દેશભરમાં કડકાઈથી તેનો અમલ કરે તો વસતી વધારો રોકાય. જો કે તેના કારણે સામાન્ય લોકો નારાજ થઈ જાય એવા ડરે આ કાયદો બનતો નથી. સંજય ગાંધીએ ૧૯૭૦ના દાયકામાં કડકાઈથી નસબંદી કાર્યક્રમનો અમલ કરાવ્યો તેમાં સરકાર જતી રહી હતી તેથી બધા ડરે છે.
આ સંજોગોમાં સરકાર કંઈ કરે એવી આશા નથી, હવે લોકોએ જ કંઈક કરવું પડે, બલ્કે ના કરવું પડે.