૧૩૪ ગ્રામ ડ્રગ્સનાં પૅકેટ્સ ભરેલી થેલી જેલ કમ્પાઉન્ડમાં ફેંકનારા વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની આર્થર રોડ જેલમાં કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે ત્યારે કમ્પાઉન્ડમાંથી ૧૩૪ ગ્રામ ‘ચરસ’ મળી આવતાં આ જેલ ફરી વિવાદમાં સપડાઈ છે. દીવાલની બીજી બાજુથી ડ્રગ્સ ભરેલી થેલી જેલ કમ્પાઉન્ડમાં ફેંકનારા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ૩૦ નવેમ્બરના મળસકે ૪.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. આ પ્રકરણે એન. એમ. જોશી માર્ગ પોલીસે રવિવારે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેલ કોલોની આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.
પોલીસ ફરિયાદ અનુસાર આર્થર રોડ જેલની કમ્પાઉન્ડ વૉલની બહારથી ડ્રગ્સ ભરેલી થેલી ફેંકવામાં આવી હતી. કાળા કલરની પ્લાસ્ટિકની થેલી જેલની અંદર સર્કલ નંબર-૧૧ નજીક પડી હતી. થેલી પડવાનો અવાજ સાંભળી જેલ સિક્યોરિટીએ તેને તાબામાં લીધી હતી. થેલીમાં તપાસ કરતાં અલગ અલગ પાંચ પૅકેટ પેકિંગ કરેલાં મળી આવ્યાં હતાં.
થેલીમાંથી કાળા અને સફેદ રંગનો પાઉડર-ગોળીઓ મળી આવી હતી. આ અંગે એન. એમ. જોશી માર્ગ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એ ૧૩૪ ગ્રામ ચરસ હોવાનું જણાયું હતું. જોકે જપ્ત કરાયેલો પદાર્થ ચરસ હોવાની ખાતરી કરવા ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલી દેવાયો હતો. ગુનો નોંધ્યા વિના તપાસ કરીને અહેવાલ મોકલી શકાય એમ નથી, એવું લૅબોરેટરી દ્વારા જણાવવામાં આવતાં પોલીસે રવિવારે ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને પગલે જેલની સુરક્ષાવ્યવસ્થાને લઈ ફરી વિવાદ ચગ્યો હતો.