એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ક્રિકેટના મોરચે લાંબા સમયથી શાંતિ હતી ને કોઈ મોટો વિવાદ આવ્યો નહોતો. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પસંદગી સમિતિના ચેરમેન એટલે કે ચીફ સીલેક્ટર ચેતન શર્માએ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કરેલા ચોંકાવનારા દાવાના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. ચેતન શર્માએ સ્ટીંગ ઓપરેશનમાં ઘણી ચોંકાવનારી વાતો કરી છે પણ સૌથી મોટો ધડાકો એ કર્યો છે કે, ભારતીય ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે ઈંજેક્શન લે છે અને આડકતરી રીતે તો ડ્રગ્સ લઈને જ ફિટ રહે છે.
ચેતન શર્મા એક મહિના પહેલાં ફરી ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બન્યા હતા. ગયા વરસના નવેમ્બરમાં ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ટીમ શરમજનક રીતે હારીને ફેંકાઈ ગઈ પછી આખી સીલેક્શન કમિટીને ઘરભેગી કરી દેવાઈ હતી ને ચેતન શર્માને પણ ચીફ સિલેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. મહિના પહેલાં નવી સીલેક્શન કમિટી રચાઈ તેમાં ચેતન શર્માની વાપસી થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નવી સિનિયર સિલેક્શન કમિટીમાં શર્મા ઉપરાંત, શિવસુંદર દાસ, સલિલ અંકોલા, સુબ્રતો બેનર્જી અને શ્રીધરન શરથ એ પાંચ સભ્યોને લેવાયા હતા.
હવે ચેતન શર્માએ આ ધડાકો કરતાં બાકીના ચાર પસંદગીકારો કદાચ ટકી જશે પણ ચેતન શર્માએ જવું પડશે એવું લાગે છે. શર્માના ધડાકા પછી શું કરવું તેનો નિર્ણય બોર્ડ પર છોડાયો છે. અત્યારે બોર્ડ એટલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ એવા સમીકરણો છે એ જોતાં ચેતન શર્માનું ભાવિ હવે જય શાહના હાથમાં છે.
જય શાહ શું નિર્ણય કરે છે એ જોવાનું છે પણ ચેતન શર્માએ કરેલા દાવા આઘાતજનક છે. ભારતીય ક્રિકેટરો ૮૦ ટકા ફિટ હોવા છતાં પણ ઈંજેક્શન લઈને ૧૦૦ ટકા ફિટ થઈ જાય છે. ક્રિકેટરો ઈંજેક્શન લે છે એ પેઇન કિલરનાં નથી હોતાં પણ પ્રતિબંધિત ડ્રગ્સ જ હોય છે. ઈન્જેક્શનમાં એવી દવાઓ હોય છે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી. બનાવટી ફિટનેસ માટે ઈંજેક્શન લેનારા આ તમામ ક્રિકેટરો પાસે ક્રિકેટ બોર્ડ સિવાયના પોતાના ડોક્ટરો છે કે જે તેમને ઈન્જેક્શન શોટ્સ પૂરા પાડે છે. આ ઈન્જેક્શન લઈને ક્રિકેટરો મહત્ત્વની ટૂર્નામેન્ટ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ લાગે છે ને ટીમમાં આવી જાય છે.
ચેતન શર્માએ તો એવો ધડાકો પણ કર્યો કે, કેટલાક સ્ટાર ખેલાડીઓ ફિટ ના હોય તો પણ નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી તેમને લીલી ઝંડી આપવામાં આવે છે. ક્રિકેટર સંપૂર્ણ ફીટ ન હોય તો પણ તેને ફિટ જાહેર કરી ને પછી પસંદગીકારોને પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવે છે.
ચેતન શર્માએ જસપ્રીત બુમરાહની ઈજાનું ઉદાહરણ પણ આપ્યું છે. ચેતન શર્માના કહેવા પ્રમાણે , બુમરાહને ૨૦૨૨માં દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં ફિટ નહીં હોવા છતાં સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહની ઈજા એટલી ગંભીર હતી કે, ઓસ્ટ્રેલિયામાં ટી ૨૦ વર્લ્ડ કપની એક પણ મેચ રમ્યો હોત તો તે ઓછામાં ઓછા એક વર્ષ માટે બહાર રહ્યો હોત. આમ છતાં તે રમ્યો ને પછી છેવટે વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું.
ચેતન શર્માએ એવો દાવો પણ કર્યો છે કે, સ્ટાર ખેલાડીઓ પસંદગી સમિતિના સભ્યો સાથે સારા સંબધો રાખે છે અને તેમના માટે ગિફ્ટ પણ લાવે છે. જ્યારે પણ ફોન આવે ત્યારે રોહિત શર્મા અડધો-અડધો કલાક વાત કરે છે. હાર્દિક પંડ્યા પણ પોતાના ઘરે આવતો રહે છે એવો દાવો પણ શર્માએ કર્યો છે. ચેતન શર્માએ વિરાટ કોહલીની કેપ્ટન્સીના વિવાદ મુદ્દે પણ એવું કહ્યું છે કે, સૌરવ ગાંગુલીના કારણે વિરાટે કેપ્ટન્સી ગુમાવવી પડી એ વાત ખોટી હતી. ગાંગુલીએ તો કોહલીને સુકાની પદ છોડવા વિશે ફરી વિચારવાનું કહ્યું હતું પણ કોહલીએ અહમનો મુદ્દો બનાવીને કેપ્ટન્સી છોડી દીધી.
ચેતન શર્માએ કરેલી બધી વાતો માંડવી શક્ય નથી પણ ખેલાડીઓની ફિટનેસ વિશ તેણ કરેલો દાવો આઘાતજનક અને શરમજનક પણ છે. એક રીતે જોઈએ તો આપણા કહેવાતા ક્રિકેટરો પૈસાના મોહમાં દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. પોતે ફિટ ના હોવા છતાં દેશ વતી રમવા ઊતરીને દેશની જીતવાની તકો પહેલેથી ઘટાડી દે છે ને એ દેશ સાથે ગદ્દારી જ કહેવાય. આ ગદ્દારી ચલાવી ના લેવાય. બોર્ડ ચેતન શર્મા સામે પગલાં લે કે ના લે પણ શર્માએ જે દાવા કર્યા છે એ અંગે ચોક્કસ પગલાં લેવાં જોઈએ.
શર્માએ જે કંઈ કહ્યું છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ ને આ વાતોમાં તથ્ય લાગે તો આ ગોરખધંધો કરનારા ક્રિકેટરો પર તો સંપૂર્ણ પ્રતિબંધ મૂકી જ દેવો જોઈએ પણ સાથે સાથે કૌંભાંડમાં સાથ આપનારા નેશનલ ક્રિકેટ એકેડમીના સભ્યો અને ડૉક્ટરો સામે પણ આકરાં પગલાં ભરવાં જોઈએ. આ એક પ્રકારની છેતરપિંડી છે એ જોતાં ચારસો વીસીના ગુનામાં બધાને અંદર કરી દેવા જોઈએ. શર્માએ ખાલી સનસનાટી ફેલાવવા આ બધી વાતો કરી હોય તો તેને પણ લાત મારીને તગેડી મૂકવો જોઈએ.
જો કે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાંક વરસોથી સતત ધોળખું ધોળે છે એ જોતાં ચેતન શર્માની વાતો સાવ મોં-માથા વિનાની નથી લાગતી. ટીમના કહેવાતા ક્રિકેટરો છાસવારે ઈજાગ્રસ્ત થઈ જાય છે ને મહત્ત્વની ટૂર્નામેન્ટ વખતે ચમત્કારિક રીતે સાજા થઈને ટીમમાં પાછા આવી જાય છે એ જોતાં શર્માની વાતો સાચી હોવાની શક્યતા વધારે છે.
આ તપાસ અને આકરાં પગલા એટલા માટે પણ જરૂરી છે કે, કહેવાતા મોટા ક્રિકેટરોની આ હરકતોના કારણે યુવા ક્રિકેટરોના ભાવિ સાથે રમત થઈ રહી છે. કહેવાતા મોટા ક્રિકેટરો ઈજાગ્રસ્ત થાય એટલે તેમના સ્થાન લેવાતા યુવા ક્રિકેટરો સારું રમતા હોવા છતાં સિનિયરો માટે જગા કરવી પડે છે તેથી તેમનામાં હતાશા આવે છે.
આ મુદ્દો ગંભીર છે પણ ક્રિકેટ બોર્ડનો ઈતિહાસ બલિના બકરા બનાવીને ભીનું સંકેલવાનો છે. આ કેસમાં પણ ચેતન શર્માને બલિનો બકરો બનાવીને વાતનો વીંટો વાળી દેવાય એવું બને.