નવી દિલ્હીઃ ગ્રેટર નોએડાના સરસ્વતી કુંજ વિસ્તારમાં અનૈતિક સંબંધને પગલે પત્નીએ પ્રેમી સાથે મળીને હિંદી ફિલ્મ દૃશ્યમની જેમ પ્લાન કરીને પતિની હત્યા કરી હતી અને મૃતદેહને પડોશીને ત્યાં ચાલી રહેલાં બાંધકામનો લાભ લઈને સેપ્ટિક ટેન્કમાં નાખી દીધો હતો. પરંતુ પોલીસે આખા હત્યાકાંડનો પર્દાફાશ કરીને પ્રેમી અને આરોપી મહિલા બંનેની ધરપકડ કરી હતી. આ હત્યાકાંડમાં સાથ આપનાર પ્રેમીનો એક મિત્ર હજી ફરાર છે.
મૃતક સતિષ પાલ તેની પત્ની નીતુ સિંહ અને છ વર્ષની બાળકી સાથે બુલંદશહેર દરાવર ખાતે રહેતો હતો. દરમિયાન નીતુને તેના પડોશીના ઘરનું કામ કરીને રહેલાં રાજમિસ્ત્રી હરપાલ સાથે અનૈતિક સંબંધો હતો. આ વાતની જાણ સતિષને થતાં તે રોજ દારુ પીને નીતુને મારતો હતો. એક દિવસ આ બધાથી કંટાળીને નીતુ અને તેના પ્રેમીએ હરપાલે મળીને સતિષની હત્યા કરવાની યોજના બનાવી હતી.
યોજના પ્રમાણે નીતુએ સતિષના દારુમાં દવા મિક્સ કરી હતી. સતિષ જ્યારે બેહોશ થઈ ગયો ત્યારે નીતુ, હરપાલ અને હરપાલનો મિત્ર ગૌરવે તેનું ગળુ દાબીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. બીજી જાન્યુઆરીએ સતિષની હત્યા કરીને પડોશીના જ ચાલી રહેલાં બાંધકામનો ફાયદો ઉપાડીને સતિષનો મૃતદેહ સેપ્ટિક ટેંકમાં નાખી દીધો હતો.
એક અઠવાડિયા સુધી તો બધું બરાબર ચાલતું રહ્યું અને કોઈને આ હત્યાની જાણ સુધ્ધા ના થઈ પણ જ્યારે ઘણા દિવસોથી સતિષ સાથે વાત ન થતાં તેના પરિવારજનોએ સતિષની તપાસ શરુ કરી. ત્યારે નીતુએ તેમને તે ગામ જઈ રહ્યો હોવાનું જણાવીને નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સતિષના ભાઈએ સતિષની ગુમ થવાની ફરિયાદ નોંધાવતાં જ 10મા દિવસે નીતુ ફરાર થઈ ગઈ હતી.
નીતુની ગેરહાજરીને કારણે પોલીસને તેના પર શંકા આવી અને પોલીસે નીતુ અને તેના પ્રેમીની પુછપરછ કરતાં આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. બંને જણે હત્યા કરીને ભાગી જવાની યોજના બનાવી હતી. પોલીસે પાંચ કલાક સુધી તોડફોડ કરીને સેપ્ટિક ટેન્કમાંથી સતિષનો મૃતદેહ કાઢ્યો હતો.