Homeઉત્સવઇશાન ભારત પછી કેરળનું સ્વપ્ન

ઇશાન ભારત પછી કેરળનું સ્વપ્ન

*વડા પ્રધાન તિરુઅનંતપુરમ સર કરવા ઈચ્છુક
*એક વર્ષમાં ધારાસભાઓ- લોકસભાની ચૂંટણી
*માર્ક્સવાદી મુખ્યમંત્રીના ખૂબ ઉગ્ર પ્રત્યાઘાત

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આદર્શ કરોળિયો હોય એવું લાગે છે: કવિ દલપતરામની પંક્તિઓને સાર્થક કરતા હોય એવું લાગે છે કરતાં જાળ કરોળિયો,ભોંય પડી પછડાય… હિંમત રાખી હોશથી, ભીડ્યો છઠ્ઠી વાર,… આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત. દેશમાં બબ્બે વખત વડા પ્રધાન બન્યા છતાં કેરળ પર ભાજપનો ભગવો લહેરાવવાનું સ્વપ્ન સાકાર કરી શક્યા નથી એટલે હવે વર્ષ ૨૦૨૪માં ત્રીજી વાર વડા પ્રધાન બન્યા પછી તો કમસે કમ કેરળની રાજધાની તિરુઅનંતપુરમ પર પોતાના પક્ષની કે મિત્રપક્ષો સાથેની સરકાર સ્થાપિત કરવાની એમની મહેચ્છા હમણાં પ્રગટી. ઇશાન ભારતનાં રાજ્યોમાં યેનકેન પ્રકારેણ પોતાને અનુકૂળ કે કહ્યાગરી સરકારો સ્થાપિત કરવામાં સફળ રહ્યા પછી એમણે કેરળ કબજે કરવાની મહેચ્છા વ્યક્ત તો કરી, પરંતુ તિરુઅનંતપુરમ જ નહીં; સમગ્ર કેરળમાંથી જે પ્રતિભાવો સાંપડ્યા એ મોદીના સ્વપ્નને દિવસે તારા નિહાળવા સમાન ગણાવે છે. વિપક્ષોને તોડી કે પોતાની સાથે જોડીને સત્તા કબજે કરવાની ફાવટ મોદીની ભારતીય જનતા પાર્ટીને આવી ગઈ છે. અગાઉની બે વિધાનસભા ચૂંટણીઓમાં કેરળમાં ધામા નાખીને ભાજપની ટોચની નેતાગીરી અને સંખ્યાબંધ રાજ્યોના મુખ્યમંત્રી પણ પડ્યા હતા છતાં આ બટુક, પરંતુ સૌથી શિક્ષિત રાજ્ય એમના હાથમાં આવ્યું નથી. ઊલટાનું અગાઉની વિધાનસભામાં તો એક સભ્ય હતા, આ વખતની ચૂંટણી ટાણે તો મુખ્યમંત્રી પદના વરરાજા તરીકે પદ્મવિભૂષણથી નવાજાયેલા મેટ્રોમેન ઈ.શ્રીધરનને આગળ કર્યા છતાં આખેઆખી ભારતીય જનતા પાર્ટી લીલાતોરણે ઘરભેગી થઇ હતી. મોદી હજુ પ્રયત્નશીલ રહેવાના. ક્યારેક આરએસએસના વરિષ્ઠ પ્રચારક દત્તોપંત ઠેંગડીએ ૫૫થી ૫૮% હિંદુ વસ્તી ધરાવતા કેરળમાં સંઘનાં મૂળ નાખવાનું કામ કર્યું હતું. આ રાજ્યમાં સૌથી વધુ શાખાઓ પણ ચાલતી હોવા ઉપરાંત ડાબેરીઓ અને સંઘીઓ વચ્ચે હત્યાઓની લાંબી પરંપરા પણ ચાલે છે. આમ છતાં, અહીં ભાજપની દાળ ગળતી નથી. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં અગાઉના કૉંગ્રેસીઓને સાથે લઈને વધુ એકવાર વિજય પતાકા લહેરાવ્યા પછીના જાહેર ભાષણમાં મોદીએ કેરળ સર કરવાના સ્વપ્નને સાકાર કરવાની વાત કરી. ક્યારેક વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ માત્ર એક જ મત મેનેજ નહીં કરવાની ભૂમિકા થકી લોકસભામાં પરાજય કબૂલ્યો હતો, એનાથી વિપરીત મોદીયુગમાં તો અનેક વિપક્ષી રાજ્ય સરકારોને પક્ષપલટા કે અન્ય માર્ગે તોડી ભાજપી બનાવી લીધી છે. કેરળ કબજે કરવા આંતરકલહમાં રમમાણ કૉંગ્રેસ અને ડાબેરીઓને પણ પોતીકા કરીને આગામી દિવસોમાં કેવા દાવ ખેલાય છે એ રસપ્રદ બની રહેવાનું. આવતું આખું વર્ષ વિવિધ રાજ્યો અને લોકસભાની ચૂંટણીનું રહેશે.
તાજાં ચૂંટણી પરિણામો
સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે જો જીતા વો હી સિકંદર. ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપને નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવા સંજોગો રહ્યા. ૬૦ સભ્યોની ધારાસભામાં ભાજપી મોરચાની બેઠકોમાં ૧૦નો ઘટાડો થયો,પણ માંડ બહુમતી મળી એટલે ઈજ્જત રહી. નાગાલેન્ડમાં તો એ જુનિયર પાર્ટનર તરીકે ફરી સત્તામાં ભાગીદારી કરશે. મેઘાલયમાં તો પાંચ વર્ષ જે પક્ષના મુખ્યમંત્રી સાથે રાજ કર્યું એ જ સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવીને અલગ થઇ એકલેહાથે સત્તામાં આવવા માટે રાજ્યની તમામ બેઠકો લડ્યા પછી ૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપને મળી રોકડી બે બેઠકો. જેની સરકારને સૌથી ભ્રષ્ટ કહી હતી એ નેશનલ પીપલ્સ પાર્ટીને ગઈ વખત કરતાં ૬ વધુ બેઠકો મળી. એને ૨૬ બેઠકો મળ્યા છતાં કોનરાડ સંગમાને ફરી મુખ્યમંત્રી થવા માટે અન્યોના ટેકાની જરૂર પડી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ફોન કરી ટેકો મેળવી લીધો! હકીકતમાં ભાજપ માટે ઝાઝું હરખાવા જેવું નથી છતાં લઘુમતી ખિસ્તી બહુલ બે રાજ્યો (નાગાલેન્ડ અને મેઘાલય)માં પણ ભાજપ સત્તામાં આવી એની ગાજવીજ સાથે કેરળમાં પણ ભગવો ફરકાવવાનું એલાન કરાયું. ત્રિપુરાની જેમ જ કેરળ પણ હિંદુ બહુલ છે એ વાત કહ્યાગરા મીડિયામાં ભાગ્યે જ નોંધાઈ. ત્રિપુરામાં ભાજપના આંતરકલહને ખાળવા માટે મૂળ ભાજપી મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને દૂર કરી એમના સ્થાને કૉંગ્રેસી ગોત્રના જ માણિક સહાને મે ૨૦૨૨માં મુખ્યમંત્રી બનાવાયા. માણિક સહા કૉંગ્રેસને તોડીને ભાજપમાં ઘણા નેતાઓને લઇ આવ્યા હતા. કૉંગ્રેસના કાર્યાધ્યક્ષ રહેલા ત્રિપુરા મહારાજાના પૌત્ર પ્રદ્યોતે અગાઉની ચૂંટણીમાં ભાજપમાં જોડાવાનું નકાર્યું હતું, પરંતુ આ વખતે આદિવાસીઓ માટે અલગ ટિપ્રાલેન્ડની માગણી સાથે ટિપ્રા મોઠા પાર્ટી સ્થાપીને ૬૦ સભ્યોની ધારાસભામાં ૧૩ સભ્યોને વિજય અપાવ્યો. ભાજપની અગાઉ ૩૬ બેઠકો હતી એ ૩૨ પર આવી ગઈ. એની મિત્ર પાર્ટી ઇન્ડિજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા ૮ પરથી માત્ર એક પર આવી ગઈ. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ ૨૮ ઉમેદવાર ઉતાર્યા અને પોતે પણ ઝંઝાવાતી પ્રચાર કર્યા છતાં કશું હાથ લાગ્યું નહીં. માર્ક્સવાદી અને કૉંગ્રેસનું જોડાણ હતું. ૪૩ બેઠકો લડેલી માર્ક્સવાદી પાર્ટીને ગઈ વખતની ૧૬ને બદલે આ વખતે માત્ર ૧૧ બેઠકો મળી. કૉંગ્રેસ ૧૩ બેઠકો લડી અને ૩ જીતી. ગઈ વિધાનસભામાં એનો એક પણ સભ્ય નહોતો. નાગાલેન્ડમાં પણ ૬૦ સભ્યોની વિધાનસભા છે. એમાં ૪૦ બેઠકો પર મુખ્યમંત્રી નેઈપીહો રીઓની નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી લડી. ૨૦ પર એનો મિત્ર પક્ષ ભાજપ. અહીં રીઓની પાર્ટીને ૨૫ બેઠકો મળી. ગઈ વખત કરતાં ૭ વધુ. ભાજપને ૧૨ બેઠકો મળી. એણે ૧૧ બેઠકો વધારી. અહીં કૉંગ્રેસને કોઈ બેઠક નથી મળી, પણ જનતા દળ (યુ)ને ૧, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને ૨, નેશનલ પીપલ્સ પાર્ટીને ૫, શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ૭ અને રિપબ્લિકન પાર્ટી (આઠવલે)ને ૨ બેઠકો મળી. નાગા પીપલ્સ ફ્રન્ટને ૨, અપક્ષને ૪ બેઠકો મળી. રીઓ ફરી ભાજપ સાથે સરકાર બનાવે એ સ્વાભાવિક હતું. ઇશાન ભારતનાં રાજ્યોમાં કેન્દ્રમાં જેની સરકાર હોય એની સાથે જવાનું પસંદ કરીને નેતાઓ પોતાનાં હિત સાધી લેવાનું પસંદ કરે છે. જોકે અહીંના બટુક પક્ષો કે અમિબા પક્ષોની જનની મોટેભાગે કૉંગ્રેસ છે.
અબ કેરળ દૂર નહીં !
વડા પ્રધાન મોદીએ જેવું કહ્યું કે અબ કેરળ દૂર નહીં કે કેરળમાંથી માર્ક્સવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઉગ્ર પ્રત્યાઘાત વાળતાં ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો અને કૉંગ્રેસના સાંસદ એહસાન જાફરીને મોતને ઘાટ ઉતારાયાની વાતને તાજી કરીને એમનાં પત્ની ઝાકિયા જાફરીને ન્યાય અપાવવાની વાત કરી હતી. એમણે બીબીસીની ભારતમાં પ્રતિબંધિત ડોક્યુમેન્ટરીની વાત પણ છેડી. મુખ્યમંત્રી વિજયને વડા પ્રધાનના કેરળને સર કરવાના સ્વપ્નને દિવાસ્વપ્ન લેખાવ્યું હતું. એમણે કહ્યું હતું કે કેરળમાં કોમવાદી તત્ત્વોને કોઈ સ્થાન નથી. સંયોગ એવો હતો કે વડા પ્રધાન પોતે કેરળ પર ભગવો લહેરાવવાના સ્વપ્નને ભાજપી કાર્યકરોની આંખોમાં આંજી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રી શાહ કેરળના પ્રવાસે જવાના હતા, પરંતુ એ મુલાકાત રદ જાહેર કરાઈ છે. હવે કેરળમાં તિરુઅનંતપુરમ ઉપરાંત ત્રિશૂર લોકસભા બેઠક જીતવા ભાજપના નેતા અમિત શાહ કામે વળ્યા છે. કેરળની ૨૦ લોકસભા બેઠકોમાંથી મોટાભાગની કૉંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ પાસે છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહીંના વાયનાડ લોકસભા મતવિસ્તારના ચૂંટાયેલા સભ્ય છે. ભાજપ પાસે કેરળમાંથી લોકસભામાં એકપણ બેઠક નથી. છેલ્લા ઘણા વખતથી કેન્દ્રીય એજન્સીઓ કેરળના મુખ્યમંત્રી વિજયનને ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફસાવવાની નિષ્ફળ કોશિશ કરતી રહી હોવાનો આક્ષેપ માર્ક્સવાદી નેતાગીરી કરી રહી છે. આવતા દિવસોમાં કેરળ પહેલાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શું થાય છે એના ભણી સૌની મીટ છે. અગાઉ જેડી(એસ) અને કૉંગ્રેસની કર્ણાટક સરકારને તોડીને ભાજપે પોતાની સરકાર સ્થાપી છે, પરંતુ આગામી ચૂંટણીમાં શું થશે એ કહેવું મુશ્કેલ છે. તમિળનાડુમાં દ્રમુક અને કૉંગ્રેસના જોડાણની સરકાર છે. કેરળમાં ફરી માર્ક્સવાદી પાર્ટીના વડપણ હેઠળની સરકાર સ્થપાઈ છે. એવું લાગે છે કે ભાજપ માટે હજુ દક્ષિણ ભારતનાં રાજ્યો પર શાસન કરવાનું દૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -