બ્રિજ સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 20ના મોત, 29 ઘાયલ
સાઉદી અરેબિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માર્ગ અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. પવિત્ર શહેર મક્કામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસમાં સોમવારે પુલ પર અથડાયા બાદ આગ લાગી હતી અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગના યાત્રાળુઓ છે જે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરાહ કરવા માટે મક્કા શહેરમાં જઈ રહ્યા હતા.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બસની બ્રેક ફેલ થવાને કારણે શ્રદ્ધાળુઓને લઇને જતી બસ પુલ સાથે અથડાઇને પલટી ગઇ હતી અને તેમાં આગ લાગી ગઇ હતી. આગમાં 20ના મોત થયા હતા અને 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં સવાર તમામ લોકો ઉમરાહ કરવા માટે મક્કા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાની માહિતી મળતા જ સાઉદી સિવિલ ડિફેન્સ અને રેડ ક્રેસન્ટ ઓથોરિટીની ટીમો ક્રેશ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો. મૃતકો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રમઝાન માસ દરમિયાન મક્કા શહેર યાત્રાળુઓથી ભરેલું હોય છે. તેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય દેશોના લોકો પણ હાજરી આપે છે.
બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ જુદા જુદા દેશોમાંથી આવ્યા હતા. રમઝાન દરમિયાન મક્કા અને મદીનાની શેરીઓ ખૂબ વ્યસ્ત બની જાય છે. અહીં લોકોની ભારે ભીડ રહે છે. આ માર્ગો પર દિવસભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે વાહનો દોડે છે. આવી સ્થિતિમાં હંમેશા મોટી દુર્ઘટનાનો ભય રહે છે. ઘણી વખત વાહનોની જાળવણીમાં બેદરકારી અને ડ્રાઇવરોની તાલીમનો અભાવ પણ આવા અકસ્માતો માટે જવાબદાર હોય છે. ઓક્ટોબર 2019માં મદીનામાં એક બસ ભારે વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 32 વિદેશી નાગરિકોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.