જિનદર્શન – મહેન્દ્ર પુનાતર
ફેલાવો પ્રકૃતિનો નિયમ
અહીં નાની વસ્તુને મોટી
થતાં વાર લાગતી નથી
આપણે આપણા સાધનોમાં સુખેથી રહી શકીએ અને કોઈની પાસે હાથ લાંબો કરવો ન પડે તો પ્રભુની કૃપા સમજવી. જીવનમાં બની શકે તો કોઈની પાસેથી લેવું નહીં, આપવાનો ભાવ રાખવો. અપેક્ષા રાખવી નહીં. અપેક્ષા બૂરી ચીજ છે. કોઈની પાસે અપેક્ષા રાખી હોય અને તે પરિપૂર્ણ ના થાય તો તેમાંથી દુ:ખ અને સંબંધોમાં અંતરાય સર્જાય છે.
કોઈ પ્રેમથી આપે તો સ્વીકારી લેવું. આગ્રહ રાખવો નહીં. બીજા આપણા માટે શું કરી શકે છે એ મહત્ત્વનું નથી
આપણે બીજા માટે શું કરી શકીએ કે એ મહત્ત્વનું છે.
કોઈ મોટા માણસ માટે આપણે આદર રાખીએ તેની આગતાસ્વાગતા કરીએ એ સ્વાભાવિક છે. એમાં કશું વિશેષ નથી. પરંતુ નાના માણસ માટે આપણે આદર રાખીએ તો એ આપણો ગુણ બની જાય. ગરીબ સાધારણ માણસ કશું આપવા નીકળે અને શ્રીમંત માણસ કાંઈ લેવા નીકળે એ બંને અનૂઠી ઘટના છે. વહેવારમાં ભલે આમ ન બની શકે પણ ધર્મના માર્ગમાં આ સંભવિત છે.
ધર્મના માર્ગમાં માણસ પાસે ભલે કશું ન હોય તો પણ ત્યાગ કરી શકે છે અને શ્રીમંત માણસ પાસે ભલે બધું હોય તો પણ ધારે તો કંઈક અનોખું પ્રાપ્ત કરી શકે છે. દેવા માટે અને પ્રાપ્ત કરવા માટેનો ભાવ હોવો જોઈએ. આમાં સારું મેળવવાનું અને ખરાબને છોડવાનું છે.
જ્ઞાની માણસો જીવનના પરમ સિદ્ધાંતોને સમજાવતા કહે છે. કરજ કરવું નહીં અને કોઈની પાસેથી ઉધાર લેવું નહીં. આપણને આ નાની એવી વાત લાગે છે. પરંતુ તેને મોટી થઈ જતા વાર લાગતી નથી. દેવાનો ડુંગર જોતજોતામાં મોટો થઈ જાય છે.
દેવું દુર્ગુણો જેવું છે તેને વધતા વાર લાગતી નથી. એક દુર્ગુણ જો જીવનમાં પ્રવેશે છે તો બીજા દુર્ગુણોને આવતા વાર લાગતી નથી. માણસે પ્રથમથી જ આ અંગે સાવચેત રહેવું જરૂરી છે.
મહાવીરનું સૂત્ર છે. “અણ થોવં વણ થોવં, અગ્ગી થોવં, કસાય થોવં ચ! નહૂ મેં વીસસિયવા, થોવં પિ હું તં બહુ કોઈ! આ સૂત્રનો અર્થ છે કરજને થોડું, ઘાવને નાનો, આગને નજીવી અને કષાયને અલ્પ માનીને બેસી જવું નહીં. આ વસ્તુઓ ભલે નાની હોય પણ તેને મોટી થઈ જતા વાર લાગતી નથી.
મહાવીરના વચનોને જીવન સાથે સંબંધ છે. થોડામાં ઘણું કહી જતાં જિનસૂત્રો જીવન રૂપાંતર માટે મહત્ત્વના છે. જે માણસ દેવું કરતો હોય, કરજ લેતો હોય તે એમ સમજે છે કે આ તો એકદમ થોડું છે. થોડા સમયમાં ચૂકવી દઈશું. વ્યાજ પણ વધુ નથી. અત્યારે કામ પતાવીને લઈએ પછી આપી દઈશું. ઋણ ચૂકવાતું નથી અને ધીરે ધીરે વધતું જાય છે. નાની એવી રકમ દેવાનો મોટો ડુંગર બની જાય છે. આ તો વહેવારની વાત છે. પરંતુ જીવનનો વિચાર કરીએ તો કેટ કેટલા માણસો પાસેથી આપણે ઋણ લીધું હોય છે.
જીવન એટલે સહઅસ્તિત્વ. કોઈપણ માણસ એકલાં હાથે કોઈનાં પણ સહારા વગર આગળ વધી શકે નહીં. લોકોને એક બીજાની જરૂર પડે છે. પ્રથમ માત-પિતા અને પરિવાર પછી સગા સંબંધીઓ, આસપાસના લોકો, મિત્રો એક યા બીજી રીતે આપણાં વિકાસમાં સહભાગી બન્યાં હોય છે, સમાજ અને દેશનું ઋણ પણ આપણા પર ચડેલું હોય છે.
આપણા વિકાસ અને પ્રગતિ માટે કેટલા લોકોનો સહારો લેવો પડ્યો કોણ કોણે પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરી. જીવનમાં ઊંચા આવવા માટે કોણ માર્ગદર્શક અને પથદર્શક બન્યું આ બધાનો હિસાબ કરીએ તો આરો આવે નહીં. અસંખ્ય લોકોનું ઋણ આપણી પર ચડેલું છે. જરા વિચાર કરીએ કોનું કોનું કેટલું ઋણ આપણે ચૂકવીએ શક્યા છીએ. ઋણ વધતું જાય છે ચૂકવી શકાતું નથી. એટલે મહાવીર કહે છે જીવનમાં બહુ લીધું હવે આપવાનું ચૂકવવાનો ભાવ રાખો.
મહાવીર કહે છે ઘાવને નાનો સમજી ઉપેક્ષા કરશો નહીં. ધીરેધીરે આ ઘાવ મોટો થઈ જશે અને વેદના વઘતી જશે.
મહાવીર માત્ર શરીરના ઘાવની વાત કરતાં નથી. મનના ઘાવનું પણ આવું જ છે. ગેરસમજ, મતભેદોનું પણ જલદીથી નિરાકરણ ન થાય તો મનભેદ થાય છે અને ગૂંચો વધતી જાય છે અને તે જલદીથી ઉકેલી શકાતી નથી. મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી સંધાતા નથી. કડવી યાદો મનમાં રહી જાય છે. આવી વાતો મનમાં સંઘરીને બેસી રહેવું નહીં. જલદીથી સ્પષ્ટતા કરી લેવી અને ભૂલ હોય તો કબૂલ કરી લેવી.
મહાવીર કહે છે. આગના તણખાને પણ નાનો નહીં સમજતા. નાનો એવો તણખો, નાની એવી ચીનગારી મોટા મહાલયોને ભસ્મીભૂત કરી શકે છે. આગને પ્રસરતા વાર લાગતી નથી. પછી ભલે એ આગ વેરઝેરની હોય, ઈર્ષાની હોય કે અદેખાઈની હોય. આવી આગ લાગતાંની સાથે જ બુઝાવી દેવી જરૂરી છે. નહીંતર એ હૈયાને બાળી નાખશે. ક્રોધની જ્વાળામાં માણસ પોતે સળગે છે અને બીજાને પણ સળગાવે છે.
ક્રોધ શમી ગયા પછી ભાન થાય છે કે ખોટું થઈ ગયું. પણ ક્રોધને પાછો ખેંચી શકાતો નથી. કેટલાક લોકોને આ અંગે ભાન થતું નથી અને બહાના શોધી કાઢે છે. કેટલાક લોકોને પાછળથી ભૂલ સમજાય છે. પસ્તાવો થાય છે. પણ પરિવર્તન થતું નથી. પાછી એવી સ્થિતિ અને સંજોગો સર્જાય તો ક્રોધ સપાટી પર આવી જાય છે.
મહાવીર કહે છે કષાયોને અલ્પ સમજશો નહીં. જૈન પરિભાષાનો આ બહુમૂલ્ય શબ્દ છે. કષાય એટલે જેનાથી આપણે બંધાયેલા છીએ તે ક્રોધ, લોભ, મોહ, માયા વગેરે. આ બધા જીવનના બંધનો છે.
આ બંધનો કપાઈ જાય ત્યારે માણસ ખરા અર્થમાં મનુષ્ય બને છે. કષાયોના જાળાંઓ ધીરેધીરે વિસ્તૃત થતાં જાય છે. તેને નાનાં સમજવા નહીં. નાનું એવું બીજ છિદ્ર પાડીને જમીનમાં એવી રીતે ઘૂસી જાય છે કે ધરતીને ખબર પડતી નથી. એવું જ દુર્ગુણોનું છે.
ફેલાઈ જવું, પ્રસરી જવું એ પ્રકૃતિનો નિયમ છે. અહીં કોઈપણ વસ્તુને અવકાશ મળે તો વિસ્તરતાં વાર લાગતી નથી. આની કોઈ સીમા નથી. અહીં નાની નાની ચીજો જલદીથી મોટી થઈ જાય છે. કોઈપણ વસ્તુને અલ્પ સમજવી નહીં. તેના પ્રત્યે સાવધાન રહેવું. કષાયો ને મૂળમાંથી કાપી નાખવા.
આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે જાગ્રૃત રહેવું, ગાફેલ બનવું નહીં. જીવનમાં જે કાંઈ બને છે તેના તરફ નજર રાખવી અને તેનો ઉપાય શોધી લેવો. નાના એવા પ્રશ્ર્નો સમય જતાં અટપટા બની જાય છે અને પછી એમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ
બને છે. સમય આવ્યે જાગી જવામાં ડહાપણ છે.