મસ્ત રામની મસ્તી -મિલન ત્રિવેદી
આજકાલ રેવડી રેવડીની બૂમો પાડતા ફેરિયાઓ નથી મળતા, પરંતુ છાપામાં અને મીડિયામાં દરેક પક્ષો વિરોધ પક્ષને રેવડી રેવડી કહીં અને ચીડવે છે. અરે ભાઈ પ્રજાને રેવડી ભાવે છે. એ બહાને ગળ્યું મોઢું થાય. મફત શિક્ષણ,મફત વીજળી, મફત તબીબી સારવાર, મફત અનાજ… બધું મફત મફત મફત. આ રેવડી શબ્દ મફત માટે ક્યાંથી આવ્યો તે સંશોધનનો વિષય છે.કોઈ સ્કોલરને પીએચડી થવું હોય તો ધ્યાન દોરું છું. હાલ ગુજરાતમાં તો રાજકારણનો
માહોલ છે.
ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે, પરંતુ જે રાજ્યમાં ચૂંટણી નથી ત્યાં પણ કારણ વગરની રાજકારણની ધમાધમી છે.
ખરેખર આપણને જે સરકાર મળી છે તે ભાગ્યે જ કોઈને મળે. કેટલું દૂરનું વિચારી શકે છે.
ગુજરાતીઓ ભણે તેના કરતાં વેપાર કરે તો વધુ કમાય આ યોજના હેઠળ પહેલા શિક્ષણનું વ્યાપારિકરણ કરી નાખ્યું. એક ધંધા પાછળ બીજા કેટલાય ધંધા ચાલે. વડાપાંઉની રેકડીની બાજુમાં છાસની પેટીવાળો ઊભો રે તો હાલે કે નહીં? શિક્ષણની રેંકડી પાછળ ડ્રેસ, બૂટનું પણ ચાલે. સરકારને ખબર છે કે ગુજરાતીઓ હુન્નર જાણે છે માત્ર આંગળી જ કરવાની સોરી ચીંધાડવાની છે. નેતાની શેરીમાં પંચરવાળો ન હોય તો નોખી પંચર યુનિવર્સિટી ખૂલે એ જ ધંધાની દૂરંદેશી.
છાસવારે લાઇટ નથી જતી પણ ફ્યૂઝ ઊડી જતા હોય તો બહારથી આવી ૫૦ રૂ. લઈ જાય એના કરતાં ઘરના પૈસા ઘરમાં રે એવી ભાવના, છોકરીઓ માંડી ભણવા ને છોકરાવ ૧૩૫ના માવા ચોળવામાંથી ઊંચા નથી આવતા. છોકરીઓ ભણીને રસોડામાં કામ ન કરે એ તો ભૂરા તારે શીખવું પડશે શાક સમારતા સમારતા કૂકરની સીટિયું જ ગણવાની છે એટલે રાંધણકલા છોકરાઓએ આત્મસાત કરવી જ પડશે. ખાસ તો ખીલ્લી ક્યાં મારવી એ શીખવવું જરૂરી છે. પરાણે કોઈ ખીલ્લી મારવાનું કહે તો ખીલ્લી મારીએ પણ એ ક્યાં કઠવી જોઈએ તે આવડત હોવી જરૂરી છે. સરકાર પ્રજા માટે ચિંતિત છે એટલે દરેકને ધંધે તો લગાડશે જ હો.
૧લા ધોરણથી કોને ચીતરવા, કેવા ચીતરવા, માટીકામ કરવું તમને ગમે તેવા માણસો, આકાર બનાવો એવું નહિ પણ કોર્ષ મુજબ જ બનાવવા.
ભણતરની શરૂઆતમાં જ રાજકીય ટચ આપ્યો છે. જેમ કે ‘કાતર કામ’. કોને કેમ કેટલો વેતરવો, વેસ્ટમાંથી બેસ્ટ માટે ખુદ નેતાઓ પોતે મોડેલમાં બેસે તો છોકરાઓ કમાલ કરી શકે તેમ છે. કલા શીખવવાની વસ્તુ નથી.
થોડી સૂઝબૂઝ હોય તો તમે આકાર આપી શકો. બાકી કોઈને હસાવવા બહુ અઘરું કામ છે. અમને અમારા પ્રોગ્રામમાં પહેલા ૫ જોક્સમાં કોઈ દાંત ન કાઢે તો ક્યાં ક્યાં પરસેવો વળે એ અમે જ જાણીએ છીએ. સંગીત પણ એવું જ છે રજૂ કરો તો મજા આવવી જોઈએ દયા કે ગુસ્સો નહિ.
સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારે અને પ્રેક્ટિકલ નોલેજ આપે એ આવકાર્ય છે, પરંતુ પહેલા તેનું માળખું તૈયાર કરવું પડે આ જી.એસ.ટી. નથી કે સમય જતાં સેટ થઈ જાય.
શિક્ષણમાં મશીન બનાવવા કરતાં માનવતાના પાઠ ભણાવવા જોઈએ, નીતિશાસ્ત્ર, સંસ્કાર, એક બીજાના અસ્તિત્વના સ્વીકારના પાઠ ભણાવો. રાજકારણમાં પ્રવેશ પહેલા યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. જેવી પરીક્ષા ફરજિયાત કરવી જોઈએ. ખાસ તો અન્યાય સામે
અવાજ ઉઠાવવાના કોઈ કોર્ષ હોય તો શીખવાડો.
સામાન્ય પ્રજાને તો એટલું જ કહેવાનું કે રાજકારણ એ ફૂરસદનો વિષય છે. કોઈ પણ પક્ષ કે વ્યક્તિ માટે એટલું ઝનૂન ન રાખવું કે આપણા અંગત સાથે વેર બંધાય. કારણ આજે તે એક પક્ષમાં છે કાલે ઠેકડો મારી અને બીજા પક્ષમાં ચાલ્યા જાશે ત્યારે તમે જે શબ્દો બોલ્યા હશો તે પરત નહીં થઈ શકે. કાયમી દુ:ખ અનુભવાય તેના કરતાં સ્થિતપ્રજ્ઞ રહી અને પરિસ્થિતિ પ્રમાણે મતદાન કરવા અચૂક જવું.