સોમવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જો તમે પણ એવા ખેડૂતોમાંથી એક છો જે આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો આ સમાચાર તમારી માટે કામના છે. જાણી લો કે 13મા હપ્તાના 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે. પીએમ-કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને દર વર્ષે રૂ. 6,000ના નાણાકીય લાભો આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાપાત્ર છે. પીએમ-કિસાન યોજના હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. પહેલો હપ્તો એપ્રિલ-જુલાઇની વચ્ચે, બીજો હપ્તો ઑગસ્ટ-નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર-માર્ચની વચ્ચે રિલીઝ કરવામાં આવે છે. જો તમે PM કિસાન યોજનાની 2000 રૂપિયાની રકમ માટે પાત્ર છો તેમ છતાં તમે e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. શક્ય તેટલી વહેલી તકે આગામી હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આ યોજનાનો ખોટી રીતે લાભ લેવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સરકાર આવા લોકો સામે કડક થઇને પગલા પણ ભરી રહી છે. 12મા હપ્તા દરમિયાન માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ 21 લાખથી વધુ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તા અંગે, ખેડૂતો સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે.