કચ્છ સહિત ગુજરાતના લોકો માટે ૨૬મી જાન્યુઆરીનો દિવસ એ માત્ર પ્રજાસત્તાક દિવસ નથી, પરંતુ આ દિવસ સાથે તેમની અનેક દુઃખદ યાદો જોડાયેલી છે. એટલે જ તેમના માટે 26મી જાન્યુઆરીએ એક ગોઝારી યાદનો દિવસ પણ છે. આ એક એવો દિવસ છે કે જેને તેઓ ક્યારેય યાદ નથી કરવા માંગતા, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આ દિવસને તેઓ ભૂલી પણ નથી શકતા.
આપણા બધા માટે 26મી જાન્યુઆરી ચોક્કસ આનંદ, ગૌરવ અને દેશભાવનાથી ભરપુર હોય છે, પણ એ દિવસે કચ્છની ધીંગી ખારી ધરાના મીઠા માણસોને ધરતી માતાએ જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું, તે આવનારી અનેક પેઢીઓ નહીં ભૂલી શકે. બાવીસ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૧માં આ દિવસે સવારે ૮ અને ૪૬ મિનિટે વિનાશક ભૂકંપ આવ્યો હતો જે આજે દુનિયાના ધરતીકંપને લગતા તમામ સંશોધનોમાં ‘ભુજ અર્થકવેક’ તરીકે ઓળખાય છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના ચોબારી ખાતે નોંધાયું હતું. આ મહાવિનાશક ભૂકંપ ૯૦ સેકન્ડ સુધી ચાલ્યો હતો અને તે જમીનથી ૧૭.૪ કિલોમીટર જેટલો ઊંડો હોઈ, તેણે મચાવેલી તબાહીના દ્રશ્યો હજુ આજે પણ લોકોની નજર સમક્ષ તરવરી રહ્યાં છે. તેમાંય હવે ભુજના ભુજીયા ડુંગર પર સ્મૃતિવન બનાવાતા આ કડવી સ્મૃતિઓ ફરી તાજી થવા પામી છે.
બરાબર સવારે ૮ અને ૪૬ મિનિટે પૂર્વ દિશાએથી કોઈ સુપર ફાસ્ટ ટ્રેન ધસમસતી આવી રહી હોય તેવો ભયાનક અવાજ શરૂ થતાં લોકો અચંબામાં મુકાયા હતા અને આ ધરતીકંપ છે તેવું હજુ સમજમાં આવે તે પહેલાં ચો તરફ ધૂળના ગોટે ગોટા ઉડવા શરૂ થઇ ચુક્યા હતા. લોકો ભૂકંપ છે એમ તો સમજી ન શક્યા, પણ કંઈક અજૂગતું બની રહ્યું હોવાનું ખ્યાલ આવતા જ ડરના માર્યા બહાર નીકળવા લાગ્યા. જોકે એવા કેટલાય હતભાગીઓ હતા જે જીવ બચાવે તે પહેલા જીવ ગુમાવી ચૂક્યા હતા. પથ્થરોના કાટમાળ વચ્ચે કેટલીય જિંદગીઓ ચીસો પાડતી પાડતી ચૂપ થઈ ગઈ. બચાવકામ દરમિયાન એવા ઘણા ચમત્કાર જોવા મળ્યા જેમાં દબાયેલા કાટમાળમાં પણ જીવિત રહેલા અમુક લોકો ચાર-પાંચ દિવસ બાદ બહાર નીકળ્યા, ત્યારે લોકોએ તેને કુદરતનો કરિશ્મા જ ગણ્યો અને આ લોકો રામ રાખે તેને કોણ ચાખેની ઉક્તિને હકીકતમાં સાકાર કરી હતી. આ વિનાશક ભૂકંપમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં.
ધરતીકંપ બાદ કચ્છમાં વ્યાપક વિકાસ થયો છે પણ તાજેતરમાં ઉત્તરાખંડના જોશીમઠમાં બની રહેલી મકાનોમાં આપમેળે પડી રહેલી તિરાડોની અજીબોગરીબ ઘટનાથી લોકોમાં વિકાસ પરત્વે પણ છૂપો ડર ઉભો થવા પામ્યો છે. તેમાંય વૈજ્ઞાનિકોએ અમદાવાદ માટે પણ આવો જ ભય વ્યક્ત કરતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં બહાર નીકળનારા લોકોને રસ્તામાં ઠેર-ઠેર હાથગાડીમાં મૃતકો કે ઘાયલોને લઇ જતા સ્વજનો જોવા મળતા હતા. એ દિવસે પણ ભુજનું ન્યુનતમ તાપમાન ૭ ડિગ્રી સે. હતું અને લોકો પોત-પોતાના ખંડેર બની ચૂકેલા મકાનોની બહાર તંબુઓમાં રહેવા મજબુર બન્યા હતા.
દિવસો સુધી કાટમાળના ઢગલે ઢગલા, બેચેની અને અજંપાની લાગણી ઉભી કરી જતા હતા. આ ધરતીકંપમાં ભુજની રાજાશાહી જમાનાની જ્યુબિલી હોસ્પિટલનું હેરિટેજ મકાન પણ ધરાશાયી થયું હતું અને આ સ્થળની તત્કાલીન અમેરિકી પ્રમુખ બીલ ક્લિન્ટને પણ મુલાકાત લીધી હતી. દુઃખની વાત એ છે કે જ્યુબિલી હોસ્પિટલનું મકાન છેલ્લા બે દાયકાથી એ જ સ્થિતિમાં ઉભું છે.
આ ગોઝારા ભૂકંપની સૌથી કરુણ ઘટના કચ્છના અંજાર ખાતે બનવા પામી હતી જેમાં અંજારના ખત્રી ચોક ખાતે બનેલી દુઃખદ ઘટનામાં સાંકડી ગલીના બન્ને ભાગમાં આવેલી ઇમારતો ધ્વંસ થઇ જતાં તેમાં હાથમાં તિરંગો લઈને નીકળેલા ૧૮૪ જેટલાં બાળક અને ૧૮ શિક્ષક અને બે પોલીસકર્મીના મોત થયાં હતાં. માત્ર અંજારમાં અંદાજે ૨૦૦૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં અને ૬૦૦૦ પરિવારો ઘર વિહોણાં બન્યાં હતાં.
સમયની ગતિ આગળ ધપી રહી છે અને આજે એ ગોઝારી ઘટનાને ૨૧ વર્ષના વ્હાણા પસાર થઇ ચુક્યા છે પરંતુ આ કડવી સ્મૃતિઓ લોકોના મનમાંથી હજુ નીકળતી નથી. ભુજની સાંકડી શેરીમાં રહેતા નયના બેન દર્શક્ભાઇ અંજારિયાએ સજળ નેત્રો સાથે જણાવ્યું હતું કે, ધરતીકંપ આવ્યો ત્યારે ડાંડા બજારમાં આવેલું તેમનું મકાન ધ્રુજવા લાગ્યું હતું આથી તેમના મમ્મી-પપ્પા મકાનની બહાર નીકળ્યા ત્યારે સામેના મકાનની છત પડતાં માતા જયાબેન લાલજીભાઈ ખત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને સદભાગ્યે પિતા લાલજી ભાઈ બચી ગયા હતા. એ ગોઝારા ભૂકંપે કચ્છમાં પેરાપ્લેજીક દર્દીઓની સંખ્યા વધારી દીધી છે અને આવી વ્યક્તિઓ દરેક પળે ધરતીકંપની એ ગોઝારી ઘટનાને યાદ કરી રહ્યા છે. જોકે કચ્છ ઉપરાંત અમદાવાદ સહિત અમુક શહેરો-ગામોમાં પણ ભારે જાનહાનિ અને માલહાનિ થઈ હતી. અમદાવાદના ઘોડાસરમાં આવેલી સ્કૂલમાં 32 વિદ્યાર્થી મૃત્યુ પામ્યા હતા. આ સાથે અહીંના પોશ વિસ્તારના મકાનો પડ્યા હતા અને જાનહાનિ થઈ હતી.
ગોઝારા ધરતીકંપ સાથે જોડાયેલી આ હૃદયદ્રાવક યાદો આજે પણ દરેક ગુજરાતવાસીને એક ક્ષણ માટે ફફડાવી દે છે, તેઓ હૃદયનો ધબકારો ચૂકી જાય છે અને જેમણે નજીકના સ્વજન નથી ખોયા તેમની પણ આંખો ભીની કરી જાય છે આ કારમો દેશદાઝ અને દેશભક્તિથી છલોછલ પ્રજાસત્તાક દિવસ…