વિશેષ -ભરત વૈષ્ણવ
આંખ એ સજીવનું જોવા માટેનું અંગ છે. આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતા ઈલેક્ટ્રોકેમિકલ ઈમ્પલ્સમાં રૂપાંતર કરે છે. ખૂબ જ સાદા ફોટોરિસેપ્ટર્સ પ્રકાશને જાગૃત દ્રશ્યમાં થતા હલનચલન સાથે જોડે છે. ઉચ્ચ કક્ષાનાં ઓર્ગેનિઝમ્સમાં આંખ એક કોમ્પ્લેક્સ સિસ્ટમ છે જે આસપાસથી પ્રકાશ ભેગો કરી તેની તીવ્રતાને રેગ્યુલેટ કરી; સ્થિતિસ્થાપક લેન્સીસનાં આયોજન વડે કેન્દ્રિત કરી ચિત્ર બનાવે છે; આ ચિત્રનું ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી મગજને આંખની ઓપ્ટીક નર્વ સાથે જોડતાં કોમ્પ્લેક્સ ન્યુરલ માર્ગો દ્વારા મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્ષ અને બીજા ભાગોમાં મોકલાવે છે. પ્રકાશનાં ચિત્રીકરણની ક્ષમતા ધરાવતી આંખો મુખ્યત્વે દસ પ્રકારની છે અને ૯૬% પ્રાણીસૃષ્ટિ સંકુલિત દ્રષ્ટિ યોજના ધરાવે છે.
આંખનો આકાર દડા જેવો છે જે આગળના ભાગમાં ઉપસેલો છે. દડાના ૩ લેયર – થર છે. સૌથી બહારનો સફેદ ભાગ સ્ક્લેરા કહેવાય અને તે અપારદર્શક છે ફક્ત આગળના ઉપસેલા ભાગમાં એની જગ્યાએ છે પારદર્શક એવું કોર્નિયા. વચ્ચેના લેયર – કોરોઈડમાં રક્તવાહીની હોય છે. તે આગળના ભાગમાં એક રંગીન પડદા – આઈરીસ સાથે જોડાય છે. આઈરીસનો રંગ આંખને સુંદરતા આપે છે – કાળી, માંજરી, ભૂરી, લીલી વગેરે. આઈરીસમાં વચ્ચે એક કાણું છે – જેને કીકી કે પ્યુપીલ કહેવાય અને તે નાનું મોટું થઇ શકે છે. સૌથી અંદરનું લેયર રેટિના કહેવાય છે.
આંખ એ શરીરનું સુંદરતમ અંગ છે. આંખનું અનન્ય મહત્ત્વ છે. આંખ માટે નયન, નેણ, લોચન, આંખ, નેત્ર, ચક્ષુ વગેરે શબ્દો વાપરવામાં આવે છે. અંધ વ્યકિત માટે પ્રજ્ઞાચક્ષુ શબ્દ વાપરવામાં આવે છે. જેની આધ્યાત્મિક દ્રષ્ટિ જાગ્રત થઇ હોય તેના માટે દિવ્યચક્ષુ શબ્દ વાપરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક જીવને બે નેત્રો હોય છે. શંકર ભગવાનને ત્રીજું નેત્ર પણ હતું. શંકર ભગવાન વિસર્જનના દેવ ગણાય છે. ત્રીજું લોચન ખોલે એટલે તાંડવ રચે છે.
આંખને કવિતા અને શાયરીમાં લાડ લડાવવામાં આવે છે. કોઇ શાયરે એક શેરમાં આમ કહ્યું છે, “તારીફ તારી આંખોની કરું કે પછી તારા ગાલની, મને તો સૌથી પ્યારી છે અદા લહેરાતા તારા વાળની..
આપણા સદાબહાર સંગીતકાર દિલીપ ધોળકિયાએ અજીત મર્ચન્ટના સંગીતમાં અફલાતૂન અને અમર ગીત તૈયાર કર્યું છે. “તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ હું એકલો! એમ કહે છે. આંખના બંધાણી સામે પ્રોહિબિશન એકટ કે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેમ રાજુ રદી બંધ આંખે સવ્રેરા પૂછે છે!!
એક ગીતમાં પ્રેમી તેની પ્રેમિકાની આંખ વિશે નુકતેચીની કરતાં કહે છે. “તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા કયાં હૈ ભલાદમી, શાયરો તો પ્રેમિકાના ગાલમાં તલ પર સમરકંદ અને બુખારા કુરબાન કરવાની ડંફાશ મારે છે. જાણે ડીએલએફ જેવો રીયલ એસ્ટેટ એજન્ટ ન હોય???!! સમરકંદ અને બુખારાના નગરજનોની ઇચ્છા જાણવા રેફરન્ડમ કરેલ છે કે કેમ? બે નગરોનો બારોબાર કારોબાર થાય અને કોઇની આંખમાંથી પાણી સુધ્ધાં ન નીકળે??? કોઇ કવિએ આંખ માટે એક-બે સૂર્ય ચાર-પાંચ મંગળ કે આઠ-દસ ચંદ્ર કે ગંગા-યમુના કુરબાન કરવાની જાહેરાતોને કરતું નથી!!
બે ભૂરી આંખના પ્રેમમાં પડ્યો અને બસો કિલોની કાયાને પરણવું પડ્યું એવી કેફિયત કોઇ ભંગાયેલ ગોરધન ફરિયાદ કરે છે!!! કાયદાની દેવી પણ ગાંધારીની જેમ આંખે પટી બાંધીને ન્યાય તોલે છે! જો કે, ધૃતરાષ્ટ્ર જન્માંધ હોવાથી ગાંધારીએ અંધત્વનો સદૈવ અનુભવ કરવા માટે આંખો પાટા બાંધ્યા હતા. અલબત્ત, ગાંધારી રાત્રે આંખે પટી લગાવતી હતી કે સાડી-બ્લાઉઝને મેચ થાય તેવા રંગની પટી આંખે લગાવતી હતી તેનો પણ ઉલ્લેખ ગાંધારીગાથામાં નથી.
આપણે ત્યાં કાણાંને કાણાં કહેવાનો રિવાજ નથી. મહાભારત સર્જાવાના કારણમાં પણ આંખ જવાબદાર હતી. પાંડવોએ મયદાનવની અદ્ભુત સ્થાપત્ય કળાના ઉતમ નમૂના સમાન ઇન્દ્રપ્રસ્થ નગરનું નિર્માણ કરેલ હતું. જેમાં જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળાનુભૂતિ થતી હતી. પાંડવોએ યજ્ઞનું આયોજન કરેલ. આ યજ્ઞમાં દુર્યોધન હાજર હતો!! મહેલમાં એક જગ્યાએ જળ લાગે તેવી સ્થળરચના હતી. દુર્યોધન ધોતી ભીની ન થાય તે માટે હાથથી ધોતી ઊંચી કરી. તે સમયે દ્રૌપદી ગવાક્ષ કે અટારીમાં હતી. આ દ્રશ્ય જોઇને દ્રૌપદી દુર્યોધનને ઉપાલંભ આપીને બોલી કે આંધળાના આંધળા જ હોય!!જેના લીધે ભીષણ મહાભારતનું યુદ્ધ થયું જેમાં અનેકાનેક મરણશરણ થયેલા.
કોઇની આંખ જતી રહી હોય તો તમારા નયન કેમ કરતા ગયા છે તેવું નાગરી સ્ટાઇલમાં પૂછવું પડે. નહીંતર કાણાકુમારને માઠું લાગવાના ચાન્સીસ રહે છે!! હરણી જેવી આંખો ધરાવતી રૂપાંગના કે રૂપ સામ્રાજ્ઞીને મૃગનયની કહે છે. પરંતુ ગધેડી જેવી
આંખો ઘરાવતી સ્ત્રીને ગદર્ભીનયની કહેવામાં આવતી નથી. ચાર ચોટલા મળે તો ભાંગે કોઇના ઓટલા તેમ કહેવામાં આવે છે. અપિતું, ચાર નયનો મળે તો પ્રેમનું મહાભારત સર્જાય છે. કેટલાકની આંખો ત્રાંસી હોય છે. જેમને એલએલટુટીટુટી એટલે કો લુકિંગ ટુ લંડન ટોકિંગ ટુ ટોકિયો કહેવામાં આવે છે!!
અમે માહિતી અધિકારી તરીકે રાણાવાવ ૧૯૮૯ થી ૧૯૯૧ વચ્ચે ફરજ બજાવી હતી. આદિત્યાણાની નગર પંચાયતના પ્રમુખ ગમે તેની સાથે બાઇક અથડાવે પછી આ તકિયા કલામ અવશ્યપણે બોલે. “મું તો આંધરીનો સું તુંય આંઘરીનો શું??
ઘણા માબાપ મુરતિયાના ઇતિહાસ -ભૂગોળની તપાસ ( છોકરીઓની બાબતમાં એવું કહેવાય છે કે જે છોકરીની દેહભૂગોળ સારી હોય તેનો ઇતિહાસ ભૂંડો કે ખરાબ હોય છે!!!) કર્યા વિના છોકરીના લગ્ન કરે તેવા માબાપ છતી આંખે દીકરીને કૂવામાં ધકેલે છે!! આપણે ત્યાં મૂઇ ભેંસના મોટા ડોળા એમ પણ કહેવામાં આવે છે. કોઇને તાંકવા કે ઝાંખવા માટે અનિમેષ નજરે જોવું એમ પણ કહેવામાં આવે છે. જેમાં સામેવાળો કે સામેવાળી ચિતરેલા ચિત્ર જેવા સ્તબ્ધ થઇને મટકું માર્યા સિવાય જોવે છે.અંગ્રેજીમા લવ એટ ફર્સ્ટ સાઇટ એમ કહેવામાં આવે છે!! પણ ડિવોર્સ એટ લાસ્ટ સાઇટ એવું કહેવામાં આવતું નથી!!!
મનહર ઉધાસે એક ગઝલમાં નયનને બંધ રાખી પ્રેયસીને જોવાને મનોરથ વ્યકત કરેલો. નયનને બંધ રાખીને કંકોડા પણ જોઇ શકાય નહીં તો પછી પ્રેમિકાને ધૂળ અને ઢેફા જોઇ શકાય?? હિન્દી ફિલ્મમાં અંખિયો કે ઝરોખે સે મેંને દેખાનું ટાઇટલ સોંગ “અંખિયો
કે ઝરોખે સે મેંને દેખાનું જો સાંવરે, તુમ દૂર નજર આયે બડી દૂર નજર આયે કર્ણપ્રિય અને કર્ણમંજુલ છે!! અનુરાગ ફિલ્મમાં હીરો વિનોદ મહેરા મૌસમી ચેટરજીને “તેરે નૈનો કે દીપ જલાઉંગા, અપની આંખોસે દુનિયા દિખલાઉંગા જેવું લીલુંછમ આશ્ર્વાસન આપે છે!!
સરસ્વતીચંદ્ર પિકચરમાં આંખ ખુલ્લી તો તન્હાઇથી સપના હો ન શકા અપના એવી નૂતનને ફરિયાદ કરે છે. હવેના પિકચરમાં લડકી કમાલ દેખો અંખિયોસે ગોલી મારે કે આંખ મારે હો લડકી આંખ મારે જેવા ફૂવડ ગીતો સાંભળવા મળે છે!!
કોઇપણ સ્ત્રી મેકઅપ કે શણગાર શું કામ કરે છે?? તેનો સવાલ નિરુત્તર છે. આપણે ત્યાં સોળ શણગારનો મહિમા છે. લજ્જા આંતરિક શૃંગાર ગણાય છે!! કોઇ સ્ત્રી બનીઠનીને બહાર બજારમાં નીકળે અને કોઇ ભ્રમરવૃત્તિનો રસિકજન હળવી સિસોટી ન વગાડે કે દિલ ધરતીની જેમ ધણધણી ન ઊઠે (જેને સાદી ભાષામાં ધરતીકંપ, ભૂચાલ, ભૂકંપ કહેવાય!!) કે મન મચલી ન ઊઠે તો શણગાર કે મેઇકઅપ ગઇ ભેંસ પાણી મેં જેવો કહેવાય. અપ્સરા શી મનોવાંચ્છિત કામિની રૂમઝૂમ કરતી નીકળે અને જુવાનિયાની લાશો ન ઢળે કે લાળથી રસ્તો ત્રણે ન થાય તો શૃંગારનો શો અર્થ છે. સૌંદર્યને અપલક નિહાળીને તેની કદરદાનીમાં કશુંક મર્મર કરવું એ એસ્થિસ્ટિક સેન્સની નિશાની છે!! પ્રશંસા તો ખુદાને વ્હાલી હોય તો પદ્મની સરખી ભામિનીને કેમ ન હોય???
તમે કોઇ મલિન ઇરાદા વગર શુદ્ધભાવે ભ્રાતાભાવ કેળવીને કોઇની આંખ, ગાલ, હોઠના વખાણ કરો તેમાં ખોટું શું છે?? આવું શુદ્ધ સોંદર્ય સ્તુતિગાન મહિલા જાતીય સતામણીની વ્યાખ્યામાં પરફેકટ થોડું બેસે ?? ફલર્ટિંગની પણ આગવી મજા હોય છે!! મણિબેનત્વ એ પ્રાચીન સંકલ્પના કે વિભાવના છે!! ફલર્ટ કરવાથી કોઇ શિથિલ ચારિત્ર્યનો બની જતો નથી. પરંતુ, કેટલાક અનિચ્છનીય બનાવ બનતા અટકી જાય છે. એડલ્ટ ક્ધટેન્ટ જોનારા બધા રેપિસ્ટ હોતા નથી!! એ એક વાસના વરાળનું રિલીઝિંગ છે!! માનો કે પ્રેશર કૂકર જેવું!!
હમણાં એક એડિશનલ કલેકટર તેમના તાબા હેઠળની મહિલાને તારી આંખો શ્રીદેવી છે તેવું સાદું સાત્ત્વિક , હર્બલ અને ઓર્ગેનિક વિધાન વાક્ય કહેવા બદલ નોકરીમાંથી હાથ ધોઇ બેઠા. સાલ્લું ચીનની કોલેજો છાત્રો-છાયાને પ્રેમ કરવા વીસ દિવસની રજા આપે છે અને આપણી ઓફિસોમાં સૌંદર્યની શુભ ભાવના અને નેક ઇરાદાથી પ્રશંસા કરવામાં નોકરી ગુમાવે છે. કેવી વિડંબના છે!! સિનિયરને લગભગ ઘરના મૂડીરોકાણથી ઉબાઈ ગયા હોય છે!! બહાર તાજી હવા લે તો પતઝડ આવી જાય!! કેવું કરુણ ગાન!! જો પેલી છોકરીને શ્રીદેવી પસંદ ન હોય તો સાહેબને સવિનય સહ જયભારત સાથે વિનમ્ર અરજ ગુજારવાની હોય તે આપ મારી આંખોની બાપા આદમની હિરોઇન સાથે તુલના ન કરો પણ પરિણીતી ચોપરા કે આલિયા ભટ, જેકલીન ફર્નાન્ડીઝની આંખો સાથે સરખામણી કરો તો હરકત સરખું નથી એમ સ્વયંસ્પષ્ટ જણાવવું જોઇએ. પુરુષ અધિકારીઓના દિલ પ્રશાંત મહાસાગર જેવા સંકીર્ણ હોય છે. ફટ દઇને તારીખ ફલાણી ફલાણીના ઠરાવથી મિસ એકસની આંખોની સરખામણી મર્હૂમ શ્રીદેવીની આંખો સાથે સરખામણી કરેલી પણ હવે તેની આંખો આલિયા ભટ જેવી હોવાનું પુખ્ત વિચારણાને લીધે આથી ઠરાવવામાં આવે છે. હવે કોઇએ સ્વેચ્છાએ તાબેદાર મહિલાની આંખોની સરખામણી મરહૂમ કે જીવિત શ્રીદેવી સાથે કરવી નહીં ભગરી ભેંસ કે ગૌરી ગાય સાથે કરવી. નહિતર નોકરીમાંથી હાથ ધોવા પડે તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં!!!