રોજ બરોજ -અભિમન્યુ મોદી
ઈલોન મસ્કની પ્રકૃતિ સમજવા માટે તેના મગજનો અભ્યાસ કરવો જરૂરી છે. પરંતુ તેમાં જોખમ છે. મગજમાંથી નીકળતા તરંગો એટલા અળવીતરા છે કે તેના સ્પર્શ માત્રથી અન્ય માનવીનું મન ભ્રમિત થઈ જાય. મસ્કે ટ્વિટર પર કબજો કર્યા બાદ એવી ટ્વિટ કરી કે તેમની એપ્લિકેશનની સરખામણીમાં ડોનલ્ડ ટ્રમ્પની પોતીકી એપ્લિકેશન ‘ટ્રુથ સોશિયલ’ યુઝરની દૃષ્ટિએ આગળ છે અને ટૂંક સમયમાં તે ઇન્સ્ટાગ્રામને પણ પછાડી દેશે. એક તરફ ટ્વિટર ડચકાં ખાય છે ત્યારે તેને બચાવવાની જગ્યાએ મસ્ક તેની હરીફ એપ્લિકેશનના વખાણ કરે છે. તેમના આવા વલણ પર મીમ માર્કેટમાં તેજી આવી આવી ગઈ. અને ફરી મસ્કની ફજેતી થઈ. જે લોકોએ જીવનમાં ‘ટ્રુથ સોશિયલ’ નામ પણ સાંભળ્યું ન હતું. તેમને અચાનક ધ્યાન આવ્યું કે આવી પણ એક એપ્લિકેશન છે. જેના સંચાલક ભલે વિશ્ર્વભરમાં અસત્યનો મહિમા ફેલાવે પરંતુ પોતાની માલિકીની એપ્લિકેશનમાં તો સ્પષ્ટપણે એવી સૂચના આપે છે કે, ‘અહીં સત્ય બોલનારની પૂજા થાય છે અને અસત્યને બ્લોક કરવામાં આવે છે.’ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક બન્ને એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમની પાસે વિપુલ માત્રામાં સમય, શક્તિ, સંપત્તિ અને સર્જનાત્મક વિચારો છે છતાં અમલ તો એવી જ જગ્યાએ કરવાનો જેનાથી વિકાસ નહીં પરંતુ રકાસ જન્મે.
ટ્વિટર જયારે પરાગ અગ્રવાલના નેતૃત્વમાં લોકભોગ્ય બન્યું હતું, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ટ્વિટરના માધ્યમથી હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો. ટ્રમ્પ ગિન્નાયા અને ટ્વિટર વિશે, ટ્વિટરમાં જ અણછાજતા નિબંધ લખી નાખ્યા. એટલે ટ્વિટરે રોકડું પરખાવી તેના એકાઉન્ટ પર પ્રતિબંધ લાદી દીધો. ટ્રમ્પ ટેક્નોસેવી છે. એટલે ચૂંટણીમાં તેઓ ફેસબુક-ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરતા હતા. પણ હવે તો હથિયાર બુઠ્ઠું થઈ ગયું એટલે હવાતિયાં મારવાનો વારો આવ્યો. ટ્રમ્પે પોતાના સર્જનાત્મક વિચારોના ખાનામાં ડોકિયું કર્યું અને ઘરઘરાઉ એપ્લિકેશન લોન્ચ કરવાનો વિચાર મળી આવ્યો. તેનું નામ પડ્યું ‘ટ્રુથ સોશિયલ’. આ એપ્લિકેશન સત્યની મહાનતાને વર્ણવશે. તેમાં સદૈવ સત્ય બોલનારા યુધિષ્ઠિર જેવા માનવતાના રક્ષકોને જ પ્રવેશ મળશે. પણ સત્ય કોનું? ટ્રમ્પની થિયરી ‘મારું સત્ય, તમારું સત્ય અને એક આપણું સત્ય’ પર કામ કરે છે. એટલે તેના મતે રાત્રે સૂરજ પણ નીકળી શકે અને ચંદ્ર અગનજ્વાળા પણ ફેંકી શકે છે. ખંભાતી તાળાં જેવા એપ્લિકેશનના સિદ્ધાંતોનું અનુસરણ કે અનુકરણ ખુદ ટ્રમ્પ જ ન કરી શકે તો યુઝર ક્યાંથી કરવાના!. પરંતુ તેની ડિઝાઇન એકદમ યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ. જેથી યુઝરનું ચિતડું ઇન્સ્ટા કે ટ્વિટ તરફ ફંટાય નહીં.
ટ્રમ્પે પોતાની ટીમ સમક્ષ ફરી બુદ્ધિગમ્ય વિચારોને ઢગલો કર્યો. એવું નક્કી થયું કે ટ્વિટરના સમુળગા લે-આઉટને ઉપાડીને મૂકી દેવાનું. માત્ર ચકલી અને બ્લુ રંગને બાદ કરતા બધું એમ જ રાખવાનું જેથી યુઝરને પોતીકાપણાનો અહેસાસ થાય. બસ, ચૂંટણી જીતવા માટે જનમત કેળવવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની એપ્લિકેશન ’ટ્રુથ સોશિયલ’ લોન્ચ કરી દીધી. શરૂ શરૂમાં તો ૧.૭ કરોડનો વિક્રમી આંક ‘ટ્રુથ સોશિયલ’ પાર કરી ગઈ. પણ એપ્લિકેશનમાં રહેલા છીંડાએ યુઝરને અન્ય સોશિયલ સાઇટ્સ પર જવા મજબૂર કર્યાં. ‘ટ્રુથ સોશિયલ’માં ઉંમરનો કોઈ બાધ નથી. એટલે ૩ વર્ષનું ટાબરિયું પણ પોતાનું એકાઉન્ટ બનાવી શકે, અશ્ર્લીલ વીડિયોનું વેચાણ અને ઓનલાઇન દેહસુખ માણવા પર પ્રતિબંધ નથી. જે લખવું હોય તે બીન્ધાસ્ત થઈને લખો. વાંચનારને મતે લખનાર સત્યના દરિયામાંથી ચૂંટેલા શબ્દો જ લખે છે. એટલે તેનું એકાઉન્ટ બ્લોક નહીં થાય. બે મહિના પૂર્વે એક યુવતીએ પ્લે સ્ટોરમાં ‘ટ્રુથ સોશિયલ’ વિશે બિભત્સ કમેન્ટ કરી તેને બે સિતારાનું રેટિંગ આપ્યું. પછી તો જાણે દરેક યુઝરને પોતાના પ્રશ્ર્નો હોય તેમ પ્લે સ્ટોરમાં ફરિયાદોનો ઢગલો થઈ ગયો. આજે હાલત એવી છે કે ‘ટ્રુથ સોશિયલ’નો માત્ર ૪૦ લાખ લોકો જ ઉપયોગ કરે છે. જયારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના યુઝરની સંખ્યા સ્થિર છે અને મસ્કની માથકૂટને કારણે ટ્વિટર પર યુઝરની સંખ્યા ઘટી રહી છે. આમ તો મસ્કે ટ્રમ્પના એકાઉન્ટને ફરી એક્ટિવ કરી દીધું છે. પરંતુ હવે ટ્રમ્પને ‘ટ્રુથ સોશિયલ’ને ટોચ પર પહોંચાડવામાં જ રસ છે.
ટ્રમ્પની બુદ્ધિને ખરેખર દાદ દેવી પડે. તેમના ‘ટ્રુથ સોશિયલ’માં ટ્વિટરમાંથી બરતરફ થયેલા કર્મચારીઓ જ કામ કરે છે. એટલે પ્રોગ્રામિંગ અને ડિઝાઇનિંગમાં કંઈ ઘટે જ નહીં. પરંતુ તેમાં પાબંધીને નામે મીંડું છે. આ જ તેનું મોટું છીંડું છે. ટ્વિટરનો પર્યાય બનવાની હોડમાં ટ્રમ્પ નુકસાની વ્હોરી રહ્યા છે. આમ તો ફેસબુક ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સુધ્ધાંનો ઉપયોગ રાજકીય પ્રભાવ માટે કરવામાં આવે છે પરંતુ ટ્વિટર પર જે રીતે અભિપ્રાયો ઉભા થાય છે અને ચર્ચાઓ થાય છે અને તેનાથી એક માહોલ ઉભો થાય છે. તે જોતા રાજકીય પ્રવાહો પર તેનો સૌથી વધુ પ્રભાવ જણાય છે. કયા નેતાના ટ્વિટર પર કેટલા ફોલોઅર્સ છે તે બાબત પણ મહત્ત્વની બની રહે છે અને ટ્વિટર પર થતી ચર્ચાઓનું એક નોખું જ મહત્વ છે. આવા સંજોગોમાં ટ્વિટરને ટક્કર આપવા એપ્લિકેશનમાં ક્રિએટિવ ટચ આપવો પડે. પરંતુ ટ્રમ્પ ‘ટ્રુથ સોશિયલ’નો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરવા માંગે છે.
બહુરંગી અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીતવી એ, ભારતીય રાજનીતિના સંદર્ભમાં જોઈએ તો શબ્દશ: લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર હોય છે. જગતમોરચે અમેરિકન પ્રાઈડ ટકાવવું અને ઘરઆંગણે ઉત્પાદિતા વધારવાનું સંતુલન જાળવવું એ અમેરિકન પ્રમુખ સામેનો મુખ્ય પડકાર હોય છે. દરેક બાબતોમાં ઉણાં ઊતરી રહેલાં ટ્રમ્પ આખાબોલા, અળવીતરા સ્વભાવને લીધે કેટલીક વણજોઈતી મુસીબતો પણ વ્હોરી રહ્યા છે, જે છેવટે તેમના માટે ‘ઊઠ પાણા પગ ઉપર’ની સ્થિતિ સર્જે છે. એવી સ્થિતિનું સીધું ઉદાહરણ એટલી પહેલી ટર્મના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ સાથે હાલ બીજી વાર થઈ રહેલી ઈમ્પિચમેન્ટ મૂવમેન્ટ. મહાભિયોગ તરીકે ઓળખાતી આ દરખાસ્તની હિલચાલ થાય એ બાબત સુધ્ધાં અમેરિકન પ્રમુખ માટે હેઠાજોણું ગણાય છે ત્યારે ટ્રમ્પ અમેરિકન ઈતિહાસના પ્રથમ વાર એવું બનશે કે રાષ્ટ્રપતિપદના ઉમેદવારની સામે ૬ વર્ષમાં બીજી વાર આવી દરખાસ્તની શક્યતા ઊભી થઈ છે.
કહેવા માટે અમેરિકન પ્રમુખ સર્વસત્તાધિશ છે પરંતુ પ્રમુખ આપખુદ ન બની જાય અને સંસદની સર્વોપરિતા સ્વીકારે એ માટે અમેરિકન લોકશાહીના ઘડવૈયાઓએ ઈમ્પિચમેન્ટ યાને મહાભિયોગ યાને ઠપકાની દરખાસ્તની જોગવાઈ રાખી છે. નૈતિક કે કાનૂની દૂરાચાર, રાષ્ટ્રીય સલામતીને અસર કરે તેવો ભ્રષ્ટાચાર અને રાજદ્રોહ જેવા ગુનાની ગંભીરતા મુજબ પ્રમુખ સામે અમેરિકી સંસદમાં ઠપકાની દરખાસ્ત મૂકવામાં આવે છે, જે મહાભિયોગ અથવા ઈમ્પિચમેન્ટ તરીકે ઓળખાય છે. જો આ દરખાસ્ત સર્વાનુમતે કે બહુમતિથી પસાર થઈ જાય તો પ્રમુખ માટે હોદ્દા પર ટકી રહેવું દુષ્કર બની જાય છે.
મધ્યસત્રની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું કે અમેરિક્ધસ હવે ટ્રમ્પને સ્વીકારવા તૈયાર નથી. અંગ્રેજીમાં જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય તેણે ટ્રમ્પને અવરોધવાનું મિશન હાથ ધર્યું છે. અને એ લોકોએ પણ જેઓ રિપબ્લિકન પાર્ટીના સમર્થક તો છે, પણ તેમને ટ્રમ્પનું અસંસ્કારી અમેરિકા નથી ખપતું. પક્ષના સમર્થકોએ સંસ્કારી સભ્ય અમેરિકાને બચાવવા પક્ષના ટ્રમ્પસમર્થક ઉમેદવારોને વીણીવીણીને પરાજિત કર્યા છે. જો આ તારણ સાચું હોય અને ખોટું હોવા માટે કોઈ કારણ નથી તો એનો અર્થ એ થયો કે જગત આખામાં વિવેકી અને અવિવેકી અથવા કહો કે ઉદાર અને અનુદાર પ્રજા વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ૨૦૨૪ની ચૂંટણી માટે ટ્રમ્પ નિર્મિત ’ટ્રુથ સોશિયલ’ કેટલું અસરકાર સાબિત થશે.