દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોએ એરલાઈન અધિકારી સાથે વાત કર્યા બાદ આ જાણકારી આપી હતી.
દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી દરમિયાન એક મુસાફરનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની આ ફ્લાઈટ 6E-1736ને મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી. એરલાઇન કંપનીએ કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે એરપોર્ટ પર પહોંચતા જ એરપોર્ટ મેડિકલ ટીમે ચેકઅપ બાદ પેસેન્જરને મૃત જાહેર કર્યો હતો. એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ તેના જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું હતું કે અમે આ જાનહાનિથી ખૂબ જ દુઃખી છીએ. અમારી સંવેદના પીડિતના પરિવાર સાથે છે. એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે તે વિમાનના અન્ય મુસાફરોને તેમના સંબંધિત ગંતવ્ય સ્થાનો પર લઈ જવાની વ્યવસ્થા કરી રહી છે. ‘અમે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ,’ એમ એરલાઇન્સે જણાવ્યું હતું.