શ્વાન સૂતો હોય ત્યારે કાન પાસે હોર્ન વગાડવો કે ફટાકડા ફોડી તેને ડરાવવો અને તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો અને પછી શેર અને લાઈક મેળવવાના. આવી ક્રૂર માનસિકતા જેની હોય તેમણે ચેતી જવાની જરૂર છે કારણ કે અમદાવાદ પોલીસની રડારમાં આ લોકો આવી ગયા છે. આનું એક કારણ એ પણ છે અમદાવાદ સહિત ગુજરાતમાં શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે અને આનું એક કારણ આવા રમૂજી વીડિયો બનાવી ખોટી ડંફાશ મારવાની વૃત્તિ ધરાવતા યુવાનો પણ છે.
સીઆઈડી ક્રાઈમની એક ટીમ હવે આ કામે લાગી ગઈ છે. પોતાનો ચહેરો ઢાંકી આવા વીડિયો પોસ્ટ કરતા લોકોની માહિતી તે મેળવી રહી છે. આવી સો જેટલી પોસ્ટ પોલીસે એકઠી કરી છે અને હવે પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પ્રાથમિક માહિતી મળી છે. આગળ જતા આવું અમાનવીય કૃત્ય કરનારા સામે કાનૂની પગલાં લેવામાં આવશે.
પોલીસનું માનવાનું છે કે શ્વાન દ્વારા નાના બાળકો ને વૃદ્ધોને કરડવાના ઘણા કિસ્સા બને છે. આ આક્રમકતા છે તે લોકો દ્વારા તેને પજવવામાં આવતા હોવાથી તેમનામાં આવી છે અને તે પાછી લોકો પર જ કાઢે છે. સોશિયલ મીડિયા યુઝર્સ માત્ર પોતાના ફોલોઅર્સ વધારવા કે લાઈક વધારવા આવા કામ કરે છે, સૂતેલા શ્વાનને પજવે છે અને તેના લીધે પ્રાણીઓ સહિત લોકોનું જીવન પણ ખતરામાં મૂકાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્વાન, બિલાડી, પક્ષીઓ સૌનો ઉંઘવાનો સમય હોય છે અને શહેરી જીવનના ઘોંઘાટને લીધે તેમની પ્રાકૃતિક જિંદગીમાં અવરોધ આવે છે. આ સાથે સમયસર ખાવા ન મળતું હોવાથી અને પાણી પીવા ન મળતું હોવાથી તેઓ આક્રમક બની જાય છે અને હુમલા કરે છે.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર સેલ પોતાનું કામ કરશે જ, પરંતુ લોકોએ ખાસ સમજવાની જરૂર છે. જો તમારા સર્કલમાં કોઈ આ પ્રકારના વીડિયો શેર કરતું હોય તો તેને રોકો, સમજાવો અને ન માને તો કાનૂની મદદ પણ લઈ શકો. આપણી આસપાસનું પ્રાણી-પક્ષીજગત આપણી જવાબદારી છે અને તેનું જતન કરીએ અને તેને કનડીએ તો નહીં જ તે જોવાનું કામ આપણા સૌનું છે.