સુરતમાં શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ખજોદ ગામ પાસે ત્રણ શ્વાનોએ બે વર્ષની બાળકી પર હુમલો કરી દેતા બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ડાયમંડ બુર્સની પાછળ રહેતા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. દરમિયાન એકાએક જ 3 શ્વાનોએ હુમલો કરી દીધો હતો, બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધી હતી. બાળકીની બુમો સાંભળી દોડી આવેલા લોકોએ શ્વાનોને ખદેડ્યા હતા. બાળકીને તુરંત નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે. આ ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ કૂતરાઓ પકડવા સૂચના આપી આપી છે.
સુરતમાં સતત શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, સતત કૂતરાં દ્વારા નાના બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કૂતરાની સંખ્યા ઓછી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં એનું પરિણામ જોવા નથી મળી રહ્યું. 15 દિવસ પહેલાં જ સુરતના વેડરોડ વિસ્તારમાં કુતરાઓએ એક બાળકી પર હુમલો કર્યો હતો.